Gujarat
ગાય નિભાવણી ખર્ચ મળતા ખાણ દાણની ચિંતા રહી નથી લાભાર્થી: જમનાભાઇ રાઠવા
પ્રતિનિધિ, કાજર બારીયા
સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાય નિભાવણી ખર્ચ પેટે રૂા. ૯૦૦ પ્રતિમાસ રાહત આપવામાં આવે છે જેનાથી ગાયના ઘાસ-દાણ અંગેની ચિંતા રહી નથી એમ કવાંટ તાલુકાના કસરવાવ ગામના લાભાર્થી જમનાભાઇ મોહનભાઇ રાઠવાએ જણાવ્યું હતું.
રાસાયણિક ખાતરો અને દવાઓની જમીન તેમજ માનવ સ્વાસથ્ય પર પડતી વિપરિત અસરોને નિવારવાના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી લોકપ્રિય થઇ રહી છે. સરકાર દ્વારા પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગાય એ પ્રાકૃતિક ખેતી માટે ખૂબ જરૂરી પ્રાણી છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા માટે દેશી ગાયનું ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ કરવામાં આવે છે.
સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને જે દેશી ગાય રાખે છે એના નિભાવ ખર્ચ માટે દર મહિને રૂા. ૯૦૦ની ગાય નિભાવણી ખર્ચ આપવામાં આવે છે. જેનાથી ખેડૂતો ગાયને ખાણ દાણ અને ઘાસ ચારો ખવડાવીને ગાયનો નિભાવ કરી શકે.
કસરવાવ ગામના પ્રાકૃતિક ખેતી કરતા જમનાભાઇ મોહનભાઇ રાઠવાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, હું માવી જાતની દેશી ગાય રાખું છું. પ્રાકૃતિક ખેતી માટે સરકાર દ્વારા જે પ્રોત્સાહન આપવામાં આવે છે એનાથી પ્રેરાઇને પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષાયો છું.
સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા દેશી ગાય નિભાવણી માટે મને માસિક રૂપિયા ૯૦૦ની સહાય આપવામાં આવે છે. જેનાથી ખાણ દાણ અને ઘાસ ચારો ખરીદવામાં રાહત થઇ છે. આ ગાય દ્વારા એક સમયે ત્રણ થી સાડા ત્રણ લિટર દુધ આપે છે. જેનાથી થતી આવકમાંથી જીવન ગુજરાન ચલાઉં છું તેમજ ગાય નિભાવણીમાં પણ ઉપયોગી થાય છે.
વધુ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગથી માનવ સ્વાસ્થ્ય અને જમીનની ફળદ્રુપતા પર થતી આડઅસરોને નિવારવા માટે પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે એમ કહી તેમણે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, અમે દેશી ગાયના મળ મૂત્રમાંથી જીવામૃત સહિત પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગી અન્ય દ્રવ્ય બનાવી ખેતીમાં ઉપયોગ કરીએ છીએ એમ જણાવી તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર માનવો જોઇએ એમ જણાવ્યું હતું.