Gujarat

વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા શહેર-જિલ્લાની અદાલતોમાં તા. ૨૨ જૂને મેગા નેશનલ લોક અદાલત યોજાશે

Published

on

ટ્રાફિક નિયમોનો ભંગ બદલ વાહન ચાલકોને મોટર વ્હિકલ એકટ મુજબ આપવામાં આવેલ ઈ- ચલણ ઓનલાઈન તથા ઓફલાઈન માધ્યમથી ભરી શકાશે
જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, વડોદરા દ્વારા નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરીટીના નેજા હેઠળ, ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરીટીના માર્ગદર્શન તેમજ વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ અને ડિસ્ટ્રિકટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન જયેશ ડી. ઓડેદરાની અધ્યક્ષતામાં આ વર્ષની બીજી મેગા નેશનલ લોક અદાલતનું તા. ૨૨.૦૬.૨૦૨૪ને શનિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં વડોદરા શહેર તેમજ તાલુકા કોર્ટોમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો, નેગો. એકટ ૧૩૮ના કેસો, ફકત નાણાની વસુલાતના કેસો, મજુર તકરારના કેસો, ઈલેકટ્રીસીટી એન્ડ વોટર બીલ્સ (નોન કંપાઉન્ડેબલ કેસોને બાદ કરતા), લગ્ન વિષયક તકરારનાં (છુટાછેડા સિવાયના) કેસો, જમીન સંપાદનન રેફરન્સના કેસો, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃતિના લાભોને લગતા કેસો, મહેસુલ કેસો, અન્ય દીવાની કેસો (ભાડા તકરાર, સુખાધિકાર, મનાઈ હુકમનાં, વિશિષ્ટ પાલનના દાવા), વગેરે કેસોનો નિકાલ કરવામાં આવશે.


વધુમાં સીસીટીવી કંટ્રોલરૂમ વડોદરા દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને મોટર વ્હિકલ એકટ મુજબ ઈ-ચલણ આપવામાં આવે છે. આ ઈ-ચલણ http://www.vadodaraechallan.co.inપર ઓનલાઇન તથા ઓફલાઈન માધ્યમથી પોલીસ ભવન આસાન કેન્દ્ર, નાયબ પોલિસ કમિશનરની કચેરી, કારેલીબાગ, વડોદરા ખાતે ભરી શકાશે. આ ઉપરાંત તા. ૨૨.૦૬.૨૦૨૪ ના રોજ જિલ્લા ન્યાયાલય રૂમ નં-બી-૩૫, દિવાળીપુરા ન્યુ કોર્ટ બિલ્ડીંગ,વડોદરા ખાતે ભરી શકાશે. આ લોક અદાલતનો લાભ લઈ બાકી ઈ-ચલણની ચુકવણી કરી દેવાથી ભવિષ્યમાં તે અંગે કોઈ કાયદેસરની કાર્યવાહી થશે નહી,તો તેનો પણ નાગરિકો લાભ લઈ શકે છે.
નેશનલ લોક અદાલતમાં કેસોનો નિકાલ થવાથી બંને પક્ષકારોના હિતમાં કેસના નિર્ણયો થશે. જેથી કોઈ પક્ષકાર પોતાનો કેસ લોક અદાલતમાં મુકવા માંગતા હોય તો તેઓએ અદાલતનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,વડોદરાનો તથા જે તે તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવની યાદીમાં જણાવાયું છે.

Advertisement

Trending

Exit mobile version