Surat
સુરતમાં ચોરોએ લસણ પણ ના મૂક્યું
સુનિલ ગાંજાવાલા
સુરત શહેરમાં સતત ચોરીની ઘટના સામે આવતી હોય છે પણ છેલ્લા કેટલાક સમયથી ખાદ્યપદાર્થોનાં અને શાકભાજીનાં ભાવ વધતા હવે તસ્કરો શાકભાજીની ચોરી કરવા લાગ્યા છે. ત્યારે હાલમાં ટામેટાં બાદ લસણની ચોરીની ઘટના સામે આવી છે. મહત્ત્વનું છે કે, 1 લાખ કરતાં વધુના લસણની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સુરત શહેર છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીમાં આગળ વધી રહ્યું છે, ત્યારે સુરતમાં ચોરીની ઘટનાઓ પણ સતત સામે આવી રહી છે.છેલ્લા કેટલાક સમયથી મોંઘવારીએ માઝા મૂકી છે અને તેમાં પણ ખાવા-પીવાની વસ્તુઓ મોંઘી થતા હવે તસ્કરો તેની ચોરી કરતા હોવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે.
થોડાં સમય પહેલાં બટાકાની, ત્યારબાદ ડુંગળીની, પછી ટામેટાં મોંઘા થયા તો ટામેટાંની અને હવે લસણની ચોરની ઘટના સામે આવી છે.મળતી માહિતી પ્રમાણે, સુરત લિંબાયત વિસ્તારમાં લસણની ચોરીની ઘટના બની છે. સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા અને છેલ્લા 25 વર્ષથી લસણનો વેપાર કરતા રવિભાઈ 23 તારીખના દિવસે 31 મણ લસણ લાવ્યા હતા. જો કે, રાત્રે લસણ મૂકી ઘરમાં સૂઈ ગયા હતા. તે દરમિયાન રાત્રે 3.11 મિનિટે કોઈ ચોર આવ્યો હતો અને તે લસણની 30 જેટલી બોરી ચોરીને ફરાર થઈ ગયો હતો.