Politics
ત્રિપુરા વિધાનસભા ચૂંટણીઃ ભાજપ આજે ટિકિટ પર કરશે વિચાર, PM મોદી પણ રહેશે હાજર
ભારતીય જનતા પાર્ટી (BJP)ની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની એક મહત્વપૂર્ણ બેઠક શુક્રવારે પાર્ટીના મુખ્યાલયમાં યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ચૂંટણી સમિતિના તમામ સભ્યો આ બેઠકમાં હાજરી આપશે.
ઉમેદવારોના નામ પર મંથન
કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ત્રિપુરામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર વિચારમંથન થશે, ત્યારબાદ ઉમેદવારોની અંતિમ યાદી બહાર પાડવામાં આવશે. CECની બેઠક પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં દિલ્હીમાં પાર્ટીના રાષ્ટ્રીય મુખ્યાલયમાં યોજાશે.
ત્રિપુરાના નેતાઓ સાથે ચર્ચા કરશે
ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા, પ્રદેશ અધ્યક્ષ રાજીવ ભટ્ટાચાર્ય, ચૂંટણી પ્રભારી મહેશ શર્મા, ભાજપના ઉત્તર પૂર્વ કન્વીનર સંબિત પાત્રા, પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેબ અને કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિક સીઈસીની બેઠક પહેલા કોર ગ્રુપની બેઠકમાં ભાગ લેશે. ટિકિટ આપવામાં આવનાર ઉમેદવારોના નામ પર અંતિમ નિર્ણય લેતા પહેલા ત્રિપુરાના અનેક નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવશે.