Panchmahal
સુપ્રસિદ્ધ નારાયણ ધામ તાજપુરા ખાતે માઘ પૂર્ણિમાને લઈ હજારો ભક્તો ઉમટયા
હાલોલ તાલુકાનામાં આવેલ સુપ્રસિદ્ધ નારાયણ ધામ તાજપુરા ખાતે માઘ પૂર્ણિમાને લઈ પ.પૂ.બ્રહ્મલીન નારાયણ બાપુના દર્શનાર્થે હજારો ભાવિક ભક્તો આજે ઉમટ્યા હતા જેમાં ભક્તોએ નારાયણ બાપુના દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.હાલોલ તાલુકામાં તાજપુરા ખાતે આવેલા નારાયણ ધામમાં માઘ પૂર્ણિમાનો દર્શનનો ભક્તોમાં વિશેષ મહિમા હોય છે.જેના કારણે વહેલી સવારથી જ ભક્તોનો મોટો પ્રવાહ તાજપુરા તરફ જતો જોવા મળતો હતો.જ્યારે તાજપુરાને જોડતા તમામ માર્ગો પર નારાયણ બાપુના ભક્તો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા જેમાં તાજપુરા ખાતે વહેલી સવારથી દર્શન ખુલ્લા મુકવામાં આવતા ભક્તો શિસ્તબદ્ધ રીતે શાંતિપૂર્ણ અને ભક્તિ સભર મહોલમાં દર્શનનો લાહવો લઈ ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા.
દર્શન બાદ ભાવિક ભક્તો પ્રાર્થના સભામાં ખુબ મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રાર્થના સભા બાદ ભાવિક ભક્તો પૂજ્ય બાપુની સમાધિ ખાતે શીશ ઝૂકાવવા લાંબી કતારોમાં જોડાયેલા જોવા મળ્યા હતા ત્યારબાદ ભક્તો એ મહાપ્રસાદનો લાહવો લીધો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે દર મોટી પૂનમના રોજ તાજપુરા ખાતે એક મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે જેમાં નારાયણ ભક્તો મોટી સંખ્યામાં મહાપ્રસદીનો લ્હાવો લેતા હોય છે જેને લઇ આજે પણ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો