Panchmahal
પોષણ અભિયાન અંતર્ગત પોષક લાભો જનસમુદાયો સુધી પહોંચાડાશે
પોષણ-સુખાકારી માટે મિલેટ, સ્વસ્થ બાળ સ્પર્ધા અને સક્ષમ આંગણવાડીની થીમો આધારિત પોષણ પખવાડિયાની ઉજવણી હાથ ધરાઇ
પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયાના અધ્યક્ષપદે આજરોજ જિલ્લા કલેકટર કચેરી સભાખંડ ગોધરા ખાતે પોષણ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ હતી.
જિલ્લા વિકાસ અધિકારીએ ઉક્ત બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય (MWCD) ધાન્ય (મિલેટ)ને લોકપ્રિય બનાવવા માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે. માર્ચ-એપ્રિલ ૨૦૨૩ની આ ઉજવણી અંતર્ગત પોષણ પખવાડિયા મિલેટના પોષક લાભો વિશેની માહિતી જનસમુદાયો સુધી પહોંચાડવા અને તેમને સંવેદનશીલ બનાવવા માટે યોગ્ય પ્લેટફોર્મ બની રહેશે. આ ઉજવણી વિવિધ થીમો આધારીત ઉજવાશે જેમાં પોષણ-સુખાકારી માટે મિલેટ, સ્વસ્થ બાળક સ્પર્ધા અને સક્ષમ આંગણવાડીનો પણ સમાવેશ કરાયો છે તેમ જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર રમીલાબેન ચૌધરી દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરાઈને વિસ્તૃત માહિતી રજૂ કરાઈ હતી.જેમાં આંગણવાડી કેન્દ્ર ખાતે મિલેટ આધારિત વાનગી/ રેસીપી સ્પર્ધા, મિલેટ અને બેકયાર્ડ કીચન ગાર્ડનને પ્રોત્સાહન આપવાની ઝૂંબેશ, મિલેટના લાભો અંગે સંસ્થાઓ, કાર્યકર્તાઓ અને સમુદાયને સંવેદનશીલ બનાવવાની ઝુંબેશ, કુપોષણ નાબૂદ કરવામાં મિલેટની ભૂમિકા વિષય પર કેન્દ્રિત નિબંધ,પ્રશ્નોત્તરી (કવીઝ) અથવા ચિત્ર સ્પર્ધા, મિલેટ અને કિશોરીઓના સ્વાસ્થ્યને સ્પર્શતો કિશોરીઓ માટેનો જાગૃતિ કાર્યક્રમ,શાળા કક્ષાએ મિલેટ મેળા,મિલેટ આધારિત તંદુરસ્ત આહાર પ્રથાઓ (પ્રાદેશિક અને ઋતુગત) પર જાગૃતિ શિબિર, જીવનશૈલી આધારિત રોગોની અટકાયત માટે જીવનશૈલીમાં ફેરફાર અને તેમાં મિલેટની ભૂમિકા અંગે જાગૃતિ અભિયાન, મિલેટના રોજીંદા ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરી સગર્ભા અને ધાત્રી માતાઓ માટે વિવિધ આરોગ્ય સુવિધાઓ પર આહાર પરામર્શ કેમ્પનું આયોજન કરવા સહિતની માહિતી રજૂ કરાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી ચૌધરી દ્વારા મિલેટ ધાન્યોના ઉપયોગથી થતા ફાયદા વિશે માહિતી અપાઈ હતી.
બેઠકના અંતે જિલ્લા વિકાસ અધિકારી સહિત અમલીકરણ અધિકારીઓએ પોષણ અંગેના શપથ લીધા હતા.આ બેઠકમાં સબંધીત અધિકારીઓ,
આઈ.સી.ડી.એસ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા