Gujarat

સુરતમાં 14 બાઇક સાથે ઝડપાયો ચોર, તેવી જ બાઇકની કરતો હતો ચોરી જેવી પોતે વાપરતો

Published

on

સુરતમાં ઉત્રાણ પોલીસે એક રીઢા વાહનચોરને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ચોરીની 14 બાઈક કબજે કરી હતી. તેમજ પોલીસ તપાસમાં 10 ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા હતા. આ ઉપરાંત આરોપી રીઢો ગુનેગાર છે અને ભૂતકાળમાં પણ તે વરાછા અને કતારગામ પોલીસ મથકમાં ચોરીની બાઈક સાથે ઝડપાયો હતો. આરોપી એટલો શાતિર હતો કે પોતે જે બાઇક વાપરતો હોય તેવી જ બાઇક ચોરી કરી હતો.

સુરતમાં ઉત્રાણ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે હીરાબાગ વિશાલનગર પાસે રહેતા આરોપી અરવિંદભાઈ ચકુભાઈ મારડિયા [ઉ.૫૨]ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી નબર પ્લેટ વગરની એક બાઈક કબજે કરી હતી તેમજ પોલીસ તપાસમાં તેણે આ બાઈક પંદરેક દિવસ પહેલા મોટા વરાછા ખાતે આવેલા લગ્ન પ્રસંગના ફાર્મ હાઉસના આજુબાજુના વિસ્તારમાંથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.

Advertisement

પોલીસે તેની કડક પૂછપરછ કરતા તેણે છેલ્લા 6 માસની અંદર જ સુરત શહેરના મોટા વરાછા દુઃખિયાના દરબાર રોડ પર આવેલા અલગ અલગ ફાર્મ હાઉસના પાર્કિંગ પાસેથી તેમજ અલગ અલગ જગ્યાએથી અન્ય 14 બાઈક ચોરી કરી હોવાની કબુલાત કરી હતી જેથી પોલીસે ચોરી કરેલી 3.15 લાખની કિંમતની તમામ બાઈક કબજે કરી હતી. આરોપીએ તમામ બાઈકની નબર પ્લેટ કાઢી નાખી હતી અને તેના ચેસીસ નબર અને એન્જીન નબરને ગ્રાઈન્ડર મશીન વડે કાઢી નાખ્યા હતા. તેમજ તેણે આ તમામ બાઈક અલગ અલગ વિસ્તારમાં સંતાડી રાખી હતી.

પોલીસ તપાસમાં ઉત્રાણ પોલીસ મથકના 9 અને અમરોલી પોલીસનો 1 ગુનાનો ભેદ મળી કુલ 10 ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા હતા. તેમજ આરોપી ટુ વ્હીલર મોટર સાયકલને ડુપ્લીકેટ ચાવી વડે ચોરી કરવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે.

Advertisement

વધુમાં આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે વર્ષ 2007માં તે કતારગામ પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં તેમજ વર્ષ 2011માં વરાછા પોલીસ મથકમાં 12 બાઈક અને વર્ષ 2021માં ચોરીની ૩૫ બાઈક સાથે ઝડપાયો હતો. લોકોને શંકા નહીં જાય તે માટે પોતે જે બાઇક વાપરતો હતો તેવી જ બાઇક તે ચોરી કરતો હતો. તે લગ્ન પ્રસંગ થતા હોય તેવા ફાર્મ હાઉસની બહારથી ચોરી કરતો હતો. જો કે આ સમગ્ર મામલે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.

Advertisement

Trending

Exit mobile version