Dahod
ઝાલોદ નગરના યુવકનું કરજણ ખાતે પોલીમર્સ કંપનીમાં કરંટ લાગતા કરુણ મોત
પંકજ પંડિત
ઝાલોદ નગરના મીઠાચોક વિસ્તારમાં બ્રાહ્મણ સમાજનો યુવક હાર્દિક પાઠક તેની વૃધ્ધ માતા અને પત્ની સાથે રહેતો હતો. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી યુવક હાર્દિક પાઠક રોજગાર માટે કરજણ ખાતે આવેલ માચ્છર પોલીમર્સ કંપનીમાં કામ કરતો હતો. આવક ઓછી હોવા છતાય મૃતક હાર્દિક તેની વૃધ્ધ માતા અને તેની પત્ની તેની આવક માંથી ઘરનું ગુજરાન ચલાવતા હતા અને સુખે થી જીવન જીવતા હતા.
મૃતક યુવક હાર્દિક રોજીંદા ક્રમ પ્રમાણે કરજણ મુકામે જીથરડી રોડ પર આવેલી માચ્છર પોલીમર્સ કંપનીમાં કામ અર્થે ગયેલ હતો. મૃતક હાર્દિક કંપનીમાં ઓપરેટરની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મૃતક હાર્દિક તેનાં પરિવારમાં એકલો કમાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મૃતક હાર્દિક રાત્રિની બીજી શિફ્ટમાં નોકરી કરતો હતો તે દરમ્યાન મશિનનો મોલ બદલતા ગરમીના કારણે ટેબલ પંખા માટે લોખંડનું ટેબલ ખસેડીને લાવતા પંખાનો વાયર કપાઈ જતાં યુવક હાર્દિકને કરંટ લાગ્યો હતો કંપની દ્વારા તાત્કાલિક સારવાર અર્થે કંપનીના વાહનમાં સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો ત્યાં ડોક્ટર દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવેલ હતું. યુવકનું કરંટ લાગીને મૃત્યુ થતાં કંપનીમા સેફ્ટીના સાધનનો અભાવ હોય તેવું સાંભળવા મળ્યું હતું અને ખુલ્લો વાયર જમીનમાં રહેતા કંપનીના કામદાર યુવકનું મૃત્યુ થતાં તેના પરિવાર જનોની સંપૂર્ણ જવાબદારી કંપની ઉઠાવે તેવી માંગ તેનાં પરિવારજનો દ્વારા કરાઈ રહેલ છે.
યુવક હાર્દિકનું કરંટ લાગતા મૃત થયેલ હોવાના સમાચાર તેનાં પરિવારજનો ને મળતા પરિવાર પર આભ તૂટી પડયું હતું. એક જ પળમાં હસતું રમતું પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયેલ જોવા મળ્યો હતો. આખા ઘર અને પરિવારની રડતી આંખો સુકાતી ન હતી તેમજ નગરમાં સમાચાર મળતાં જ નગરજનો પણ પરિવારને સાંત્વના આપતા જોવા મળતા હતા. પરિવારનો કમાતો દિકરો તેની વૃદ્ધ માતા અને પત્નીને નિરાધાર છોડી જતાં પરિવારના આગળના જીવનનું શું તેવા અનેક સવાલો ઉભા થયા હતા.
તારીખ 25-06-2023 ના રોજ મૃતક હાર્દિક જેની ઉમર ફક્ત 32 વર્ષની હતી તેનું અંતિમયાત્રા સવારે 9 વાગ્યે તેના નિવાસસ્થાને થી નીકળી હતી પરિવારના ભારી આક્રંદ થી ઉપસ્થિત સહુ લોકોની સહાનુભૂતિ પરિવાર સાથે જોડાઈ હતી. મૃતક હાર્દિકની અંતિમયાત્રામાં તેની કંપનીના ચાર જવાબદાર અધિકારીઓ પણ આવેલ હતા. ચારે અધિકારીઓને નગરના અગ્રણીઓ અને પરિવારજનો દ્વારા વૃધ્ધ માતા અને તેની પત્નીને કાયમી ભથ્થું તેમજ નિભાવ ખર્ચ મળે તેવી વ્યવસ્થા કંપની કરી આપે તેવી રજૂઆત કરવામાં આવી હતી. કંપની દ્વારા પણ પરિવારજનોને બનતી સહાય જલ્દી મળે તેવા પ્રયાસો કરવામાં આવશે તેવું આશ્વાસન કંપનીના જવાબદાર અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ હતી
- પરિવારનો એક નો એક દિકરો મૃત્યુ થતાં માતા અને પત્ની નિરાધાર બન્યા