Gujarat
ગોધરા ખાતે જિલ્લાના ૧૦૨ ક્લસ્ટરના ફાર્મર માસ્ટર ટ્રેનરની તાલીમ
રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અને વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીની ઝુંબેશ ચાલી રહી છે. ચાલુ વર્ષે પાંચ ગ્રામ પંચાયત દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવ્યું છે જેમાં ફાર્મર માસ્ટર ટ્રેનર કે જેઓ પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોમાંથી
પસંદ કરવામાં આવે છે તેમની ખરીફ ઋતુ દરમિયાન તાલીમ માટે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની સમજ આપી શકે તેમ જ પ્રાકૃતિક ખેતી શા માટે જરૂરી છે તેનું માર્ગદર્શન અને માહિતી પૂરી પાડે તે માટે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત આત્મા પ્રોજેક્ટ,પંચમહાલ દ્વારા પ્રાકૃતિક ખેતી માટે તાલીમનું આયોજન કરાયું હતું. જેમાં પંચમહાલ જિલ્લાના એફ.એમ.ટીની તાલીમનું આયોજન ગોધરા ખાતે ખેડૂત તાલીમ કેન્દ્રની કચેરી,ગોધરા ખાતે પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા અને નાયબ ખેતી નિયામક તાલીમની અધ્યક્ષતામાં તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
તાલીમ અંતર્ગત જિલ્લાના ૧૦૨ ક્લસ્ટરના તમામ એફ.એમ.ટી.એ હાજર રહને તાલીમ મેળવી હતી.આ તાલીમમાં ઘન જીવામૃત, બીજામૃત તેમજ વિવિધ રોગનાશક અસ્ત્રોનું નિદર્શન પણ યોજવામાં આવ્યું હતું.તાલીમનો મુખ્ય હેતુ નવા નિમણૂક પામેલા ફાર્મર માસ્ટર ટ્રેનરો જે ગ્રામ પંચાયત અથવા ગામે ગામ જઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે સમજણ આપશે તેમજ પ્રાકૃતિક ખેતી આપણને શા માટે જરૂરી છે અને તેનું મહત્વ સમજાવશે તેમજ પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોએ શું શું ધ્યાનમાં રાખવું પડે અને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી તે માટેની વિશેષ સમજણ આપશે.
રાજ્ય સરકારનો આ પ્રાકૃતિક ખેતી માટેની ઝુંબેશ આ ખરીફ ઋતુમાં વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે અને પોતાનું તેમ જ દેશનું હૂંડિયામણ બચાવે તે માટેના આ સીધા પગલા છે આ ખેતીમાં કોઈપણ જાતના ખર્ચ સિવાય ખેતી થાય છે અને જમીનની સાથે સાથે માનવ જાતનું આરોગ્ય પણ સુધરે છે. આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા સંયોજક અને જિલ્લા સહ સંયોજક તેમજ તમામ તાલુકા સંયોજક ઉપસ્થિત રહીને નવા એફ.એમ.ટીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું