Gujarat
એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત પંચમહાલના ઘોઘંબા ખાતે “સંપૂર્ણતા અભિયાન” લોન્ચ કાર્યક્રમ યોજાયો
ભારત સરકારના નીતિ આયોગ દ્વારા “મહત્વકાંક્ષી તાલુકા કાર્યક્રમ” અંતર્ગત ગુજરાત રાજ્યનાં 10 જિલ્લાનાં 13 તાલુકાઓ પૈકી પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતગર્ત આજરોજ
ઘોઘંબા તાલુકાના કણબી પાલ્લી સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતના નીતિ આયોગના પ્રતીનિધિ કૌસ્તુભ શ્રીવાસ્તવ, જિલ્લા કલેકટર આશિષ કુમાર,જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીઆ સહિત વિવિધ અધિકારીઓ,પદાધિકારીઓની ઉપસ્થિતિમાં “સંપૂર્ણતા અભિયાન” કાર્યક્રમ લોન્ચ કરાયો હતો.
લોન્ચિંગ કાર્યક્રમ વખતે પંચમહાલ જિલ્લા કલેકટરએ સૌને આવકારતા જણાવ્યું હતું કે,મહત્વકાંક્ષી તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં આરોગ્ય, પોષણ, કૃષિ, સામાજિક વિકાસ અને શિક્ષણ સહિતના સૂચકાંકોમાં 100 % સિદ્ધિ હાંસલ કરી શકાય તે હેતુથી દેશભરમાં “સંપૂર્ણતા અભિયાન” લોન્ચ કરાયું છે. આ સૂચક અંકોની સંતૃપ્તિ માટે તા.4 જુલાઈ થી તા.30 સપ્ટેમ્બર, 2024 એમ ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન જુદા જુદા એકશન પ્લાન મુજબ “સંપૂર્ણતા અભિયાન” હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું કે,કુલ 40 જેટલા સૂચક અંકોને ધ્યાને લઈને ઘોઘંબા તાલુકામાં હેલ્થ,કૃષિ,સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે,તાલુકાના દરેક ગામમાં દરેક વ્યક્તિ સુધી કમ્યુનિકેશન દ્વારા બદલાવ લાવવો જરૂરી છે.
આ માટે ગ્રામ્ય સ્તરે આંગણવાડી કેન્દ્રની આશા બહેનો,સખી મંડળની બહેનો થકી દરેક ઘર સુધી પહોંચીને સગર્ભા માતાઓને પૂરક પોષણ આપીને તથા તમામ ઇન્ડિકેટર ધ્યાને લઇને આવતા ત્રણ મહિનામાં 100 ટકા સિધ્ધિ હાંસલ કરવા તરફ કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.તાલુકામાં ૩૦થી વધુ ઉંમરના દરેક વ્યક્તિનું ડાયાબિટીસ અને હાઇપર ટેન્શનનું સ્ક્રીનીંગ કરાશે,ખેડૂત મિત્રોને 100 ટકા સોઈલ હેલ્થ કાર્ડનું વિતરણ કરાશે.આ પ્રસંગે સૌકોઈએ સ્ક્રીન પર સંપૂર્ણતા અભિયાનની ફિલ્મ નિહાળીને પ્રતિજ્ઞા લીધી હતી.
કાર્યક્રમ પૂર્ણ થયે જિલ્લા કલેકટર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સી.એચ.સી ઘોઘંબા ખાતે હેલ્થ ડાયાબિટીસ અને હાયપર ટેન્શન સ્ક્રીનીંગનું ઉદ્દઘાટન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચતા કરવા સરકાર પ્રતિબદ્ધ છે, ત્યારે વિકાસ સાધવામાં પાછળ રહી ગયા હોય તેવાં જિલ્લા, તાલુકા, ગામ, વિસ્તારોને વિકાસની અગ્રીમ હરોળમાં લાવવા માટે સરકાર દ્વારા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારના ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા (NITI)’ નીતિ આયોગ દ્વારા દેશભરમાંથી 112 મહત્વકાંક્ષી જિલ્લાઓ તથા 500 જેટલા મહત્વકાંક્ષી તાલુકાઓ (Aspirational Block Programme -ABP) જાહેર કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીઆ,જિલ્લા આયોજન અધિકારી,જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી,જિલ્લા ખેતીવાડી અધિકારી, મામલતદાર આર.કે.પટેલ,જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ,તાલુકા પંચાયતના પ્રમુખ રાઠવા સહિત તાલુકા વહીવટીતંત્ર અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.