Business
કેન્દ્ર સરકારે ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો, ATF પર પણ રાહત આપી

કેન્દ્ર સરકાર દ્વારા વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક કાચા તેલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ 4,900 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને 1,700 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે. આ સાથે, ATF પરની નિકાસ ડ્યૂટી 5 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 1.5 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે.
સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર નવા ટેક્સ દર આજથી લાગુ થઈ ગયા છે. આનાથી તે કંપનીઓને રાહત મળશે, જેઓ પેટ્રોલ-ડીઝલ અને ATFમાં ક્રૂડ ઓઈલ ઉત્પાદનની નિકાસ કરે છે.
અગાઉ 1 ડિસેમ્બર, 2022ના રોજ વિન્ડફોલ ટેક્સ પરની સમીક્ષા બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક ક્રૂડ ઓઈલના વેચાણ પર પ્રતિ ટન રૂ. 10,200 થી ઘટાડીને રૂ. 4,900 કરવામાં આવ્યો હતો. તે જ સમયે, પેટ્રોલ પર વિન્ડફોલ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો હતો અને એટીએફ પરનો ટેક્સ 5 રૂપિયા પ્રતિ લિટર પર યથાવત રાખવામાં આવ્યો હતો.
શરૂઆતમાં જ્યારે પહેલીવાર વિન્ડફોલ ટેક્સ લાદવામાં આવ્યો ત્યારે તે ક્રૂડ ઓઈલ, પેટ્રોલ-ડીઝલ અને એટીએફ પર લાદવામાં આવ્યો હતો.
જુલાઈમાં પ્રથમ વખત વિન્ડફોલ ટેક્સ લાદવામાં આવ્યો હતો
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા વધારાને કારણે ઘણી ઓઈલ કંપનીઓના નફામાં મોટો વધારો થયો હતો. આ કારણોસર, સરકાર દ્વારા 1 જુલાઈથી વિન્ડફોલ ટેક્સ લાદવામાં આવ્યો હતો. શરૂઆતમાં, FTF અને પેટ્રોલ પર 6 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લિટરની નિકાસ ડ્યૂટી લાદવામાં આવી હતી. આ ઉપરાંત, ક્રૂડ ઓઇલના ઉત્પાદન પર પ્રતિ ટન રૂ. 23,250નો વિન્ડફોલ ટેક્સ લાદવામાં આવ્યો હતો, જેની કેન્દ્ર સરકાર દ્વારા દર 15 દિવસે સમીક્ષા કરવામાં આવે છે.