Surat
સુરત માં LICના નિવૃત અધિકારી પાસેથી બે બિલ્ડર અને ત્રણ વ્યાજખોરોએ મળી 47.84 લાખ પડાવી બંગલો લખાવી લીધો
સુનિલ ગાંજાવાલા
સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત રહેવા પામ્યો છે. નિવૃત્ત એલ.આઇ.સી. અધિકારીની પારિવારિક જમીન સરકારમાંથી છોડાવવાના નામે ઓલપાડના બિલ્ડર અને ઓલપાડ-સુરત શહેરના તેના વ્યાજખોર સાગરીતોએ લાખો રૂપિયા પડાવી લીધા હતા. દસ મહિનામાં 22થી 25 ટકા વ્યાજ વસૂલ કરવા માટે નિવૃત્ત અધિકારીનો બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. કુલ 47.84 લાખ પડાવી લીધા હતા.જેથી ક્રાઇમ બ્રાન્ચે બિલ્ડર અને તેના સાગરીતોની વ્યાજખોર ટોળકી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન ઓલપાડનો બિલ્ડર ફરીદખાન પઠાણ ફરાર થઇ ગયો હતો. જ્યારે તેના વ્યાજખોર ત્રણ સાગરીતોની ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ધરપકડ કરી છે.રાંદેર વિસ્તારમાં રામનગર ખાતે આવેલી રણછોડપાર્ક સોસાયટીમાં રહેતા અને એલ.આઇ.સી.માંથી ડેવલપમેન્ટ ઓફિસર તરીકે નિવૃત્ત થયેલા ભરતભાઇ દલપતભાઇ રાણાની જહાંગીરાબાદ ખાતે પારિવારિક જમીન આવેલી છે. આ જમીન પૈકી કેટલોક હિસ્સો યુ.એલ.સી.એક્ટ હેઠળ સરકાર હસ્તક ખાલસા થયો હતો.
જહાંગીરાબાદ ખાતેની જમીનનો સોદો ઓલપાડના બિલ્ડર ફરીદખાન હુસેનખાન પઠાણે સુરતના બિલ્ડર પીયૂષ ગાંધી સાથે કરાવ્યો હતો. સરકાર હસ્તકની જમીન છૂટી કરાવવા માટે અમદાવાદના ધર્મેન્દ્ર ઉર્ફે ભોળાભાઇ પટેલ સાથે વાતચીત કરી હતી. સરકારમાંથી જમીન છૂટી કરવા માટે ધર્મેન્દ્ર પટેલે 20 લાખ રૂપિયાની માંગણી કરતાં ફરીદખાન પઠાણે ઓલપાડમાં વ્યાજે રૂપિયા આપતાં પોતાના સાગરીતો ચેતન ભંવરલાલ શાહ, મુકેશ ચૌહાણ અને કનૈયા પટેલ પાસેથી છ મહિનામાં 20 લાખ રૂપિયાના વ્યાજ સાથે 35 લાખ રૂપિયા આપવાની બાંહેધરી સાથે રૂપિયા આપ્યા હતા.ક્રાઇમ બ્રાન્ચમાં ભરતભાઇ રાણાની ફરિયાદ નોંધીને ઓલપાડનાં બિલ્ડર ફરીદખાન હુસેનખાન પઠાણ, ચેતન ભંવરલાલ શાહ, મુકેશ ચંપકલાલ ચૌહાણ, કનૈયા જમુભાઇ પટેલ તેમજ અમદાવાદમાં મણિનગર ખાતે રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે ભોળા શંકરલાલ પટેલ વિરુદ્ધ ઇપીકો કલમ 420, 34, 120(બી), મની લોન્ડરિંગ એક્ટની કલમ 5, 40, 42 હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચે ચેતન ભંવરલાલ શાહ, મુકેશ ચૌહાણ અને કનૈયા પટેલની ધરપકડ કરી હતી.