Editorial
” આ માણસ ‘પૂતર ખાઉં’ નહીં પણ કડવા ઘૂંટડા ભરી ‘પૂતર વધાઈ(જીવાઈ)’ દે એવો છે.”
– વિજય વડનાથાણી.
“મનોરકાકા ! તમે મને કેમ શરમમાં નાખો છો ? તમને કેટલીવાર કહ્યું, હવે તો હું પણ કમાવવા લાગ્યો છું. આ રકમની અમારા કરતાં તમને વધારે જરૂર લાગે છે. આ વખતે તો હું આ રૂપિયા લેવાનો જ નથી.” પચ્ચીસ વર્ષનો અનૂજ શબ્દોને લાગણીમાં પલાળી કાકાને વ્હાલથી વઢી રહ્યો હતો. અનૂજની માં જાણે અનુસાશન વ્યક્ત કરતા કહ્યું,” લઈ લે બેટા ! એ નઈ માને !એ આ જમાનાના માણસ નથી. કાકાનો મક્કમ મુઠ્ઠી વાળેલો હાથ પચ્ચીસો રૂપિયા સાથે હજુ એમ અનૂજ તરફ ધરેલ હતો. અનૂજના હાથ અને હૈયું આ રૂપિયા સ્વીકારવા તૈયાર જ નહોતા છતાં એને માં ના કહેવાથી ના છૂટકે રૂપિયા લેવા પડ્યા. આંગણામાં તુલસીના છોડની મહેંક ઉપજાવે તેવું દ્રશ્ય ખડું થયું હતું. એ જ વખતે અનૂજના દાદી તરત જ આ બધાને જોઈ કર્કશ અવાજે બોલ્યા,” મારો રોયો ! મારા પુત્રને ખાઈ ગયો ને હવે રૂપિયા આપવા આવ્યો છે. આને તો આંગણે ચડવા જ મત દો. આ તો પૂતર ખાઉં છે ! પૂતર ખાઉં ! મારા એકના એક દીકરાને ભરખી ગયો છે.” મનોર કાકાને આ શબ્દો દર મહિને સાંભળવા પડતા હતા એટલે તેમના ઘાવમાં જાણે મીઠું ભભરાવે એવા શબ્દો લાગતા હતા. છતાં તેઓ એ કડવા વખ શબ્દોને પોતાના ઘા માં સમાવી દઈ હંમેશા હસતા મુખે અનુજને દર મહિને 2500 રૂપિયા આપવા આવતા હતા. અનૂજ પણ દર વખતે દાદી ઉપર મનોમન ખૂબ અકળાતો હતો પરંતુ તે કશું બોલી શકતો ન હતો. આજે એનાથી ના રહેવાતા તરત જ એને દાદીમાંને કહ્યું “દાદીમાં તમને કેટલી વાર કહું છું કે આ મનોરકાકાને આવા શબ્દો નહીં કહેવાના. એવું તો એમને શું કર્યું છે કે તમે દર વખતે એમને આવા મેણાં મારો છો ? દાદીમાં ગુસ્સાથી તપેલા હતા પણ અચાનક જાણે કોઈ તાપણાં ઉપર પાણી રેડાયું હોય અને ભીંજાયેલો ધુમાડો ઉદ્ભવે એવી રીતે દાદીમાના મનમાં પોતાના પુત્ર વિયોગની લાગણીસભર ધૂમાડની જેમ ઉદ્ભવવા લાગી. તેવો ગળગળા થઈ ગયા. અનૂજને પોતાના ખાટલા જોડે બોલાવી નીચે બેસાડ્યો .તેના માથા ઉપર વહાલથી સ્પર્શ કરી અને બોલ્યા,” સાંભળ દીકરા ! મારી વાત સાંભળીને તું પણ એમ કહીશ કે દાદીમાં જે કહે છે એ બરાબર કહે છે.”
” કેમ દાદીમા એવું તે શું થયું હતું? માંડીને વાત કરો તો ખબર પડે.” અનૂજ માથું ઉચકતા બોલ્યો.
દાદીમાં ઘડીક સામેની દીવાલ પર પોતાના પુત્રની છબી પર ચંદન ચડાવેલો હાર જોઈ રહ્યા અને જાણે ભૂતકાળમાં સરી પડ્યા.આંખોના ભીંજાયેલા ખૂણા લુછતા તેઓ બોલ્યા,
“આજથી દસ વર્ષ પહેલાંની વાત છે. તું એ વખતે તેર ચૌદ વર્ષનો હશે.એ વર્ષે ચોમાસામાં ખૂબ જ વરસાદ પડ્યો હતો અને આપણા ગામના સીમાડે જે નદી વહે છે એમાં ભયંકર પૂર આવી ગયું હતું. વધુ વરસાદ આવવાથી નદીનું પાણી ગામમાં વળી ગયું હતું. મોટાભાગના ઘર ડૂબવા લાગ્યા હતા. કેટલાય લોકોના ઘર તણાઈ ગયા હતા તો કેટલાકના સ્વજનનો પણ તણાઈ ગયા હતા. ઢોરઢાંખર પશુ ખીલે બાંધ્યા બાંધ્યા જ પાણી પી અને એમ જ ઢળી પડ્યા હતા. જાણે ચારેય બાજુ મોતનું તાંડવ ખેલાઈ રહ્યું હતું. સરકાર તરફથી પણ કોઈ મદદ મળી ન હતી. આપણા ગામમાં તારો બાપ અને પેલો મનોર બંને સારું તરવૈયું જાણતા હતા. આ બંને ગામના કેટલાય લોકોને લાકડાનો એક તરાપો બનાવી અને બચાવી લીધા હતા. જે ઘરના લોકો ઘરમાં ફસાયેલા હતા એ લોકોને પણ પાણીમાં જઈ તરતા તરતા પોતાની પીઠ ઉપર બેસાડી બધાને વારાફરતી બચાવી લાવ્યા હતા. બચાયેલા લોકો દ્વારા તારા પિતા અને આ મનોરની ખૂબ પ્રશંસા થવા લાગી હતી. બધા લોકો આ બંનેની જય જય કાર બોલાવતા હતા. આપણું જૂનું ઘર પણ એ વખતે ડૂબી ગયું હતું. આપણે બધા પણ ડૂબેલા હતા. તારી માં અને હું તને પીઠ ઉપર બાંધી અને ઘરના મોભારે દોરડું બાંધી આખો દી લટકી રહ્યા હતા. એ વખતે તારા પિતાએ આપણને બધાને બચાવ્યા હતા. મનોર પણ આપણા ઘરની પાછળ કોઈકને બચાવવા જતા એનો પગ નીચે તળિયે પડેલા કોઈક ઝાડના ડાળખામાં ભરાઈ ગયો એટલે એ બહાર આવી શકતો નહોતો. તારા પિતાને ખબર પડતા એ પણ ડૂબકી લગાવી એને બચાવી લીધો હતો પણ પોતે ખબર નહીં કઈ રીતે નીચેની તરફ ફસાઈ ગયો તે બહાર જ ના આવ્યો.એ વખતે હું પાણી પી ગઈ હતી એટલે બેહોશ થઈ ગઈ હતી પણ ગામવાસીઓ દ્વારા ખબર પડી કે આ મનોરકાકો જ તારા પિતાનો કાળ બનીને આવ્યો હતો.એને જ આપણા ઘરનો આધાર છીનવી લીધો છે. દાદીમા રડવા લાગ્યા હતા અને અનુજ પણ દાદીમાંના ખોળામાં માથું નાખી આંસુ સારતો હતો. આટલું બધું સાંભળ્યા પછી પણ અનૂજનું હૈયુ એ માનવા તૈયાર ન હતું કે મનોરકાકા દ્વારા જ મારા પિતાનું અવસાન થયું હશે.
ધીરે ધીરે સમય વહેતો ગયો અનૂજ બધી વાત ભૂલી ગયો હતો. એક મહિનો થવા આવ્યો એટલે ફરી મનોરકાકા રૂપિયા 2500 લઈ અનૂજના ઘરે પહોંચ્યા. આ વખતે પણ દાદી એમને જોઈ તરત જ તાડૂકવા લાગ્યા હતા,” મનોર તને કેટલીવાર કહ્યું કે, આ આંગણે તારે આવવાનું જ નથી. તો શું કામ નફ્ફટ બનીને ટપકી પડે છે અમારો દી બગાડવા ?”
અનુજની માં સાંભળી જતા તેણે અનુજને કંઈક ઈશારો કર્યો.અનૂજ પણ જાણે માની આંખો વાંચી લેતો હોય એમ તરત જ સમજી ગયો. આ વખતે તેણે મનોર કાકા પાસે જઈ એમનો હાથ પકડી ઓસરીમાં લઈ અને બેસાડીને કહ્યું,” કાકા પૈસા તો હું લઈ લઉં છું પરંતુ બેસો મારી માં ચા બનાવે છે. ચા પી ને પછી જાઓ.”
અનૂજની માએ જોયું કે દાદીમાં બોલતા બોલતા મંદિરે જતા હતા. દરરોજનો એમનો નિત્યક્રમ હતો એટલે મંદિરેથી પાછા આવતામાં તેમને કલાક જેવો સમય લાગે એમ હતો. આ જ ખરો સમય હતો અનુજની આંખો ઉગાડવાનો અને મનોરકાકાના બલિદાનને સન્માનવાનો ! મનોરકાકા હર વખતની જેમ બોલ્યા વગર વિનમ્ર બની આંખો ઢાળી ખાટલામાં બેઠા હતા. અનૂજ પણ એમની બાજુમાં બેઠો હતો. અનૂજની માં ઘડીકમાં ચા બનાવી અને ખાટલે બેઠેલા મનોરકાકાના હાથમાં ચાનો કપ થમાવ્યો. મનોરકાકા કંઈ બોલે એ પહેલા જ માંએ શરૂ કર્યું,”બેટા અનૂજ ! ગયા મહિને તે દાદીમાં જોડે જે વાત સાંભળી હતી એ બિલકુલ અધુરી હતી પરંતુ હું તને હકીકત જણાવું છું. અનુજને નવાઈ લાગી. ફાટી આંખે તે પોતાની માં સામે જોઈ રહ્યો અને જાણે કાન સરવા કરી વિચાર લાગ્યો કે હકીકત શું હશે ? એની મા એ ચાની ચૂસકી લેતા શરૂ કર્યું,” જે વખતે પૂર આવ્યું હતું અને તારા પિતાજી અને આ મનોરકાકા ગામ લોકોને બચાવતા હતા. એ વખતે આપણે બધા પણ પાણીમાં ડૂબવાની તૈયારીમાં જ હતા.આપણા ઘરમાં પણ છેક મોભ સુધી પાણી પહોંચવા આવ્યું હતું. એ વખતે સૌ પ્રથમ દાદીમાના મોઢામાં પાણી જતું રહેતા તેઓ બેભાન થઈ ગયા હતા. તારા બાપુ દાદીમાંને તને અને મને એમ ત્રણેય જણને વારાફરતી તરાપામાં બેસાડી રહ્યા હતા પણ એ જ દાદીમાં તરાપામાથી સરકી જઈ પાછા પાણીમાં પડી ગયા હતા. મનોરકાકા જોઈ જતાં તેમણે તારા બાપુને તને અને મને તરાપામાં મુકી આવવા જણાવી પોતે જ દાદીને બચાવવા પાણીમાં ઝંપલાવ્યું. આપણ બન્નેને મૂકી તારા બાપુ પાછા આવ્યા. ત્યાં તો જુએ છે કે દાદીમાં તો બહાર ઘરની છત પર પડ્યા હતા પણ મનોરકાકા દેખાતા નહોતા. તારા બાપુ તરત જ વાત પામી ગયા અને તેઓ પણ એ પાણીમાં કૂદી પડ્યા. તેમની ધારણા સાચી હતી.મનોરકાકા દાદીને બચાવવા જતા એમનો પગ કોઈક દોરડામાં વીંટળાઈ ગયો હતો અને બહાર નીકળી શકે એમ નહોતા. ખરા ટાણે તારા બાપુ પહોંચી જઈ મનોરકાકાનો ત્યાંથી બહાર મોકલ્યા. પણ કુદરત જાણે રૂઠયો હતો કે શું મનોરકાકાની પાછળ તારા બાપુ પણ તરાપા તરફ આવતા હતા એ જ વખતે આપણું ઘર એકાએક ધસી પડ્યું. તારા બાપુ પણ એ ઘરની દીવાલ તળે દટાઈ ગયા. પછી તો મનોરકાકાએ ઘણા ઉપાયો કયૉ પણ એ દિવાલ ના ખસી તે ના ખસી. આ બાબતે મનોર કાકા પોતાને જ દોષી માને છે. એ વખતે તારા પિતા સિવાય આપણા ઘરમાં કોઈ કમાવા વાળું હતું નહીં, એટલે તારા પિતાના જવાથી આપણા ઘરનો કોઈ આશરો પણ રહ્યો નહોતો. આ મનોરકાકાએ એ જ વખતે તારા માથે હાથ મૂકી અને પ્રતિજ્ઞા લીધી હતી કે,” મારા લીધે તારા ઘરનો આશરો લૂંટાયો છે માટે હું જીવું છું ત્યાં સુધી મારાથી જે બનશે એ ભરણપોષણ દર મહિને તમને આપતો રહીશ. એ વાતને આજે દસ વર્ષ થઈ ગયા. છતાં એક પણ મહિનો ચૂક્યા વગર હર વખતે મનોરકાકા આપણને પોતાની આવક અચૂક આપવા આવે છે. દાદીમાને તો ખબર નથી કે મનોરકાકાએ જ એમને બચાવ્યા છે. છતાં પણ તેઓ કડવા વેણ બોલે છે, જે મનોરકાકા હસતા મૂખે પોતાની સંકોચાયેલી હોજરીમાં સમાઈ લે છે. પોતાની ફરજ અને પ્રતિજ્ઞા પાલન આટલા વર્ષો પછી પણ નિભાવતા આવ્યા છે. સામે બેઠેલા કાકા આ વાતનો બોજ દસ વર્ષથી લઈને ફરતા હતા. આજે જાણે એમના મનમાંથી આ બોજ આંસુ રૂપે ખાલી થઈ રહ્યો હતો. તેમનાથી વધારે ના સહેવાતા તેઓ કશુ જ બોલ્યા વિના ઊભા થઈ હાથ જોડયા અને આંખો લૂછતાં લૂછતાં ચાલતા થયા. અનૂજ અને તેની માં એ ઢાલ જેવી પીઠની પાછળ સંતાયેલા લાગણીથી તરબોળ હૈયાને નિરખી રહ્યા હતા. માં દીકરાનું હૈયું જાણે એક વાક્ય ઉચ્ચારી રહ્યું હતું,
” આ માણસ ‘પૂતર ખાઉં’ નહીં પણ કડવા ઘૂંટડા ભરી ‘પૂતર વધાઈ(જીવાઈ)’ દે એવો છે.”