Gujarat
ગુજરાતની ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસરતાની જગત નોંધ લઇ રહ્યું છે
ગુજરાત રાજ્ય પરાપૂર્વથી જ વેપાર-વણજમાં અગ્રેસર રહ્યું છે. લોથલ અને ધોલેરામાં એક સમયે સમુદ્રી વેપાર માટે જાણીતું હતું. ૩ હજાર વર્ષ પહેલાની ગોદી અને તેના પુરાવાઓ તેની સાક્ષી પૂરે છે. સમુદ્રી વેપારના આ વારસાને જીવંત રાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોથલ ખાતે રૂ. ૫ હજાર કરોડના ખર્ચે મેરિટાઇમ મ્યુઝિયમ આકાર લઇ રહ્યું છે. આજથી હજારો વર્ષો પહેલા પણ આપણા પૂર્વજો આફ્રિકન દેશોમાં જઇને પોતાનો ધંધો કરતા હતા. ઉદ્યોગ એ ગુજરાતીઓની રગ-રગમાં વહે છે. અમેરિકામાં મોટેલ ઉદ્યોગમાં ગુજરાતીઓના સિક્કા પડે છે. આ બધુ બતાવે છે કે, રાજ્ય વેપાર- ઉદ્યોગમાં પહેલેથી અગ્રેસર છે. ગુજરાતીઓની સાહસિકતા અને પરિશ્રમ તેના મૂળમાં છે. રાજ્યમાં ઉદ્યોગો વિકસે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવે છે. રાજ્ય સરકારની બિઝનેસ ફ્રેન્ડલી નીતિઓના પરિણામે ટેક્સટાઇલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, સિરામિક, ડાયમંડ જેવાં ક્ષેત્રોમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. ઔદ્યોગિક રાજ્યની ઓળખ ધરાવતા ગુજરાતની વિકાસગાથાને વધુ આગળ ધપાવવા ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે વર્ષઃ ૨૦૨૩-૨૪ના બજેટમાં રાજ્ય સરકારે રૂ. ૮,૫૮૯ કરોડની જોગવાઇ કરી છે.
ગુજરાત ઘરેલું ઉત્પાદન(GDP)માં મેન્યુફેક્ચરીંગ સેક્ટર દેશની કુલ નિકાસમાં ૩૩ ટકાના હિસ્સા સાથે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. છેલ્લાં ૮ વર્ષમાં દેશમાં થયેલ આશરે રૂ. ૩૨ લાખ કરોડના વિદેશી મૂડીરોકાણ પૈકી ૫૭ ટકા એટલે કે રૂ. ૧૮ લાખ કરોડનું મૂડીરોકાણ ગુજરાતમાં થયું છે. નીતિ આયોગના ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંટગ’માં સમગ્ર દેશમાં ગુજરાતે ટોપ એચિવર સ્ટેટમાં સ્થાન મેળવ્યું છે.
ગુજરાત ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રનું પાવરહાઉસ છે. ગુજરાતે ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે વિકાસમાં હરણફાળ ભરી છે, જેના થકી ગુજરાત સમગ્ર દેશમાં ‘મેક ઇન ઇન્ડિયા અભિયાન’ હેઠળ તમામ રાજ્યોમાં સાચા અર્થમાં અગ્રેસરની ભૂમિકા ભજવી છે. દેશની માત્ર ૫ ટકા વસ્તી અને ૬ ટકા જમીન વિસ્તાર ધરાવતા ગુજરાતનો વર્ષઃ ૨૦૨૦-૨૧માં જી.એસ.ડી.પી. ભારતના જી.ડી.પી.નો ૮.૨૭ ટકા રહ્યો હતો. ભારતના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮.૧૪ ટકાના યોગદાન સાથે ગુજરાત દેશમાં ટોચનું સ્થાન ધરાવે છે. ભારતના કુલ નિશ્ચિત મૂડીરોકાણના લગભગ ૨૦.૬ ટકા સાથે, ગુજરાત તે શ્રેણીમાં ભારતમાં પ્રથમ ક્રમે છે. વર્ષઃ ૨૦૨૨માં પણ ગુજરાતમાં એપ્રિલ-ડિસેમ્બર, ૨૦૨૨ દરમિયાન ૪.૧ બિલિયન ડોલરનું સીધું વિદેશી રોકાણ પ્રાપ્ત થયું છે, જે ગયા વર્ષે પ્રાપ્ત કુલ સીધા વિદેશી રોકાણના ૧૫૩ ટકા છે.
કોઇપણ રાજ્ય માટે ઉદ્યોગો તેની આર્થિક ગતિવિધિના કેન્દ્રમાં હોય છે. જેટલા ઉદ્યોગો વિકસિત હશે તેટલી જ રાજ્યની અન્ય આર્થિક પ્રવૃત્તિઓને સ્વાભાવિક રીતે જ વધુ વેગ મળે છે. આ સાથે ઉદ્યોગ ચાલવા સાથે અનેક માનવ રોજગારીનું પણ સર્જન થશે. જે છેવટે, રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ બને છે. રાજ્યમાં ઉદ્યોગ ક્ષેત્રે મૂડીરોકાણ વધે તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વાયબ્રન્ટ શ્રૃંખલાની શરૂઆત સને-૨૦૦૩ માં કરાવી હતી. બહુચરાજી સરમાં સુઝિકી, સાણંદ સરમાં ટાટા અને ત્યારબાદ ફોર્ડ અને અન્ય કંપનીઓ સ્થપાઇ છે. તાજેતરમાં ધોલેરા સર ખાતે ભારતીય કંપની વેદાંતાએ તાઈવાનની કંપની ફોક્સકોન સાથે સેમી કન્ડક્ટરના સંયુક્ત સાહસની જાહેરાત કરી છે. આ અંતર્ગત ગુજરાતમાં રૂ. ૧.૫૪ લાખ કરોડના રોકાણથી સેમી-કન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવશે. કેન્દ્રગ સરકાર દ્વારા ૧ હજાર કરોડની સહાયથી જંબુસર ખાતે સ્થાપવામાં આવી રહેલ બલ્ક ડ્રગ પાર્કના નિર્માણ માટે રૂ.૧૦૦ કરોડની ફાળવણી બજેટમાં કરવામાં આવી છે. આ બધાથી ઉદ્યોગને વેગ મળશે.
‘વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ’ હેઠળ પાટણના પટોળા, જામનગરની બાંધણી અને કચ્છના ભરતકામને જી.આઇ. ટેગ પ્રાપ્ત થયો છે. હરિત ઊર્જાને પ્રોત્સાહન આપવા ૧ મિલિયન ટન પ્રતિ વર્ષ ક્ષમતાના રૂ. ૪૦ હજાર કરોડના રોકાણ સાથે કચ્છ જિલ્લામાં ગ્રીન હાઈડ્રોજન-ગ્રીન એમોનિયા ઉત્પાદન તથા જરૂરી રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ વર્ષઃ ૨૦૩૦ સુધીમાં બે તબક્કામાં શરૂ કરાશે. જેનાથી ૧૦,૪૦૦ પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારીના અવસર ઊભા થશે. ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના અંતર્ગત રાજ્યમાં વિશ્વસ્તરીય ૫૬ જેટલી વિવિધ ક્ષેત્રની મોટી કંપનીઓ સાથે રૂ. ૭૯,૩૭૫ ના એમ.ઓ.યુ. કરી જંગી મૂડીરોકાણ આકર્ષ્યું છે,જેના દ્વારા ૫૦,૦૦૦ થી વધુ રોજગારીનું સર્જન થશે. ગ્રામીણ મહિલાઓમાં ડિજિટલ લિટરસી વધારવા સાથે બાળકો-વિદ્યાર્થીઓ અને યુવાઓના ક્ષમતા નિર્માણને વધુ વેગ આપવા દર વર્ષે અંદાજે ૫૦,૦૦૦ જેટલા લોકોને તાલીમ પૂરી પાડવા માટે ગુગલ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં આવી છે. તો, રાજકોટના ખીરસરા ઔદ્યોગિક વસાહતના ૧૬૧ ઔદ્યોગિક પ્લૉટની પારદર્શી ફાળવણી કરવામાં આવી છે. ગિફ્ટ સિટીમાં IFSCA ખાતે વ્યાપાર વૃધ્ધિ માટેની નવતર પહેલ તેમજ લેબગ્રોન ડાયમન્ડના ઉત્પાદનને વૃધ્ધિ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો, ૧,૫૦૦ જેટલી રોજગારીનું સર્જન કરતો કોપર ટ્યૂબ ઉત્પાદનનો અદ્યતન પ્રથમ પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાવાનો છે.
આ સિવાય, ગુજરાતના કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપતો “પી.એમ. મિત્ર ટેક્ષટાઇલ પાર્ક” નવસારી ખાતે સ્થાપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જી.આઇ.ડી.સી.ના તમામ પરિપત્રોનું વન સ્ટોપ કમ્પેનિયમ પોર્ટલ તથા સ્ટાર્ટ અપ માટે રોકાણકારો, ઈન્ક્યુબેટર્સ, મેન્ટર્સ જેવા હિસ્સેદારોને જોડવાની સુવિધા પૂરી પાડતું ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. બીજી તરફ, જી-૨૦ની પ્રથમ ઇવેન્ટ ‘બિઝનેસ ૨૦(બી-૨૦) ઇન્સેપ્શન મીટિંગ’ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાઇ હતી. આ બેઠકથી રાજ્યના ઔદ્યોગિક વિકાસને આ ચિંતનથી વેગ મળશે. સિંગલ વિન્ડો પોર્ટલ – રોકાણકાર સુવિધા પોર્ટલ વિકસાવનાર ગુજરાત દેશના પ્રથમ રાજ્યોમાંનું એક છે. છેલ્લા બે વર્ષમાં ૨૫ થી વધુ નવી એપ્લિકેશન વિકસાવવામાં આવી છે. હાલમાં, રોકાણકાર સુવિધા પોર્ટલ પર ૧૮ વિભાગોને લગતા ૧૮૦થી વધુ બિઝનેસ રજીસ્ટ્રેશન/એપ્રુવલ્સ ઉપલબ્ધ છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલીસી- ૨૦૨૦ હેઠળ “સ્ટાર્ટ અપ્સ નવીનતા પ્રોત્સાહન યોજના” અમલમા મુકવામાં આવી છે, જે સ્ટાર્ટઅપ્સને ૩૬૦ ડીગ્રી સપોર્ટ કરે છે.
ઔદ્યોગિક વસાહતોમાં માળખાકિય સગવડોનો વિકાસ કરવા અને ટ્રિટેડ વેસ્ટ વોટરનો નિકાલ કરવા માટે ડીપ-સી પાઇપલાઇનો નાખવાં માટે રૂ.૪૭૦ કરોડ, ઉદ્યોગોની લૉજિસ્ટિક કોસ્ટ ઘટાડવા, લાસ્ટ માઇલ રેલ કનેક્ટિવીટી તેમજ લૉજિસ્ટિક ફેસિલીટી વિકસાવવા રફાળેશ્વર અને બેડી પોર્ટ પાસે ટર્મિનલ બનાવવા રૂ. ૨૩૭ કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. ઉદ્યોગ સાનુકૂળ નીતિઓને કારણે આજે ગુજરાત ‘લેન્ડ ઓફ ઓપોર્ચ્યૂનીટી’ બન્યું છે. અર્થવ્યવસ્થાના મહત્વના ચાલકબળ બની ભારતને ફાઇવ ટ્રિલિયન યુ.એસ. ડોલર અર્થતંત્રના લક્ષ્ય તરફ લઈ જવા માટે રાજ્યની ઉદ્યોગની અગ્રેસરતા મહત્વપૂર્ણ સાબિત થશે.