Editorial

” ઉપકાર” કોકિલા આજ તો જાણે છંછેડાયેલી નાગણી બની ફૂંફાડા મારતી હતી.

Published

on

વિજય વડનાથાણી

” આજે તમને‌ હવે ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું, મારાથી આ બધું નહીં સચવાય ! એક તો આખો દિવસ ગાયો,ભેંસો અને ખેતરમાં મજુરની જેમ કામ કરવાનું અને એમાંય ઓછું હોય તેમ ઘરે તમારા બાપુજી નો કંકાસ ! ઘડીકમાં માંદા તો ઘડીકમાં સાજાં. કાં તો તમે બાજુના શહેરમાં રહેવા ચાલો અથવા તમારી ખેતી અને બાપુજીનું કંઈક કરો.” વિનોદની પત્ની કોકિલા આજ તો જાણે છંછેડાયેલી નાગણી બની ફૂંફાડા મારતી હતી. વિનોદ બિચારો શાંત અને સંસ્કારી યુવાન હતો. પત્નીને સમજાવતાં કહ્યું,” અરે કોકિલા ! તને હવે ક્યાં વધારે દુઃખી થાવું પડે એમ છે ? જો તું ખેતરનું અને ગાયો ભેંસોનું કામ કામ કરતી હતી એટલે તો ગયા વર્ષે જ બાપુજીએ પેલા રઘજીને કામદાર તરીકે રાખ્યો જ છે ને ? ” પછી હળવેકથી તે આગળ વધી કોકિલાનો હાથ પકડી સાવ ગરજાઉ ની જેમ બોલ્યો,” જો હવે તો તારે ફક્ત સવાર સાંજ ગાય ભેંસ દોહવા જ જવાનું હોય છે ને ! અને એમાંય દોહવાનું કામ તો હું કરી જ દઉં છું ને ? હવે એ બધું છોડ અને શાંતિથી અહીંયા જ રહેવાનું કર. બાપુએ આખી જિંદગી બહું કામ કર્યું હવે આપણે એમને આરામ આપવો છે.મારે એમની જેટલી બને તેટલી સેવા કરવી છે.” ” મને ખબર જ છે, આ બધાં તમારાં જુઠ્ઠાણાંની ! તમે ગમે તે કહો‌ હવે હું સ્વતંત્ર રહેવા માંગું છું આજ નહીં તો કાલે હું શહેરમાં રહેવા જઈ ને જ રહીશ.” કોકિલા વિનોદની વાતોને જાણે પગ તળે કચડતી હોય એમ પગ પછાડીને ચાલી ગઈ.”

Advertisement

વિનોદ પરસોત્તમકાકાનો એકનો એક દીકરો હતો. તેની પત્નીને હવે ખેતર, બાપુજી અણગમતા લાગતાં હતાં. પોતાની એક પિતરાઈ બહેન બાજુનાં શહેરમાં રહેવા આવી છે ત્યારથી એ પણ ત્યાં રહેવા જવા તલપાપડ બની હતી. વિનોદ વારંવાર તેને બધું જ સમજાવતો પણ કોકિલા દર ત્રીજા દિવસે આ જ ટંટો વારંવાર દહીં વલોવે તેમ વલોવે જ રાખતી. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ કોકિલાના કકળાટે ઘરનું વાતાવરણ ઉકળતાં ચરુ જેવું કરી દીધું હતું. હવે આ મુદ્દાએ તો વિષધર ભોરિંગનું સ્વરૂપ લઇ લીધું હતું. આ વખતે તો કોકિલા રિસાઇને જવાની તૈયારીમાં હતી.

છેવટે બાપુજી પોતાના દિકરાના સંસારનું ડૂબતું વ્હાણ બચાવવા કોકિલા સામે નમતું જોખી વિનોદને શહેરમાં રહેવા સમજાવી દીધો. ખેતર માટે જે મજૂર દંપતી રાખ્યું હતું તેના ઘરે જ જમવાનું પણ ગોઠવી દીધું અને વિનોદ અઠવાડિયામાં એક ફેરો આવી આવતો જતો રહેશે એમ સમજાવી દીધો. વિનોદને પરાણે ઝેરનો ઘૂંટડો ગળે ઉતારવા મજબૂર થવું પડ્યું.

Advertisement

ધીમે ધીમે કરતાં જે દિવસે જવાનું હતું એ દિવસ આવી પહોંચ્યો. કોકિલા ઘરમાં સામાન તૈયાર કરતી હતી. વિનોદ અને પરસોત્તમ કાકા એકબીજાની કાળજી રાખવાની વાતો કરતાં હતાં. બરાબર એજ સમયે પરસોત્તમકાકાના એક ભાઈબંધ ત્યાં આવી ચડ્યા. આવતાંવેંત તેમણે બધી પૂછપરછ કરી લીધી. થોડાક દુઃખી પણ થયાં. એમને જાણે કશુંક કહેવું હતું એટલે વિનોદને સામાન માટે કંઈક વાહન લેવા ગામમાં મોકલ્યો. અંદર રહેલી કોકિલાને શંકા ગઈ કે રખેને બાપુજીના ભાઈબંધ આવી અને અમારું આખું આયોજન બગાડશે એટલે એ બન્નેની વાતો સાંભળવા કાન સરવા કર્યા અને બારણાં પાછળ જ આવી ઊભી રહી. બહાર બન્ને ભાઈબંધ એકલા જ હતાં એટલે આવેલ કાકાએ શરૂ કર્યું.” અરે પરસોત્તમ તું પણ કેવો માણસ છે હે ? તે વહુ દિકરા માટે આ ચાલીસ વીઘા જમીન, ઢોરઢાંખર બધું વસાવી રાખ્યું છે છતાં તારાં આવા હાલ ?” ભાઈબંધની વાતને વારતા કાકાએ સહજ ભાવે કહ્યું,” અરે ભાઈ ! આવું તો ચાલ્યા કરે. એ લોકો નવી પેઢીના ભણેલા ગણેલા છે એટલે અહીંયા ગામડામાં ના પણ ફાવે એમાં શું ?” કાકાની વાતો છેક અંતરે ચીરા કરતી હોય એમ બાપુજીના ભાઈબંધની આંખો રીતસર દડદડી ગઈ. કોકિલા આ બધું કાનોકાન સાંભળી રહી હતી અને મોકો મળતાં જ બિલાડી ઉંદર પર તરાપ મારે એમ તૈયાર જ હતી.છેવટે પરસોત્તમ કાકાને ખભે લાગણીશીલ હાથ મૂકીને ભાઈબંધ કહે,” ખરેખર ધન્ય છે તને મારાં ભેરુ ! મને તો તે ઘણી મદદ કરી છે પણ એના કરતાં લાખ ગણી મદદ આ તારી વહુ કોકિલાના પિતાને કરી હતી. તું ના હોત તો એ બિચારાનું શું થાત ?” ભાઈબંધના મોઢે હાથ મૂકી પરસોત્તમ કાકા તેમને ચૂપ રહેવા સમજાવ્યું પણ ભાઈબંધ તેને અવગણી આગળ બોલ્યાં,” એ દિવસે આ કોકિલાનો બાપ દેવાદાર બની ભટકતો હતો. તેનું કુટુંબ પણ તેની બાંહેધરી લઈ લેવા તૈયાર નહોતું અને એ વખતે તે એને આશરો આપ્યો, દેવું ભર્યું અને એને પગભર બનાવ્યો હતો. એટલે જ એનું ઋણ અદા કરાવવા તારી ના હોવા છતાં પણ કોકીલાના પિતાજીએ કોકીલાનું માંગુ તારા વિનોદ સાથે પાકું કર્યું હતું. તે આવી કપરી પરિસ્થિતિમાં જેની મદદ કરી હતી એ તો પરલોક સિધાવી ગયો. એ તો તારો ઉપકાર મરતાં મરતાં પણ નહોતો ભૂલ્યો અને એની જ દીકરી દ્વારા તારા આવા હાલ ? મારાથી તો જોયું નથી જાતું ! તું ખરેખર કઈ માટીનો બનેલો છે ?”

“હવે આપણી પાસે થોડીક સંપત્ત હતી અને કોઈને પાંચ પચ્ચીસની મદદ કરી એના ગાણાં થોડા ગવાય ?”
બાપુજી જાણે સાવ તુચ્છ વાત હોય એમ આગળ બોલ્યાં,” હશે ! જેવું મારું કિસ્મત ! હવે તું એ વાતો મુક અને બીજી વાતો કર, મારો વિનોદ આવતો હશેએ સાંભળી જશે તો એને અને કોકિલા બંનેને દુઃખ થશે.” બરાબર એ જ સમયે વિનોદ પણ વાહન લઈ ઘરના આંગણે આવી પહોંચ્યો. ઉતાવળમાં તરત જ ઓસરીમાં આવી અને કોકીલા ને સામાન લાવવા કહ્યું પણ તેને જોયું કે કોકિલા તો બારણામાં જ ઢગલો થઈ ચોધાર આંસુડે ડૂસકાં લેતી રડી રહી હતી. વિનોદ આવાક હતો ! બાપુજી અને ભાઈબંધ સામે બાજુમાં નજર કરી તો કોકીલાને રડતી જોઈ તેવો પણ શૂન્ય બની ગયા હતા. વિનોદને કશીજ સૂઝ પડતી નહોતી એને એમ કે વળી કોકીલાને કંઈક વાંકું પડ્યું હશે. પરંતુ એને ક્યાં ખબર હતી કે આજે બારણા પાછળ ઉભી રહી બાપુજીની બધી વાત સાંભળી આખી જિંદગીનું જેટલું વાંકું પડ્યું હતું એ આંસુઓ દ્વારા ટપકી અને સીધું બની ગયું હતું નિર્મળ બની ગયું. કોકિલામાં એટલી હિંમત નહોતી રહી કે તે ઊભી થઈ બાપુજી સામે નજર મિલાવી શકે.

Advertisement

Trending

Exit mobile version