Dahod
ઝાલોદ ના ફિલ્ટર પ્લાન્ટ માં આવતું ગંદુ પાણી આરોગ્ય માટે જોખમી
(પંકજ પંડિત દ્વારા દાહોદ)
ઝાલોદ નગરમાં ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાય દૂષિત અને દુર્ગંધ વાળુ પાણી આવતા જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી
નગરમાં આવેલ ફિલ્ટર પ્લાન્ટમાં છેલ્લા પંદર વર્ષથી સાફસફાઈ તેમજ સમારકામ ન થયાની ચોંકાવનારી માહિતી બહાર આવી
લીમડી નગરમાંથી છોડાતું દૂષિત પાણી માછણડેમમા ઠાલવવામાં ન આવે તેમજ આવા દૂષિત પાણીને લઈ નગરમાં રોગચાળો પણ વધી શકે તેમ છે
ઝાલોદ નગરને છેલ્લા ઘણા સમયથી શુદ્ધ પીવાનું પાણી નથી મળી રહ્યું તેમજ હાલ જે પાણી નગરપાલિકા દ્વારા આપવામાં આવી રહેલ છે તે પાણી દુષિત તેમજ દુર્ગંધ મારતું આવે છે તેવી નગરજનો વ્યાપક પ્રમાણમાં મૌખિક ફરિયાદ કરી રહ્યા છે.
ઝાલોદ નગરના જાગૃત નાગરીક ભરતકુમાર ધૂળજીભાઈ શ્રીમાળી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને એક લેખિત અરજી કરેલ છે અને તે અરજીમાં તેમના દ્વારા પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટની વાસ્તવિકતા રજુ કરેલ છે. નગરમાં આશરે ૪૫૦૦૦ થી વધુ લોકો ફિલ્ટર પ્લાંટનું પાણી પીવે છે. આ ફિલ્ટર પ્લાન્ટમાં છેલ્લા પંદર વર્ષથી કોઈ જાતની સાફ સફાઈ કે સમારકામ કરવામાં આવેલ નથી તેમજ ફિલ્ટર પ્લાન્ટમાં વપરાતી રેતી પણ બદલવામાં આવેલ નથી. આ ફિલ્ટર પ્લાન્ટની પાસે મોટી ગટર લાઈન આવેલ છે તે ગટર લાઈનમાં ખૂબ જ દુર્ગંધ મારતી તેમજ તેનું પાણી ફિલ્ટર પ્લાન્ટમાં ભરાય છે તેવું લાગી રહ્યું છે.
નગરમાં જ્યારે નળ દ્વારા પાણી આપવામાં આવે છે ત્યારે આ પાણી ખૂબ જ દુષિત તેમજ દુર્ગંધ મારતું પાણી આવતું હોય છે જે પાણી પીવામાં કે ઘરમાં વાપરવા લાયક જોવાતું નથી. આટલા ઉનાળામાં પણ નગરને જો શુદ્ધ પીવાનું પાણી નહીં મળે તો ક્યારે મળશે, હાલ ઉનાળાને લઈ પાણીનો વપરાશ વધુ થતો હોય છે તો નગરજનોને આવું જ પાણી મળશે કે શું..❓નગરપાલિકા દ્વારા આ અંગે યોગ્ય તપાસ કરી વહેલામાં વહેલી તકે સાફ સફાઈ કરી નગરજનોને શુદ્ધ પાણી મળી રહે તેમજ ફિલ્ટર પ્લાન્ટની રેતી પણ તાત્કાલિક બદલી નગરને શુદ્ધ પાણી મળી રહે તે દિશામાં કામગીરી કરે તેમ અરજી દ્વારા માંગ કરવામાં આવેલ છે.
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં આશરે પચ્ચીસ હજારની વસ્તી ધરાવતુ ગામ છે આ ગામ માંથી ઘર માંથી છોડાતું દરેક પ્રકારનું ગંદુ પાણી માંછણડેમમાં ઠાલવવામાં આવે છે.માત્ર અડધા કિલોમીટર બાદ પાણી પમ્પીંગ કરી આ ગંદુ પાણી ઝાલોદ નગરને આપવામાં આવે છે. આ ગંદા પાણીને લઈ પાણી જન્ય રોગચાળો વધી શકે છે. તેમજ આગામી દિવસોમાં રોગચાળોના ફેલાય તેમજ જાહેર હિતમાં આ અંગે યોગ્ય પગલાં તાત્કાલિક ધોરણે લેવામાં આવે તેમજ આગામી દિવસોમાં ફિલ્ટર પ્લાન્ટની સાફ સફાઈ, સમારકામ, ફિલ્ટર પ્લાન્ટની રેતી બદલાવવી તેમજ લીમડી નગરમાંથી આવતું દૂષિત પાણી અટકાવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.