Fashion
ટૉપ અને બૉટમ એક જેવી ડિઝાઇનમાં કો-ઑર્ડિનેટેડ ડ્રેસિંગ ટ્રેન્ડ: જાણો શું છે ખાસ

‘ટૉપ અને બૉટમ બન્નેમાં એક જેવી ડિઝાઇન ન પહેરાય’ આ નિયમને હવે ફૅશન જગતે અલવિદા કહી દીધો છે, આલિયા ભટ્ટથી લઈને કિયારા અડવાણી અને સારા અલી ખાન જેવી યંગ ઍક્ટ્રેસે કો-ઑર્ડ સેટ અપનાવી લીધા છે. ફૅશનમાં સતત નવા પ્રયોગો કરતો રણવીર સિંહ પણ આ સ્ટાઇલમાં જોવા મળ્યો.
એક જ રંગ કે ડિઝાઇન
‘ટૂ-પીસ આઉટફિટ કે જેમાં ટૉપ અને બૉટમ બન્નેની ડિઝાઇન કે રંગ એક જ હોય એને કો-ઑર્ડ આઉટફિટ તરીકે ઓળખવામાં આવે છે. આમાં શર્ટ અને શૉર્ટ્સ, પલાઝો પૅન્ટ્સ, બિકિની સેટ્સ, સ્કર્ટ્સ અને જૅકેટ અથવા ટૉપ જેવાં વેરિએશન બનાવી શકાય. સૂટ જેવો લુક આપતાં બ્લેઝર અને શૉર્ટ્સ કે પૅન્ટ્સનું કૉમ્બિનેશન પણ સ્ટાઇલિશ લાગે છે.’
કમ્ફર્ટ વેઅર
કો-ઑર્ડ સેટની બનાવટમાં કૉટન, લિનન, ક્રૅપ, રેયૉન જેવાં સમર-ફ્રેન્ડ્લી ફૅબ્રિકનો વપરાશ વધુ જોવા મળે છે, વળી આજકાલ વર્ક ફ્રૉમ હોમ માટે લાઉન્જ વેઅરની બોલબાલા છે, જેમાં કૉટનના જયપુરી પ્રિન્ટ્સવાળા આરામદાયક કો- ઑર્ડ સેટ યંગ વર્કિંગ પ્રોફેશનલોના ફેવરિટ બન્યા છે.
પ્રિન્ટ્સની બોલબાલા
એક રંગ અથવા એક પ્રિન્ટ. પણ પ્રિન્ટ્સ વધુ લોકપ્રિય છે. ઝીણી ફ્લોરલ પ્રિન્ટથી લઈને બોલ્ડ જ્યોમેટ્રિકલ પ્રિન્ટ સુધી બધા જ એક્સપરિમેન્ટ કો-ઑર્ડ સેટમાં ડિઝાઇનર્સ કરી રહ્યા છે અને લોકો એ પસંદ પણ કરે છે. અને એ ફક્ત ગર્લ્સવેઅર પૂરતું મર્યાદિત નથી. આ વિશે રિદ્ધિ કહે છે, ‘મેન્સ માટે કો-ઑર્ડ સેટ્સમાં શૉર્ટ્સ અને શર્ટ કે જૅકેટ બને છે અને અહીં યુવકો પણ હવે બધા જ પ્રકારના બોલ્ડ રંગો અને પ્રિન્ટ્સ પસંદ કરી રહ્યા છે.’
વર્સટાઇલ આઉટફિટ
કો-ઑર્ડ સેટ્સ ફક્ત સેટ તરીકે જ પહેરવા એવું જરૂરી નથી. આ વિશે વધુ જણાવતાં રિદ્ધિ કહે છે, ‘કો-ઑર્ડ આઉટફિટમાં તમને એક જ ડિઝાઇનનાં ટૉપ અને બૉટમ મળે છે જેને તમે ઘણી રીતે પહેરી શકો છો. જીન્સ સાથે કો-ઑર્ડનું જૅકેટ અથવા ટૉપ અને કોઈ પ્લેન ટૉપ સાથે કો-ઑર્ડની પ્રિન્ટેડ બૉટમ. આ રીતે આ સેટ્સ વર્સટાઇલ બની જાય છે અને દરેક વખતે તમે એક નવો લુક અપનાવી શકો છો.’
બીચથી ક્લબ સુધી
શરૂઆતમાં કો-ઑર્ડ ટ્રેન્ડ બીચવેઅર કે રિસૉર્ટવેઅર સુધી જ મર્યાદિત હતો. પણ હવે સિલ્ક કે સૅટિન ફૅબ્રિક અને હાફ સૂટ જેવી પૅટર્ન સાથે એ પાર્ટીવેઅર સુધી પણ પહોંચી ગયો છે. પૂલ પાર્ટી માટે કો-ઑર્ડ સેટ્સ પૉપ્યુલર છે જ. એ સિવાય રંગો, ફૅબ્રિક અને પૅટર્નમાં ફેરફાર સાથે ક્લબિંગ માટે પણ કો-ઑર્ડ સેટ આજનાં ફૅશન પરસ્ત યુવક અને યુવતીઓની પહેલી પસંદગી છે.