Food
ટચૂકડી કૅફે ડ્યુકો કે જેમાં મળે છે ઑથેન્ટિક ટાકોઝ: જાણો ક્યાં છે આ જગ્યા
બાંદરા-વેસ્ટની ૧૬મી ગલી એટલે થોડીક સૉફિસ્ટિકેટેડ ખાઉગલી કહેવાય આ . કૉર્નર પર મિની પંજાબ આવે. સહેજ આગળ જાઓ એટલે મિડલ ઈસ્ટર્ન ડિઝર્ટ કુનાફા વર્લ્ડ આવે અને એથીયે આગળ જાઓ એટલે બૉમ્બે સૅલડ કંપની. પચાસ મીટરના અંતરમાં નહીં-નહીં તો સાતેક રેસ્ટોરાં અને કૅફે અહીં છે. એમાં જ હવાઇન શેકની સામે એક જ ગાળાની નાનકડી કૅફે છે. કૅફે ડ્યુકો. એની સાઇઝ પર જવા જેવું નથી. ઑથેન્ટિક લેટિન અમેરિકન ફ્લેવર્સ માટે મુંબઈમાં બહુ આંગળીના વેઢે ગણી શકાય એટલી જગ્યાઓ છે ને કૅફે ડ્યુકો એમાંની જ એક છે.
- અહીંના ટાકોઝ ખુબ જ સારા હોય છે
ટકાટક ટાકોઝ
લેટિન અમેરિકન ક્વિઝીનમાં આપણે માત્ર મેક્સિકનથી વધુ વાકેફ છીએ ને એમાં ટાકોઝ તો હવે આપણે ઘરે પણ બનાવવા લાગ્યા છીએ. અહીંના બે ટાકોઝમાં બે વેજિટેરિયન ટાકોઝ ટ્રાય કરવા જેવા છે. એક છે વાઇલ્ડ મશરૂમ ટાકો અને બીજા છે સ્વીટ પટેટો ઍન્ડ સ્વીટ કૉર્ન ટાકો. ટાકોઝમાં અંદરના ફિલિંગ ઉપરાંત એની પર ભભરાવેલાં સૅલડની ક્રન્ચીનેસ પણ બહુ મહત્ત્વની હોય છે. મશરૂમ ટાકોમાં કોલસ્લો એટલે કે વિવિધ પ્રકારની કૅબેજના છીણની સાથે ખાસ પ્રકારના મેક્સિકન સાલ્સાની સાથે ચિલી બટરનો ચટકારો છે.
બીજા ટાકોમાં શક્કરિયાંની ફ્રાઇસ છે. એક સેન્ટિમીટરના ટચૂકડા ટુડકાવાળી સ્વીટ પટેટો ફ્રાઇસ અને સ્વીટકૉર્નનું કૉમ્બિનેશન બહુ જ સરસ છે. એમાં ગ્રીન રંગનો સ્પૅનિશ સૉસ રંગ રાખે છે જે જોવામાં તો કોથમીરની ચટણી જેવો જ લાગે છે, પણ એમાં કોથમીર નથી વપરાયેલી. હા, પાર્સલીનો સ્વાદ જરૂર વર્તાય છે. ટાકોના એક સર્વિંગમાં બે ટાકોઝ હોય છે, પણ એની અંદરનું ફિલિંગ એટલું છે કે બે ટાકોઝમાં જ તમારું પેટ ભરાઈ જાય. એક્સ્ટ્રા ગ્રીન સૉસ અને સાવર ક્રીમ તમે જરૂરિયાત મુજબ ટાકોઝમાં ઉમેરી શકો છો.
ભાવનગરી ભભકો
આ જગ્યાએ માત્ર ટાકોઝ જ ટ્રાય કરવાની ઇચ્છા હતી,. ચિલી રોલેનો એમાંની એક હતી. લેટિન અમેરિકન ક્વિઝીનમાં ભાવનગરી મરચાંમાંથી બનેલી કોઈ વાનગી પિરસાય એ નવાઈ તો ખરી જને? અને ખરેખર સ્વાદમાં પણ એ ટ્વિસ્ટ વર્તાય છે. અને હા, આ ડિશ જૈન પણ બની શકે છે. આ ડિશ ટેબલ પર આવી એટલે એમાં મેક્સિકન ગ્રેવીની ઉપર ભરેલાં તળેલાં મરચાં મૂક્યાં હોય એવું લાગ્યું. આ મરચાં ભરવાની સ્ટાઇલ આપણને રાજસ્થાનનાં મિરચી વડાંની યાદ અપાવે એવી છે. જોકે રાજસ્થાન જેવી સ્પાઇસીનેસ એમાં નથી. દેખાવ દેશી છે, પણ સ્વાદ આંતરદેશી છે. મરચાંની અંદર ચીઝ, હર્બ્સ અને આલાપીનોનું પૂરણ ભરેલું છે અને એને મેંદો કે કૉર્ન ફ્લોર જેવા બૅટરમાં બોળીને તળવામાં આવ્યાં છે. ઉપરનું પડ એકદમ ક્રિસ્પી છે અને અંદર મરચાંની સાથે ચીઝની ક્રીમીનેસમાં મેક્સિકન સૉસનો ઉમેરો જીભને જલસો કરાવી દે એવો છે.
બેબે ઇલોટે
મેક્સિન ક્વિઝીનમાં સ્વીટ કૉર્નનો ઉપયોગ બહુ છૂટથી થાય. એમાં કૉર્નને ગ્રિલ કરીને બનાવાતી વાનગીઓની એક આખી રેન્જ છે જે ઇલોટે તરીકે ઓળખાય છે. વરસાદી સીઝન આવી રહી છે ત્યારે થયું કે ચાલો આ એક નવી વાનગી પણ ટ્રાય કરીએ. કુમળી કૉર્નને ભૂંજીને બનાવેલી આ વાનગીમાં સ્ટાર ઇન્ગ્રીડિયન્ટ છે કૉર્નબટર. ભૂંજેલા ભુટ્ટા પર બટર લગાવીને તો બધાએ ખાધું હશે, પણ અહીં ભુટ્ટા પર કૉર્નનું જ બટર છે. એમ છતાં મકાઈના સ્વાદનો ઓવરડોઝ જરાય થતો હોય એવું નથી લાગતું. ભુટ્ટાને ચાર કટકામાં કાપીને જે રીતે સર્વ કરવામાં આવ્યો છે એનાથી ખાવાનું સહેલું બની જાય છે. પહેલી વાર ભુટ્ટા પરના મકાઈના દાણાને બદલે એની પરનું બટર ખાવાની મજા આવી. કૉર્નનું થિક બટર ડિપની જેમ વિનેગર્ડ આલાપીનોના પીસ સાથે ખાઈને દિલ તરબતર થઈ ગયું. ફરીથી વરસાદી સીઝનમાં અહીંની આ ડિશ ખાવા ચોક્કસ આવીશું એવું પણ નક્કી કરી લીધું.
બિગ ફૅટ ડ્યુકો
ધારો કે અહીં તમે જમવા માટે નહીં પણ માત્ર બ્રેકફાસ્ટ કે સ્નૅક્સ માટે જ આવો તો અહીં સૅન્ડવિચ અને પાનીનીઝના પણ ઘણા ઑપ્શન છે. અમે ડ્યુકોની સિગ્નેચર ડિશ કહેવાય એવી બિગ ફૅટ ડ્યુકો ટ્રાય કરી. બ્રેડની સાઇઝ જોઈને જ થાય કે આટલી જાડી! કેમ ચવાશે? પણ ત્યાં જ તમે ખોટા પડો. લગભગ આંગળીના એક વેઢા કરતાં પણ જાડી એવી બ્રેડની વચ્ચે લગભગ એટલી જ સાઇઝનાં વેજિટેબલ્સનું ફિલિંગ હતું. બ્રેડ અહીં ઇનહાઉસ બને છે અને એનો સ્વાદ, ક્રન્ચ અને સૉફ્ટનેસ ત્રણેય માટે કંઈ કહેવું ન પડે. ચટણી, સૉસ કે ક્રીમ ચીઝથી બ્રેડ મોટા ભાગે સૉગી થઈ જાય પણ આ બ્રેડનું ટેક્સ્ચર ખાસ્સો સમય જળવાયેલું રહે છે. અંદર વેજિટેબલ્સ રોસ્ટ કરેલાં છે એટલે તમે કાચીપાકી ભાજી ખાતાં હો એવું નથી લાગતું. ખૂબબધાં ગ્રીન લીફી વેજિટેબલ્સની સાથે હર્બ્સ અને ક્રીમ ચીઝ જીભ અને પેટ બન્નેને ખુશ રાખશે.
ડિઝર્ટમાં પણ અત્યારે મૅન્ગો સીઝનની મજા કરવા અહીં મળશે. જો તમે ડાયટ પર હો અને સ્વીટ ખાવાનું કન્ટ્રોલમાં રાખવાનું હોય તો પણ માઇક્રોવેવમાંથી ગરમ થઈને તાજી જ આવેલી આ બ્રાઉનીની સુગંધ તમને લલચાવશે જરૂર. અને આમન્ડ ફ્લોરમાંથી બનેલી હોવાથી હેલ્થની ચિંતા કરવાની જરૂર નથી.