Chhota Udepur
આંબાખુંટ પ્રાથમિક શાળાનાં શિક્ષકે શીખવાડેલા સફાઈના ગુણ શાળા માંથી ઘર સુધી પહોચ્યા
(કાજર બારીયા”અવધ એક્સપ્રેસ”)
સમગ્ર રાજ્યમાં આગામી બે મહિના દરમિયાન સ્વચ્છતા હી સેવા રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે . આ અભિયાન અંતર્ગત આગામી બે મહિના સુધી ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં “સ્વચ્છતા હી સેવા”ના ઉમદા ઉદ્દેશથી બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, મ્યુઝીયમ, હેરિટેજ ઇમારતો, નદી, તળાવ, પ્રાથમિક શાળા સહિતના સ્થળોએ સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે. ગત તા. ૦૨ ઓક્ટોબર,૨૩ ગાંધી જયંતીના દિવસે સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ સ્થળોએ સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં આવેલ જેતપુર પાવી તાલુકાની આંબાખુંટ પ્રાથમિક શાળાનાં ૧૫૦ થી વધુ બાળકો પોતાના ઘરની સાફ-સફાઈ કરીને ‘સ્વચ્છાગ્રહી’ બન્યા હતા.
ભૂલકાઓએ પૂજ્ય ગાંધી બાપુનો ક્રાંતિકારી વિચાર ”તમે વિશ્વમાં જે પરિવર્તન જોવા માંગો છો તે બનો” ખરાં અર્થમાં સાર્થક કર્યો હતો. આંબાખુંટ પ્રાથમિક શાળા દ્વારા આપવામાં આવેલ “મારું ઘર-સ્વચ્છ ઘર”ના નાનકડા સંદેશ થકી ભૂલકાઓમાં બાળપણથી જ સ્વચ્છતાના સંસ્કારોનું અને ઉમદા જીવનમૂલ્યોનું સિંચન થઈ રહ્યું છે.
આપણા સૌના રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા. પૂજ્ય બાપુનું સ્વચ્છતાને લઈને ચિંતન એટલું વિશાળ હતું કે, તેમાં શરીર, મન અને આત્માની સફાઈ પણ સમાવિષ્ટ હતી. તેઓ માનતાં હતા કે, રાજકીય સ્વતંત્રતા કરતાં સ્વચ્છતાને પ્રથમ સ્થાને રાખવી જોઈએ અને સૌ લોકોએ સ્વચ્છતાને લઈને જાગૃત્ત બનવું જોઈએ. અંગ્રેજ શાસન સમયે એક પરદેશીએ પૂજ્ય બાપુને પૂછ્યું કે, જો તમને એક દિવસ માટે હિંદના વાઈસરોય બનાવવામાં આવે તો તમે શું કરો ? મહાત્માએ પરદેશીના પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું કે, “તો હું વાઈસરોયના ઘરની પાસે સફાઈ કામદારોના જે ઘોલકા છે તેને સરસ રીતે સાફ કરીને ચોખ્ખા ચણાક બનાવી નાંખુ !” ગાંધીજી કહેતાં કે, વિદ્યાર્થી જીવનમાં સ્વચ્છતા એ શીખવા જેવો અને જીવનમાં ઉતારવા જેવો ગુણ છે. આંબાખુંટ પ્રાથમિક શાળાનાં ભૂલકાઓએ પણ આ ઉમદા ગુણને જીવનમાં ઉતાર્યો છે. બાળકોમાં નાનપણથી જ સ્વચ્છતાના ક્રાંતિકારી વિચારોનું બીજ રોપવામાં આવે તો સાચી રીતે “સ્વચ્છતા હી સેવા”નો મૂળ ઉદ્દેશ સાર્થક બને.
આંબાખુંટ પ્રાથમીક શાળાનાં આચાર્ય સહદેવ રાઠવાએ જણાવ્યું કે, અમારી શાળામાં પાઠ્યપુસ્તકના ભણતરની સાથે જીવન મૂલ્યોની પણ શિક્ષા આપવામાં આવે છે. જ્યારે સમગ્ર દેશવાસીઓ સ્વચ્છાગ્રહી બનીને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ રહ્યા છે ત્યારે આંબાખુંટ પ્રાથમિક શાળાના ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ સ્વચ્છતાના સૈનિકો બની પોતાના મમ્મીને આરામ આપી અને સ્વ ઈચ્છાથી “મારું ઘર, સ્વચ્છ ઘર” અને “સ્વચ્છતા હી સેવા” સૂત્રને સાકાર કર્યું છે.
આવો સૌ સાથે મળીને આગામી બે મહિના દરમિયાન ઘરથી શેરી, શેરીથી ગામ, ગામથી શહેર અને શહેરથી રાજ્યને સ્વચ્છ બનાવીએ અને “સ્વચ્છતા હી સેવા”ના ઉમદા વિચારને સાર્થક કરીને આપણી એક ભારતીય નાગરીક તરીકેની અને એક ઉમદા વ્યક્તિ તરીકેની સ્વ ફરજ નીભાવીએ.