Panchmahal
પાવાગઢ શક્તિપીઠ ખાતે અશક્ત વૃદ્ધો તેમજ દિવ્યાંગો માટે દર્શન કરવા હાઈ સ્પીડની બે લિફ્ટ બનશે
(પ્રતિનિધિ દિપક તિવારી)
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ ખાતે અશક્ત વૃદ્ધો તેમજ બાળકો માટે માતાજીના દર્શન કરવા આસાન બને તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા છાસિયા તળાવથી નિજ મંદિર સુધી ૧૩ કરોડ રૂપિયાના ખર્ચે એક વર્ષમાં ભક્તોના ઉપયોગ માટે તૈયાર થનાર હાઈ સ્પીડ બે લિફ્ટ ની જમીન સાફ-સફાઈ પૂર્ણ બાદ બુધવારના રોજ મંદિર ટ્રસ્ટીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે લિફ્ટની કામગીરી નું ખાતમુહૂર્ત કરી લિફ્ટ ની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
શક્તિપીઠ પાવાગઢ ખાતે ૫૦૦ વર્ષ બાદ ઐતિહાસિક ધ્વજારોહણ તેમજ મંદિરના જીર્ણોદ્ધાર બાદ યાત્રાળુઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો નોંધાયો છે.
ત્યારે માતાજીના દર્શન કરવા ઉત્સુક વૃદ્ધો તેમજ બાળકો પણ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લેવા ઉત્સુક છે. પરંતુ છાસિયા તળાવ રોપ વે અપર સ્ટેશનથી ચાલીને જવામાં તેમજ પગથિયાં ચડવામાં અસમર્થ લોકો માતાજીના દર્શન કરી શકે તે અર્થે મંદિર ટ્રસ્ટ દ્વારા બે હાઈ સ્પીડ લિફ્ટ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવતા ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
જ્યારે લિફ્ટ અંગે જાણવા મળતી માહિતી મુજબ છાસિયા તળાવથી શરૂ થઈ મંદિર પરિસરના બીજા માળ પર યાત્રાળુઓ ઉતરશે આ લિફ્ટ સંપૂર્ણપણે આત્મ નિર્ભર ભારત ના કોન્સેપ્ટ મુજબ અમદાવાદની લિફ્ટ નિર્માણમાં નિષ્ણાત એજન્સી દ્વારા બનાવવામાં આવી રહી છે. જ્યારે આ લિફ્ટ ની ઊંચાઈ ૭૦ મીટર એટલે કે ૨૧૦ ફુટ હોવાનું જાણવા મળે છે જ્યારે આ લિફ્ટ સંપૂર્ણપણે આર.સી.સી. તેમજ સાફ્ટ ( ચીમની જેવી) બનાવવામાં આવનાર છે. જ્યારે આ લિફ્ટની મજબૂતાઈ અંગે નિષ્ણાતોના અભિપ્રાય બાદ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ લિફ્ટની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જ્યારે આ લિફ્ટ માં એક લિફ્ટ માં ૨૦ જેટલા લોકો છાસિયા તળાવથી મંદિર પરિસર સુધી પહોંચી શકશે છાસીયા તળાવથી મંદિર પરિસર સુધી લિફ્ટને પહોંચતા અંદાજિત ત્રણ મિનિટ જેટલો સમય લાગશે તેમ જણાવાઈ રહ્યું છે. જ્યારે લિફ્ટ ઉપર પહોંચશે ત્યારે લિફ્ટ ના અપર સ્ટેશન પર ૨૪ મીટર લાંબો તેમજ ૫.૫ મીટર પહોળો બ્રિજ બનાવવામાં આવશે જેનાથી પાવાગઢનો સંપૂર્ણ નયનરમ્ય નજારો યાત્રાળુઓ નિહાળી શકશે જ્યારે યાત્રાળુઓને આ ૨૪ મીટર ના બ્રિજ પરથી સીધે સીધું ચાલી મંદિર પરિસરમાં પ્રવેશ મળશે જેનાથી વૃદ્ધો તેમજ બાળકોને તેઓની માતાજી ના દર્શન કરવાની આસ્થા પૂરી કરવા મળશે તેમ જાણવા મળે છે. આમ મંદિર ટ્રસ્ટ દ્વારા લિફ્ટ ના નિર્માણની જે પહેલ કરવામાં આવી છે. તે વૃદ્ધો તેમજ બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેમ જણાઈ આવે છે.