Food
આ છે ફાઇવસ્ટાર હોટેલને પણ ટક્કર મારે એવાં ઝૂલેલાલનાં પૂરી-શાક
સંજય ગોરડિયા જણાવે છે કે જો સૌરાષ્ટ્રમાં ક્યાંય શો હોય તો અમારો મુકામ રાજકોટ રહે. આજુબાજુમાં શો કરીને રાતે જ રાજકોટ આવી જવાનું અને રાજકોટમાં આરામ કરીને ટૂર આગળ વધારવાની. ગયા ગુરુવારે મેં તમને સુરેન્દ્રનગરના અમારા નાટકના શોની વાત કરી અને આપણે રાજેશ્વરીના સેવમમરાનો ટેસ્ટ કર્યો. આજની આ ફૂડ ડ્રાઇવ ત્યાંથી જ આગળ વધે છે.
આ લૉટરી બજારમાં દાખલ થતાં ઓવરબ્રિજની નીચે ઝૂલેલાલ નામની એક લારી ઊભી રહે છે જેમાં પૂરી-શાક અને દાળ-પકવાન મળે છે. હિન્દુસ્તાનના ભાગલા પછી પાકિસ્તાનથી આવેલા સિંધીભાઈઓ રાજકોટ અને જામનગરમાં બહુ વસ્યા એટલે દાળ-પકવાનનું અહીં ચલણ વધ્યું પણ હા, મારે એક વાત કહેવી છે. સિંધીઓ માટે દાળ-પકવાન નાસ્તો છે પણ સૌરાષ્ટ્રમાં એ બપોરના લંચ ટાઇમે પણ મળે અને લોકો હળવા લંચ તરીકે એ ખાય.
ઝૂલેલાલમાં જઈને અમે ટેબલ પર બેઠા અને પૂરી-શાકનો ઑર્ડર આપ્યો. માત્ર ત્રીસ રૂપિયાનાં પૂરી-શાક. શાકમાં ત્રણ વરાઇટી અને સાથે દસ પૂરી. જમવાનું પૂરું થતું હોય અને એકાદ-બે પૂરી તમારી વધી હોય તો તમે થોડું શાક માગો તો એમ જ પ્રેમથી આપી દે અને ધારો કે જરાક શાક વધ્યું હોય તો એકાદ-બે પૂરી પણ એમ જ આપી દે. ત્રણ શાકમાં એક બટાટાની સૂકી ભાજી, એમાં લાલ મરચું નામપૂરતું પણ નહીં તો બીજું શાક રસાવાળા બટાટા અને શાકમાં એવું કે દરરોજ આ બન્ને શાક હોય જ હોય પણ ત્રીજું શાક બદલાયા કરે. કોઈ વાર સેવ-ટમેટાં હોય તો કોઈ વાર છોલે હોય. અમે ગયા ત્યારે છોલે હતા. અમે ત્રણેય શાક મગાવ્યાં અને સાથે તાવડામાંથી ઊતરતી ગરમાગરમ પૂરી.
પૂરી ખારી નહીં પણ મોળી જે આપણે કેરીના રસ સાથે ખાતા હોઈએ છીએ એ. મોળી પૂરી હોવાને લીધે શાકનો ટેસ્ટ બરાબર જળવાતો હતો. શાકની વાત કરીએ તો છોલે બહુ જ સરસ હતા. એને સહેજ વધારે બાફ્યા હતા, જેને લીધે જેમ-જેમ તમે છોલે ખાતા જાઓ એમ-એમ એની ગ્રેવી પણ ભરાવદાર બનતી જતી હતી. બટાટાનું જે રસાવાળું શાક હતું એ કાઠિયાવાડમાં બનતું હોય છે એવું ગળાશવાળું નહોતું, જેને લીધે એની તીખાશ ઊભરીને આવતી હતી તો બટાટાની સૂકી ભાજી પણ સરસ હતી. સૂકી ભાજી ખાસ તો એમના માટે બનાવવામાં આવે છે જે તીખું ખાતા નથી હોતા.
વાત કરતાં મને ખબર પડી કે સવારના દસ વાગ્યાથી ઝૂલેલાલની લારી ચાલુ થઈ જાય અને બપોરે ત્રણ સુધી ત્યાં પૂરી-શાક મળે. ભાવ રીઝનેબલ હોવાને લીધે મજૂર અને કારીગર વર્ગને પણ એ પોસાય અને એ પણ ખાવા આવે તો નાના વેપારીથી માંડીને સેલ્સમૅન પણ ખાય. પૂરી-શાકની સાથે કોબી, કાંદા અને ટમેટાનું સૅલડ પણ હોય અને લાલ મરચાં-લસણની તીખી તમતમતી ચટણી પણ હોય. ઘણા તો સૂકી ભાજી પર એ તીખી તમતમતી મરચાં-લસણની ચટણી ગાર્નિશ કરીને પણ ખાતા હતા પણ મેં એવી ટ્રાય નથી કરી. પણ હા, હું તમને કહીશ કે રાજકોટ જવાનું બને તો ઝૂલેલાલમાં અચૂક જઈને પૂરી-શાક ખાજો. ફાઇવસ્ટારમાં મળતાં પાંચ હજારનાં પૂરી-શાક કરતાં સ્વાદ ક્યાંય ચડિયાતો અને ખવડાવતી વખતે એના માલિકની આંખોમાં પ્રેમભાવ પણ અદકેરો.