Surat
સુરતના આ જાણીતા આઈસ ડીશ અને આઈસ્ક્રીમ પાર્લરમાં ભેળસેળ મળી

(સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત)
આકરી ગરમીના પગલે શહેરીજનો ઠંડા પીણા, આઈસ ગોલા અને આઈસક્રીમ ઝપાટાભેર આરોગી રહ્યાં છે.રોજ રાત્રે આઈસડીશ અને આઈસક્રીમ પાર્લરોની બહાર લોકોની ભીડ દેખાય રહી છે. લોકો ઘરના ફ્રિજમાં આઈસક્રીમ સ્ટોર કરવા લાગ્યા છે ત્યારે સુરતના આઈસ્ક્રીમ અને આઈસડીશ પાર્લરો તથા કેકના સ્ટોરમાં ભેળસેળ થતી હોવાના ચોંકાવનારા રિપોર્ટ સામે આવ્યા છે.ઉનાળાની સિઝનને ધ્યાને રાખી ફુડ વિભાગનાં ફુડ સેફટી ઓફિસરો દ્વારા સુરત શહેર વિસ્તારમાંથી ગત માસમાં કેક-પેસ્ટ્રી, મરી-મસાલા, આઈસ્ક્રીમ અને આઈસ ગોળાના નમૂનાઓ લેવામાં આવ્યા હતા.
જે પૈકી 8 નમુના ફેઈલ જણાયા છે. જેથી મનપા દ્વારા સંસ્થાઓના એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે.જેમાં પાંડેસરાના શ્રી સાવરિયા આઈસ્ક્રીમની વેનીલા આઈસ્ક્રીમ, પાંડેસરાની ભોલેનાથ આઈસ્ક્રીમની રાજભોગ આઈસ્ક્રીમ, કતારગામની રામ ઔર શ્યામ આઈસ ડિશ અને ગોળા. રાજકોટવાલાની કાજુ અંજીર આઈસક્રીમ, ભટારની પાર્થ આઈસ ગોળાની ઓરેન્જ સિરપ, અડાજણના જય ભવાની ડ્રાય ફ્રુટ ડીશ ગોળાની ક્રીમ, રાંદેરના લક્ષ્મીક મસાલા ગૃહ ભંડારના મરચાં પાઉડર, અડાજણના ડેનિશ કેક અને પેસ્ટ્રીની દુકાનની વેનિલા સ્લાઈસ તેમજ ઘોડદોડ રોડના જી બી ફૂડ્સ એન્ડ કન્ફેક્શનરી પ્રાઇવેટ લિ. ના રોયલ ચોકલેટ કેકના નમુના ફેઈલ થયા હોવાનું જાણવામાં આવ્યું છે. સુરત મનપાના સુત્રોએ જણાવ્યા મુજબ મનપા દ્વારા જે સેમ્પલો લેવામાં આવ્યા હતા તે સેમ્પલોમાં બરફગોળામાં વપરાયેલા રંગો અખાધ અને આઇસ્ક્રીમમાં પામ ઓઇલ જેવા પદાર્થો વપરાતા હોવાનું બહાર આવ્યું છે.