Vadodara
પાવીજેતપુરના સુખીડેમ ઉપરવાસમાં આવેલા ગામોમાં વીજ સમસ્યાને લઈ પરેશાન

પ્રતિનિધિ, કાજર બારીયા
પાવીજેતપુર તાલુકાના સુખીડેમ ઉપરવાસમાં કદવાલ,ભીખાપુરા, બાર,વડોથ,સટુંન, મુવાડા જેવા ૪૨ જેટલા ગામો આવેલા છે. આ વિસ્તારમાં એક સમયે પાવીજેતપુર સબ સ્ટેશનમાં થી વીજપુરવઠો આપવામાં આવતો હતો પરંતુ લાંબી લાઇન ના કારણે વીજપુરવઠો મેળવવામાં સમસ્યા સર્જાતી હતી.ત્યારે સ્થાનિક ધારાસભ્ય ની રજુઆત બાદ વડોથ ખાતે સબ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. વડોથ સબ સ્ટેશન કાર્યરત થતા વિસ્તારના લોકોને વીજ સમસ્યા માંથી છુટકારો મળ્યો હતો.પરંતુ છેલ્લા કેટલાક સમયથી વડોથ સબ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાવા ની સમસ્યા સર્જાઇ છે.દિવસ દરમિયાન વારંવાર ટ્રીપિંગ આવવાને કારણે લોકોના મોંઘા ઉપકરણો જેમ કે ફ્રીઝ ,ટીવી,એરકન્ડિશન્ડ સહીત ના ઉપકરણો ને ભારે નુકસાન થઈ રહ્યું છે. ગત ૪ જૂનના રોજ આવેલા વાવાઝોડા બાદ આ વિસ્તારમાં ખૂબ મોટી વીજ સમસ્યા જોવા મળી રહી છે. કેટલાય ગામડાંઓ અંધારું ઉલેચી રહેવાનો વારો આવ્યો છે. વારંવાર વીજપુરવઠો ખોરવાઈ જતા રાત્રે લોકોને ચોરીનો ભય તેમજ બાળકોને અભ્યાસ કરવામાં પણ ખૂબ મુશ્કેલીઓ થતી હોય છે. આ અંગે સ્થાનિક આગેવાનો દ્વારા તેજગઢ ડિવિઝન કચેરી ખાતે વારંવાર રજુઆત કરવામાં આવે છે પરંતુ અધિકારીઓ દ્વારા સાંત્વના સિવાય કંઈ મળતું નથી.
પંથકનું ખરીદી અર્થે નું મુખ્ય મથક એવું ગઢ ભીખાપુરા ગામ છે.અહીં બજાર વિસ્તારમાં કે છેલ્લા ૩૬ કલાક થી વીજ પુરવઠો ખોરવાયો છે સ્થાનિક વીજ કર્મચારીઓ દ્વારા સમસ્યા ઉકેલવા મોડીરાત સુધી મથામણ કરી પરંતુ વીજ પુરવઠો ચાલુ થઈ શક્યો ન હતો.જેને લઈને બજાર વિસ્તારમાં રહેતા લોકોને ખૂબ મુશ્કેલી વેઠી રહ્યાં છે.આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી વીજપુરવઠો ચાલુ કરવામાં આવ્યો નથી.જો આજે પણ વીજપુરવઠો ચાલુ નહિ થાય તો લોકોની કેવી પરિસ્થિતિ થશે જોવું રહ્યું.