Chhota Udepur
યુવતીનુ બળજબરીથી અપહરણ કરી ભગાડી જનાર બે આરોપી ઝડપાયા
(પ્રતિનિધિ કાજર બારીયા)
પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી મળી હતી કે, છોટાઉદેપુર જિલ્લાના એક ગામની છોકરીને મોટર સાઈકલ પર આવેલા બે અજાણ્યા યુવાનો સીગલકૂવા ગામના બસ સ્ટેન્ડથી બળજબરીથી અપહરણ કરી બાઇક પર બેસાડી ભગાડી લઇ ગયા છે. જે હકીકતની ગંભીરતા ઘ્યાને લઇ તાત્કાલિક ઉપરી અધિકારીને હકીકતથી વાકેફ કરી જિલ્લા એલ.સી.બી, એસ.ઓ.જી શાખાને જાણ કરી તેઓને આધારભૂત હકીકત આપી અલગ-અલગ પોલીસ ટીમો બનાવી માત્ર બે કલાક જેટલા ટૂંકાગાળામાં અપહરણ થયેલી કિશોરીને સહી સલામત શોધી કાઢી પરિવાર સાથે ભેટો કરાવ્યો હતો.
કરાલી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી ભોગબનનાર કિશોરીની પૂછપરછ કરતાં સમગ્ર બનાવ અપહરણ તથા દુષ્કર્મનો હોવાનું જણાઈ આવતાં તેમજ આ બનાવ પાનવડ પો.સ્ટે. હદ વિસ્તારનો હતો, જેને લઇને કરાલી પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે ૦૦૦ નંબરથી ફરિયાદ દાખલ કરી પાનવડ પો.સ્ટે. તરફ ટ્રાન્સફર કરવામાં આવી છે.
સાથે સાથે બન્ને આરોપીઓ પંકજ દશરથભાઇ રાઠવા (રહે, બળદગામ, તા. કવાંટ જિ. છોટાઉદેપુર), તથા મહેન્દ્રભાઇ રાજુભાઇ રાઠવા (રહે નારાકુટ તા.કવાંટ જિ.છોટાઉદેપુર)ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આમ માત્ર બે કલાક જેટલા ટૂંકાગાળામાં જ અપહરણ થયેલી કિશોરીને કરાલી પોલીસ તથા જિલ્લા એલ.સી.બી અને એસ.ઓ.જી શાખાના ટીમ વર્કથી શોઘી કાઢવામાં સફળતા મળી છે. ઉપરોકત બન્ને આરોપીઓને પણ ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.