Chhota Udepur
ભીલપુર સરકારી અનાજની દુકાનમાં ગેરરિતીની બૂમો વચ્ચે તંત્રએ તપાસ હાથ ધરી
પ્રતિનિધિ, કાજર બારીયા(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર તાલુકાના ભીલપુર ગામે આદિવાસી સેવા સહકારી મંડળી સંચાલિત સરકાર માન્ય સંસ્થા અનાજની દુકાનમાં ગેરરિતી,અનાજ ઓછું આપવું તેમજ ગ્રાહકો સાથે ગેર વર્તુણક કરાતી હોવાની લોક ફરિયાદો સાથે એક વિડીયો પણ વાયરલ થયો હતો. આ વીડિયોમાં સરકારી દુકાનના સંચાલક તેમજ તંત્ર ની મિલીભગત હોવાનું ફલિત થતું દેખાતું હતું. આ વિડીયો છોટાઉદેપુર પંથક તેમજ ગાંધીનગર સુધી પહોંચતા છોટાઉદેપુર તાલુકા તથા જિલ્લાના અધિકારીઓએ ભીલપુર ગામની તાબડતોડ મુલાકાત લીધી હતી. જેમાં પાંચ ગ્રાહકોના નિવેદન લેવાયા હતા. રણજીતભાઈ રાઠવા, વિપિનભાઈ રાઠવા, જેમાંભાઈ રાઠવા, પ્રતિકભાઇ રાઠવા તથા રમેશભાઈ રાઠવા આ પાચેય યુવાનો પંચોના રૂપમાં પાંડવો બની ગરીબોનું હક્ક મારતા દુર્યોધન જેવા સંચાલક વિરુદ્ધ સાચી હકીકત જણાવી પોતાના નિવેદનો આપ્યા હતા. જેમાં તેમણે જણાવ્યુ હતું કે ત્રણ વર્ષથી અનાજની કુપનો આપવામા આવતી નથી, રેશનકાર્ડ ધારકોને અનાજનો જથ્થો પૂરતો આપવામાં આવતો નથી, ગ્રાહક પાસેથી કુપનમાં લખેલ પૈસા કરતાં વધારે પૈસા લેવામાં આવે છે, સમયસર દુકાન ખોલવામાં આવતી નથી, સંચાલક ગ્રાહકોને અભદ્ર શબ્દો બોલે છે, નશાની હાલતમાં વિતરણ કરે છે અને પોતાનું વાણી વર્તન બદલે છે જેવી ફરિયાદો લખાવવામાં આવી છે.
પંચો દ્વારા દશ મુદ્દા લખાવવામાં આવ્યા હતા સંચાલકે વીડિયોમાં અનાજ ઉપરથી ઓછું આવ્યું હોય તેવું ગ્રાહકને જણાવ્યું હતું. તેમજ અધિકારીઓ ૨૦,૦૦૦ રૂપિયા લઈ ગયા હોવાની વાત કરી હતી. તે પ્રશ્નના જવાબમાં પુરવઠા અધિકારીઓએ પંચો તેમજ ગ્રાહકો રૂબરૂ અનાજની ગુણીનું વજન કર્યું હતું. જે વજન બરાબર હતું તેમજ વીડિયોમાં સંભળાયા પ્રમાણે અધિકારી ૨૦,૦૦૦ લઈ ગયા છે તે બાબત સંચાલકને પૂછતા સંચાલકે ફેરવી તોળતા આ મુદ્દો ખોટો હોવાનું અધિકારીઓએ નોંધ્યું હતું.
અધિકારીઓએ આ મુદ્દાઓ લખી પંચનામું કરી પંચોની સહીઓ લઈ રવાના થયા હતા. હવે આ બાબત જિલ્લા સ્તરે પહોંચી છે અધિકારીઓ આ બાબતની તપાસ હાથ ધરી સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરશે? તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. પુરવઠા અધિકારીઓ જ્યારે સ્થળ ઉપર આવ્યા ત્યારે કુપન પણ નીકળતી ન હતી અને લોકોની ફરિયાદો સાચી હોવાનું પુરવાર થયું છે. હવે અધિકારીઓ સંચાલક વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે તે તો જોવું જ રહ્યું. ગેરરિતીના કિસ્સાઓમાં મોટેભાગે દુકાનદારોનો પરવાનો ૯૦ દિવસ કે તેનાથી વધુ દિવસો માટે રદ કરવામાં આવે છે. અને આવી દુકાનોનું સંચાલન અન્ય દુકાનદારને સોંપવામાં આવે છે પરંતુ દુકાનદારો એકબીજા સાથે મળેલા હોય પરવાનો રદ કર્યાનું માત્ર કાગળ પર જ રહે છે. અને સસ્પેન્ડ થયેલો સંચાલક જ દુકાનનો વહીવટ કરતો હોય છે. તેવામાં ભીલપુરના દુકાનદાર સામે અધિકારીઓ કેવા પગલાં ભરે છે અને તેની કેવી અમલવારી કરાવે છે તે તો સમય આવે જ ખબર પડશે.
દુકાન સંચાલક દ્વારા અધિકારીઓને ૨૦,૦૦૦ રૂપિયા આપ્યા હોવાની વાત કરી હતી. આક્ષેપોનો ખુલાસો કરવા દુકાનદારને પૂછ્યું હતું ત્યારે દુકાનદારે કોઈને પૈસા આપ્યા હોવાની વાત નકારી હતી. અને અધિકારીઓ પોતે આ વાતમાં ન હતા તેનું પ્રમાણપત્ર મેળવી છટકી ગયા હતા. પરંતુ તેઓ ઈમાનદાર છે કે નહીં તેની સાચી હકીકત તો સંચાલક વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તેના ઉપરથી સાબિત થશે. રેશનકાર્ડ ધારકોએ કરેલી ફરિયાદો તદ્દન સાચી છે હવે દુકાન સંચાલક સામે કાર્યવાહી “કડક થાય છે કે પછી ઢીલીઢશ” તે આવનારા સમયમાં જ ખબર પડશે જો પૈસા લીધા ની વાત સાચી હશે તો સંચાલક સામે મિત્રતા ભરી કાર્યવાહી થશે અને જો નહીં લીધા હોય તો કાયદાકીય જોગવાઈ પ્રમાણે કાર્યવાહી થશે.