Editorial
“માં બે હૈયું એક” એક માં જ બીજી માં ની મનોવ્યથા સમજી શકે.
– વિજય વડનાથાણી
મોબાઈલ રણક્યો,” હેલ્લો…હા પપ્પા ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફ બધા જ હાજર છે.લતિકાને ચેકઅપ માટે ઓપીડી રૂમમાં લઈ ગયા છે.તમે શાંતિથી આવો કંઈ વાંધો નથી.” ધવલ પોતાની પત્ની લતિકાને પ્રસવપીડા ઉપડતાં જ્યાં રહેતા હતા એ જ શહેરમાં બાજુમાં જ આવેલી એક હોસ્પિટલમાં દાખલ કરી હતી. ધવલના માતાપિતા અહીંથી વીસ કિલોમીટર દૂર પોતાના ગામમાં રહેતા હતા. ધવલનો ફોન સાંભળી તેની માંએ મનોમન ભગવાન સમક્ષ પૌત્ર કામના માટે અરજ કરી,” હે ભગવાન! આ વખતે તું દગો ના કરતો મારા વ્હાલા, મારો વિશ્વાસ ના તોડતો,મારા ધવલનો વારસ તો તારે જ આપવો પડશે ! હવે તો બહું થયું.” માંડી અરજ સાથે રેલાતા આંસુ પાલવના છેડલે લૂછવાં માંડ્યા.
ધવલ પોતાના માં-બાપનો એકનો એક દીકરો હતો. ભણીગણીને શહેરમાં જ સારું એવું કમાતો હતો. પત્ની પણ ખૂબ જ સુંદર અને સંસ્કારી હતી. ધવલના પુનમની દૂધધારા સરીખી ચાંદની રાત્રી જેવા સુખી સંસારમાં ચંદ્રના ડાઘ જેવું બે બે દિકરીઓએ પણ પુત્રસુખ ના મળ્યાનું એકમાત્ર દુઃખ હતું.પોતે તો આ બધી વાતો અને માન્યતાઓથી જોજનો દૂર હતો પણ સમાજના લોકો અને માં બાપના કહેણને કેમેય કરીને નજરઅંદાજ નહોતો કરી શકતો હતો. ધવલની સચોટ ના હોવા છતાં પણ કુટુંબ-પરિવાર અને સગા સંબંધીઓનું એટલું બધું દબાણ હતું કે તેનાથી વશ થઈ લતિકાને બે બે વખત ગભૉધાન કરી તેનું જાતિ પરીક્ષણ કરાવ્યું હતું તેમજ એ બંન્ને ભૃણ પણ દિકરીઓના જ હોવાના કારણે તેને ગભૅમાં જ ગળું ટૂપી દીધું હતું. આ વખતે પણ લતિકા આ બાબતને લઈ ખૂબ ચિંતિત હતી. દવાખાનામાં દાખલ થતાં જ તેની હાલત તપાસી ડોક્ટરે પણ ધવલને “કેસ જરા જોખમી છે !” એવું સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું પણ ધવલે આ વાત માતાપિતાને કંઈ જણાવી નહીં.
થોડીવારમાં ધવલના માં બાપ પણ આવી પહોંચ્યા.લતિકાને પ્રસૂતિ માટે ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી હતી. ધવલની માંને તો ક્યારે પૌત્રની કિલકારી સંભાળાશે ? એવી તાલાવેલી હોવાથી વારંવાર ઊભા થઈ દરવાજે ડોકિયાં કરતાં હતા પણ ભગવાનને જાણે કંઈક અલગ જ મંજૂર હતું.લગભગ ત્રણ કલાક જેટલો સમય વીત્યો. ડોક્ટર આગળ એવા સંજોગ ખડા થઈ ગયા કે માં અથવા બાળક બેમાંથી એકને જ બચાવી શકાય એમ હતું.તેથી ફકત માંને જ બચાવી શકાઈ. ડોક્ટરે ફક્ત ધવલને એકલા ને જ અંદર બોલાવી વાસ્તવિકતા વિશે જણાવ્યું. ધવલના ઉપર તો જાણે દુઃખનો ડુંગર તૂટી પડ્યો ! ” કેમ કરી માં અને બાપુને જણાવીશ ? અરે ! લતિકા ભાનમાં આવશે તો તેને કેમ કરી સમજાવીશ ? ” આવા તીક્ષ્ણ અને વેધક સવાલો તો અત્યારથી જાણે મુખ્ય દરવાજે દાંતિયા કરી રહ્યા હતા.
” હે ભગવાન હવે શું થશે ?” એક ઊંડો નિસાસો નાખી તે લતિકાને જ્યાં રાખી હતી એ રૂમમાં આવ્યો.લતિકા હજુ બેભાન હાલતમાં જ સુતી હતી.એજ રૂમમાં બીજો એક પણ બેડ હતો. જેમાં એક મધ્યમ વર્ગીય સ્ત્રી સુતેલી હતી.તેનો પતિ પણ બેડની બાજુમાં જ ટેબલ પર ઝૂકીને બેસી રહી એમ જ પોતાની પત્નીને કંઇક સમજાવી રહ્યો હતો.ધવલે તેમની વાત ચૂપચાપ સાંભળી.વાતો પરથી એટલું સમજાયું કે એ સ્ત્રીને બે જોડીયા બાળકો પુત્ર-પુત્રી જન્મ્યા હતા પણ પુત્ર મરેલો જન્મ્યો હતો એટલે બન્ને દુઃખી હતા.
થોડીવાર થઈ. ડોક્ટર રૂમમાં નસૅ સાથે દાખલ થયા.નસૅના હાથમાં પેલી સ્ત્રીનું મૃત બાળક હતું. ડોકટરે એ સ્ત્રીને મૃત પુત્રનું મુખ બતાવવા લાવ્યા હતા. બાળકને સોંપી એ બધા બહાર નીકળ્યા.પેલી સ્ત્રી પોતાના મૃત બાળકને છાતી સરસુ ચાંપી ખૂબ વહાલ કર્યું. ઘણી બધી ચુમ્મીઓ લીધી. એના પ્રત્યેક અંગ ઉપર પોતાનો મમતા ભર્યો હાથ ફેરવ્યો. માતૃત્વનો સ્પર્શે જાણે મૃત શરીરમાં જીવ રેડયો ! અને બાળક તો રડ્યું ! પેલુ દંપતિ તો રાજીના રેડ થઈ ગયું. ઘણી બધી ખુશાલી વ્યક્ત કરી પછી બંને શાંત પડ્યા. થોડીવાર બન્ને એમ જ કંઈક ગુસપુસ કરી અને શાંત પડી ગયાં. પેલી સ્ત્રીએ ધવલની બાજુમાં બેડ ઉપર સૂતેલી લતિકા સમક્ષ નજર કરી તેની આંખોમાં માતૃત્વ હર્ષભેર ઉભરાઈ રહ્યું હતું. લતીકા પણ ભાનમાં આવી ગઈ હતી પરંતુ બંધ આંખે જ ચોધાર આંસુડે રડી રહી હતી.કદાચ તેણીએ ડોક્ટરની વાત સાંભળી લીધી હતી. પેલી મધ્યમ વર્ગીય સ્ત્રી એની આખી મનોદશા પારખી લઈ અને જાણે કંઈક નિર્ણય કર્યો.પોતાના પતિને કંઈક ઈશારો કરતા પતિ તરત જ પેલા જીવિત થયેલા પુત્રને કાખમાં ઉઠાવી લતિકાની બાજુમાં મૂકી દીધો અને એટલું જ બોલ્યો કે “મારે તો આમેય દીકરી જોઈતી હતી. પુત્ર તો મારે છે જ ! આ પુત્ર ભગવાને મારા માટે નહોતો દીધો એટલે જ ડોક્ટરે એને મૃત જાહેર કર્યો હતો. એ કદાચ તમારા માટે જન્મ્યો છે એટલે એનું જીવન હવે તમારા ખોળે છે. અમે બંને ખુશ છીએ. ધવલને તો કશી સમજ જ નહોતી પડતી. લતિકા પણ દડદડતા આંસુએ રડતી પેલી સ્ત્રીની સામે જોઈ જ રહી હતી.તેને કશી સમજ નહોતી પડતી.તેને આવાક બનેલી જોઈ પેલો પતિ આગળ બોલ્યો,” દિકરાને લઈ લો બેન ! અમને બન્નેને ખબર છે તમારી સાથે શું બન્યું છે. અમે બન્ને જણે બહાર બેઠેલા તમારા સાસુ સસરા જે સુખ દુઃખની વાતો કરતા હતાં એ બધી જ સાંભળી છે. પેલી સ્ત્રી અને લતિકા હજુ સુધી એકબીજાને જોઈ જ રહી હતી. બંને માંના શરીર અલગ હતા પરંતુ હૈયું એક જ હતું. બન્ને જાણે આંખો વાટે એક જ વાત માતૃત્વની કદાચ કરી રહી હતી.ધવલ આંખો લૂછતાં લતિકાને હકારમા સંકેત આપ્યો અને તરત જ રૂમની બહાર નીકળ્યો. તેની માંને પુત્ર જન્મ્યાની વધાઈ આપતા માતાજી તો ખુશીથી ઉછળી જ પડ્યા. “મારો વ્હાલો…. લાડકવાયો આવ્યો… મારો વારસદાર આવ્યો…..”
* ” હે ભગવાન! આ વખતે તું દગો ના કરતો મારા વ્હાલા, મારો વિશ્વાસ ના તોડતો
* માન્યતાઓથી જોજનો દૂર હતો પણ સમાજના લોકો અને માં બાપના કહેણને કેમેય કરીને નજરઅંદાજ નહોતો કરી શકતો
* પુત્રને કાખમાં ઉઠાવી લતિકાની બાજુમાં મૂકી દીધો અને એટલું જ બોલ્યો કે “મારે તો આમેય દીકરી જોઈતી હતી. પુત્ર તો મારે છે જ !
* બંને માંના શરીર અલગ હતા પરંતુ હૈયું એક જ હતું. બન્ને જાણે આંખો વાટે એક જ વાત માતૃત્વની કદાચ કરી રહી