International
સુદાનમાં ફાટી નીકળેલા આંતરિક યુદ્ધમાં ફસાયેલા ગુજરાતીઓને હેમખેમ વતન પહોંચાડતી રાજ્ય સરકાર

તાજેતરમાં સુદાનમાં અર્ધ લશ્કરી દળો અને સૈન્ય વચ્ચે ચાલી રહેલ આંતરિક યુદ્ધના લીધે સમ્રગ વિશ્વમાંથી ત્યાં વસતા લોકો ફસાયા છે, જેમાં ભારતના સુદાનમાં ફસાયેલ નાગરિકોને સ્વદેશ પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન “કાવેરી” હાથ ધરવામાં આવ્યું છે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ તથા ગુજરાત રાજ્યના ગૃહ અને બિન નિવાસી ગુજરાતી પ્રભાગના રાજયકક્ષાના મંત્રી હર્ષ સંધવીના વડપણ હેઠળ સુદાનમાં ગુજરાતના ફસાયેલા લોકોને પરત વતનમાં લાવવામાં રાજ્યના એન.આર.આઇ. પ્રભાગ, સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન અને ગુજરાતના નિવાસી આયુકત, દિલ્હી દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે. સુદાનથી બચાવ કરાયેલા ગુજરાતીઓને આવકારવા માટે રાજ્યના ગૃહ અને એન.આર.જી રાજ્યમંત્રી હર્ષ સંધવી ઉપસ્થિત રહીને ઉષ્માભેર આવકાર્યા હતાં. આ વેળાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે અમદાવાદ કલેક્ટર પ્રવીણા તેમજ ઓપરેશન ‘કાવેરી’ સાથે સંકળાયેલા વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
સુદાનમાં ફાટી નીકળેલા આંતરિક યુદ્ધમાં ફસાયેલા ગુજરાતીઓને હેમખેમ વતન પહોંચાડવામાં રાજ્ય સરકારે ભારે જહેમત ઊઠાવી હતી. કેન્દ્રના વિદેશ મંત્રાલય સતત સંપર્કમાં રહી તમામ ગુજરાતીઓની માહિતી આપી કેન્દ્ર સરકારની મદદ મેળવી હતી.
ઓપરેશન “કાવેરી”ના ભાગરૂપે ગુજરાતના ૫૬ નાગરિકોને ખાસ ફલાઇટ-C17 મારફતે જેદ્દાહથી મુંબઈ ખાતે ઇવૅક્યુએશન તકરવામાં આવ્યું છે. સુદાનથી આવેલા તમામ ૫૬ ગુજરાતીઓને રાજ્યના અધિકારીઓ દ્વારા મુંબઇ ખાતે રિસીવ કરવામાં આવ્યાં હતા. આ ૫૬ ગુજરાતીઓ પૈકી ૧૨ લોકોએ પોતાની આગવી સુવિધા કરી હતી, જ્યારે બાકીના ૪૪ ગુજરાતીઓને વહેલા પરોઢિયે સર્કિટ હાઉસ અમદાવાદ ખાતે Volvo બસ દ્વારા લાવવામા આવ્યાં હતા. ત્યારબાદ રાજ્ય સરકારે રાજકોટ જીલ્લા ખાતે ૩૯, ગાંધીનગર જીલ્લા ખાતે ૯, આણંદ જીલ્લા ખાતે ૩ તથા વડોદરા જીલ્લા ખાતે ૫ નાગરિકોને પોતાના વતનમાં પરત રવાના કરવાની વ્યવસ્થા પણ કરી આપી હતી. સુદાનમાંથી ગુજરાતીઓ ભારતમાં પહોંચ્યા બાદ ત્યાંથી તેમના માદરે વતન સુધી પહોંચવામાં કોઈપણ પ્રકારની આગવડ ઊભી ન થાય તેની પણ પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત પ્રથમ દેશ બન્યો જેને રેસ્ક્યુની યોજના બનાવી સુદાનમાંથી ભારતીયોને વતન લાવવાનું અયોજન કર્યું તેમજ સુદાનમાંથી ગુજરાતીઓ ભારતમાં પહોંચ્યા બાદ ત્યાંથી તેઓને તેમના માદરે વતન સુધી પહોંચાડવાની જવાબદારી રાજ્ય સરકારે ઉઠાવી છે.
ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ઓપરેશન ‘કાવેરી’ અંતર્ગત ગુજરાત સરકાર સતત વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં રહીને તમામ ગુજરાતીઓની યાદી બનાવીને વિદેશ મંત્રાલયને મોકલી આપી છે. જો હજુ કોઈપણ ગુજરાતીઓ આવવાના બાકી હશે તેમને પણ સહી સલામત ગુજરાતમાં લાવવાની કામગીરી કરવામાં આવશે અને ફ્લાઇટ કે અન્ય ટ્રાન્સપોર્ટેશન દ્વારા તેમના ઘર સુધી તેઓને પહોંચાડવામાં આવશે.
હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં સુદાનમાં ગુજરાતના ફસાયેલા લોકોને પરત વતનમાં લાવવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના એન.આર.આઇ. પ્રભાગ હેઠળના એન.આર.જી.ફાઉન્ડેશન, અમદાવાદ કલેક્ટર તેમજ પોલીસ વિભાગે સહરાનીય કામગીરી કરી છે. આ અવસરે ગૃહ રાજ્યમંત્રીએ આ તમામ વિભાગોને અભિનંદન પણ પાઠવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તમામ પેસેન્જરોને દિલ્હી અને મુબંઇ ખાતેથી ગુજરાત લાવવા અંગેની કામગીરી બિન-નિવાસી ગુજરાતીઓ માટે કાર્યરત સામાન્ય વહીવટ વિભાગના એન.આર.આઇ.પ્રભાગ અને ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન દ્વારા ગુજરાતના નિવાસી આયુકત, દિલ્હીના સંકલનમાં કરવામાં આવી હતી.
* રાજ્યના ગૃહ અને એન.આર.જી રાજ્યમંત્રી હર્ષ સંધવીએ વહેલી સવારે અમદાવાદ ખાતે તમામ પ૬ ગુજરાતીઓનું સ્વાગત કર્યું
*ઓપરેશન ‘કાવેરી’ અંતર્ગત ગુજરાત સરકારે વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં રહી તમામ ગુજરાતીઓની માહિતી આપી કેન્દ્ર સરકારની મદદ મેળવી
* ૫૬ ગુજરાતીઓનું જેદ્દાહથી મુબંઇ ખાતે ખાસ ફ્લાઈટ મારફતે કરાયું ઇવૅક્યુએશન
* રાજકોટના ૩૯, ગાંધીનગરના ૯, આણંદના ૩ તથા વડોદરાના ૫ ગુજરાતીઓને પોતાના વતનમાં પરત રવાના કરાયા.