Sports
આ 2 ખેલાડીઓએ ભારત માટે ODI વર્લ્ડ કપ 2011માં ભાગ લીધો હતો, આ વખતે પણ તેમને ટીમમાં મળી જગ્યા

ODI વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં હવે થોડો સમય બાકી છે. પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 ઓક્ટોબરે રમાશે. તમામ ટીમોએ ODI વર્લ્ડ કપ માટે તેમની ટીમની જાહેરાત કરી દીધી છે અને ટીમો 28 સપ્ટેમ્બર સુધી તેમની ટીમમાં ફેરફાર કરી શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમમાં એક-એક ફેરફાર કરવામાં આવ્યો છે. આ સાથે ભારતીય ટીમમાં બે એવા ખેલાડી છે જેમણે વનડે વર્લ્ડ કપ 2011માં પણ ભાગ લીધો હતો અને આ વખતે તેમને ટીમમાં જગ્યા આપવામાં આવી છે. ચાલો જાણીએ આ ખેલાડીઓ વિશે.
આ ભારતીય ખેલાડીઓ ODI વર્લ્ડ કપ 2011માં પણ રમ્યા હતા
ભારત માટે રવિચંદ્રન અશ્વિન અને વિરાટ કોહલીએ પણ ODI વર્લ્ડ કપ 2011માં ભાગ લીધો હતો અને આ વખતે પણ આ બંને ખેલાડીઓ ODI વર્લ્ડ કપ 2023માં રોહિત શર્માની કેપ્ટન્સીમાં રમતા જોવા મળશે. આ પહેલા અશ્વિનને ટીમ ઈન્ડિયામાં તક મળી ન હતી. અક્ષર પટેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ તે એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો. આ કારણોસર અશ્વિન અક્ષરના સ્થાને ટીમમાં આવ્યો હતો.
ODI વર્લ્ડ કપ 2011માં આવુ પ્રદર્શન કર્યુ હતુ
રવિચંદ્રન અશ્વિને ODI વર્લ્ડ કપ 2011માં ભારત માટે બે મેચ રમી હતી અને 4 વિકેટ લીધી હતી. વિરાટ કોહલીએ ODI વર્લ્ડ કપ 2011માં 9 મેચ રમી હતી અને 282 રન બનાવ્યા હતા, જેમાં એક સદી સામેલ હતી. આ બે ખેલાડીઓના કારણે જ ટીમ ઈન્ડિયા ઘણી મહત્વપૂર્ણ મેચો જીતવામાં સફળ રહી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતે ODI વર્લ્ડ કપ 2011નો ખિતાબ જીત્યો હતો.
10 વર્ષથી ICC ટ્રોફી જીતી નથી
ભારતે છેલ્લે 2013માં ICC ટ્રોફી જીતી હતી. ત્યારથી, ટીમ ઈન્ડિયા છેલ્લા 10 વર્ષથી ખાલી હાથ છે. ગત વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી હતી, જ્યાં ભારતને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે વર્લ્ડ કપ ભારતની ધરતી પર યોજાઈ રહ્યો છે. જેના કારણે ટીમ ઈન્ડિયા ટાઈટલ જીતવાની પ્રબળ દાવેદાર દેખાઈ રહી છે. ભારતે હાલમાં જ એશિયા કપ 2023નો ખિતાબ જીત્યો છે અને ટીમના મોટાભાગના ખેલાડીઓ ફોર્મમાં જોવા મળી રહ્યા છે.