Gujarat
વડોદરાની SOG ટીમે દરોડામાં જપ્ત કર્યો મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરીનો જથ્થો
સરકાર દ્વારા ચાઈનીઝ તુક્કલના વેચાણ કે સંગ્રહ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આમ છતાં પણ કેટલાક વેપારીઓ તગડો નફો રળી લેવા અને પોતાના અંગત ફાયદા હેતુસર પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને ચાઈનીઝ તુક્કલનું વેચાણ કરી રહ્યા હોવાની બાતમી ડભોઈ પોલીસ અને જિલ્લા ગ્રામ્ય SOGને મળી હતી. જે બાદ ચેકિંગ હાથ ધરી મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરાની રીલોનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
જિલ્લા ગ્રામ્ય SOG અને ડભોઇ પોલીસે બાતમીના આધારે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ઈસમોને ઝડપી પાડયા હતા.
ડભોઈ પોલીસ મથકની હદમાં વિસ્તારમાં આવેલા દિવાળીપુરા નજીક આવેલ દરબાર રેસિડેન્સીના મકાન નંબર-135માં ભાડેથી રહેતા એહમદ અબ્દુલ રહેમાન ગોલાવાળાને ત્યાં મોટા પ્રમાણમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી.
જેના આધારે જિલ્લા ગ્રામ્ય એસઓજીએ બાતમી વાળા મકાન પર દરોડો પાડીને તપાસ હાથ ધરી હતી. જેમાં મોટા પ્રમાણમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો હતો.
જિલ્લા ગ્રામ્ય એસઓજીએ 420 નંગ ચાઇનીઝ દોરાની લાખો રૂપિયાની કિંમતની રીલોનો જથ્થો જપ્ત કરી આરોપી એહમદ અબ્દુલ રહેમાન ગોલાવાળાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજી તરફ ડભોઇ પોલીસે પણ બાતમીના આધારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીને 15 નંગ ચાઈનીઝ દોરાની રીલો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.