Gujarat
પોપટપુરા-ગોધરા ખાતે આવેલ હોટલ શાલીમારમાં પાલકનું શાક અનસેફ થતા દંડ સાથે સજા
ગોધરા,સોમવાર:- ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગોધરાના તત્કાલીન ફુડ સેફટી ઓફીસર એસ.આર.ભગતએ તા.૨૦/૦૧/૨૦૧૪ના રોજ ગણેશ મંદિર સામે, પોપટપુરા-ગોધરા મુકામે આવેલ હોટલ શાલીમારમાંથી વેન્ડર તથા ફુડ બિઝનેસ ઓપરેટર સુફિયાન રહમતુલ્લાહ ડુક્કા પાસેથી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળ પ્લેન પાલકનું રાંધેલુ શાકનો નમુનો પૃથ્થકરણ માટે લઇ ગુજરાત રાજયની ભુજ લેબોરેટરીમાં મોકલી આપતાં રીપોર્ટ અનસેફ જાહેર થયેલ હતો.
સદર રીપોર્ટને આરોપીએ ફેર પૃથ્થકરણ માટે અપીલ કરતાં આ નમુનો રેફરલ ફુડ લેબોરેટરી,ગાઝીયાબાદને મોકલી આપતા રીપોર્ટ અનસેફ જાહેર થયેલ. રીપોર્ટ મુજબ પ્લેન પાલકનું રાંધેલુ શાકના નમુનામાં સિન્થેટીક ફુડ કલર મળી આવેલ હોય જે પરવાનગીપાત્ર ન હોય આથી તે અનસેફ ફુડ તરીકે જાહેર કરેલ. જેથી ગોધરા કચેરીના ડેઝીગ્નેટેડ ઓફીસરએ નામદાર કોર્ટમાં ફરીયાદ દાખલ કરવા માટે ગાંધીનગર વડી કચેરીના નાયબ કમિશ્નર (ફુડ)ને ભલામણ મોકલતાં મંજુરી આદેશના આધારે હોટલ શાલીમાર તથા નમુનો આપના વેન્ડર તથા તેના બે ભાગીદારો એમ કુલ-ચાર ઇસમો સામે ગોધરાના નામદાર ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
જે કેસ ચાલી જતાં ગોધરાના નામદાર બીજા એડીશનલ સિનીયર સિવિલ જજ અને એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટએ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળના ગુના બદલ તમામ આરોપીને તકસીરવાન ઠેરવીને ૬ (છ) માસની સાદી કેદની સજા તથા કુલ રૂા.૧,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા એક લાખ પુરા)નો દંડ અને દંડ ન ભરેતો ૨(બે) માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ છે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરાના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.