Gujarat
વડોદરામાં ઉત્તરાયણની તાડામાર તૈયારી શરુ; લખનવી સ્ટાઇલમાં દોરી સૂતાવવા ગ્રાહકોની લાગી લાઈન
ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ રસિકો ઉત્તરાયણ પર્વની પૂર્વ તૈયારીઓમાં લાગી ગયા છે. આકાશમાં પોતાની પતંગ ઊડતી રહે અને પતંગોને પેચ લગાવી અન્યની પતંગો કાપવા માટે પાકો માંજો સુતાવી તૈયાર કરાવવા ખાસ દોરી સુતનાર કારીગરોને ત્યાં પતંગ રસિકોની લાઈનો લાગતી હોય છે. આ પતંગોના તહેવાર નિમિત્તે વડોદરાના લોકોએ પોતાનો માંજો તૈયાર કરવાની તૈયારીઓ કરી લીધી છે. લોકો પોતાની રીતે દોરી ઘસાવવા કે ડોઘલામાં રંગાવા જતા હોય છે. તેવામાં વડોદરાના એક દોરી સુતનાર કારીગર સાથે ગુજરાતી જાગરણે ખાસ વાતચીત કરી હતી.
લખનવી સ્ટાઈલમાં દોરી સુતવાનો ક્રેઝ
સંસ્કારી નગરી વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરા ઉત્સવ પ્રેમી નગરી તરીકે પણ જાણીતું છે અહીં દરેક પર્વ ધામધૂમથી ઉજવવા આવે છે. ત્યારે ઉત્સવ પ્રેમી નગરીમાં ઉત્તરાયણ પર્વના 2 મહિના પહેલા ખાસ લખનઉ શહેરથી દોરો સુતવાના કારીગરો તેમની કલા જીવન રાખવાના ભાગરૂપે વડોદરામાં આવતા હોય છે અને પતંગ ચગાવવા માટે વપરાતી દોરીને લખનવી પરંપરા મુજબ સુતે છે. જોકે વડોદરામાં પતંગ ચગાવવા ના દોરા સુતનાર અનેક કારીગરો છે પરંતુ લખનવી પરંપરા મુજબ દોરા સુતનાર ગણ્યાગાઢ્યા કારિગરો બચ્યા છે.
પતંગ રસીકોની પસંદ લખનવી માંજો
ઉત્તરાયણ પર્વ પર પતંગ ચગાવવાના દોરા સુતનાર લખનવી કારીગર કલ્લુ ભાઈ છેલ્લા 70 વર્ષથી વડોદરામાં સ્થાઈ થઈ 30 વર્ષથી શહેરના સલાટવાડા ખાતે બાવન ચાલીની બહાર લખનવી પરંપરા મુજબ પતંગ ચગાવવાના દોરા સૂતવાનું કામ કરે છે. આ કામમાં તેમની સહાય અર્થે લખનઉથી અન્ય કારીગરો ને પણ બોલાવી તેમને રોજગારી આપે છે. લખનવી કારીગર કલ્લુ ભાઈ દ્વારા સુતવામાં આવેલ પતંગની દોરીથી આંગળીઓ તો કપાતી નથી પણ આકાશમાં ઊડતી અન્ય પતંગોના પેચ કાપવાની અનેરી મજા આવતી હોવાનું ગ્રાહકો જણાવી રહ્યા છે.
આ સામગ્રીથી સૂતવામાં આવે છે દોરી
લખનવી કારીગર પતંગની દોરી સુતવા માટે ભાત, કાચ, માખણ, ચામલ, સુહાગા સહીત અન્ય સામગ્રી મેળવી તૈયાર કરેલ લૂદીથી દોરીને સૂતે છે. જેને લખનવી કારીગરો બરેલી દોરી પણ કહે છે. પતંગના દોરા સુતનાર લખનવી કારીગરે જાણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વ દરમિયાન તેઓ દોરા સૂતીને એકથી દોઢ લાખ રૂપિયા જેટલી કમાણી કરી લે છે અને વડોદરા શહેરમાં તેમને જેટલો પ્રેમ અને સન્માન મળે છે તેવો પ્રેમ અને સન્માન બીજે ક્યાંય નથી મળતો.