Gujarat
વડોદરા ના વિજ્ઞાન સ્નાતકની અનોખી શોધ: આગ અને ગરમી સામે સુરક્ષિત રેડી મિક્ષ પ્લાસ્ટર બનાવ્યું..
વિશ્વમાં આ પ્રકારનું પ્રથમ રેડી મિક્ષ પ્લાસ્ટર હોવાનો વસંત મુંગરા નો દાવો: સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને એમએસએમઇ સાથે નોંધાયેલા આ શોધકે પેટન્ટ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે…
ઘરની દીવાલોને સુરક્ષા માટે મોટેભાગે સિમેન્ટ – રેતીના મિશ્રણ વડે આવરણ ચઢાવવામાં આવે છે જેને પ્લાસ્ટર કર્યું એવું કહેવામાં આવે છે.
વડોદરાના વિજ્ઞાન સ્નાતક વસંત મૂંગરા એ આ કામ માટે રેડી મિક્ષ પ્લાસ્ટર બનાવ્યું છે જે આગ અને ગરમી પ્રતિરોધક છે.પ્લાસ્ટર માટે સીધેસીધી વાપરી શકાય એવી આ સામગ્રી વિશ્વમાં આ પ્રકારની પ્રથમ સામગ્રી હોવાનો સંશોધક નો દાવો છે.તેઓ એ સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને એમએસએમઇ માં નોંધણી કરાવી છે અને આ નવી પ્રોડક્ટ માટે પેટન્ટ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.
વસંત મુંગરા એ રાજકોટ થી વિજ્ઞાન સ્નાતકનું શિક્ષણ પૂરું કર્યા પછી ૨૦૧૫ થી વિવિધ ઉદ્યોગોમાં કાર્ય – અનુભવ મેળવ્યો છે.સુરતના તક્ષશિલા અગ્નિ કાંડ થી એમનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેમણે જીવન રક્ષક ફાયર પ્રૂફ પ્લાસ્ટર વિકસાવવા નું સંશોધન હાથ ધર્યું એવું એમનું કહેવું છે. તેમણે પોતાના આ નવા ઉત્પાદનને ‘ સત્વ ફાયર પલાસ્ટ ‘ નામ આપ્યું છે.આ ઉત્પાદન આગને ફેલાતી રોકી શકે એવું એમનું કહેવું છે.
મારા ઉત્પાદનના બાંધકામ ઉદ્યોગને વિવિધ લાભો મળશે એવી લાગણી વ્યક્ત કરતા વસંતભાઈએ જણાવ્યું કે,જેમાં વાતાનુકુલ યંત્રો (ac) ના વીજ વપરાશમાં ઘટાડો,હળવું વજન,ગરમી ને અવરોધ,ઉધઇ અને અન્ય જીવાત સામે પ્રતિરોધકતા,ઇમારત ના આયુષ્યમાં અને ટકાઉપણા માં વૃદ્ધિ નો સમાવેશ થાય છે.મારી આ શોધ પાછળનો મુખ્ય હેતુ આગ લાગે ત્યારે માનવ જીવન અને ઇમારતોની સુરક્ષાનો છે કારણ કે આ પ્લાસ્ટર આગ અને ગરમીને અન્ય વિસ્તારોમાં ફેલાતી અટકાવે છે.
વસંતભાઈ ને આ નવી પ્રોડક્ટ વિકસાવતા સાડા ત્રણ વર્ષ થયા અને સફળ પરીક્ષણ પછી બજારમાં પસંદગીના ગ્રાહકો ને તેનું વેચાણ પણ કર્યું છે.આ પ્લાસ્ટર પ્રચલિત પરંપરાગત પ્લાસ્ટર નો વિકલ્પ બનશે અને તેનો ઇમારતો,કોલ સેન્ટર્સ,કોલ્ડ સ્ટોરેજ, ફાઉન્ડ્રી,અને વાતાનુકુલ કોર્પોરેટ બિલ્ડિંગસ ના નિર્માણમાં વાપરી શકાય છે.
વસંતભાઈએ આ આગ પ્રતિરોધક પ્લાસ્ટર ને વિવિધ જગ્યાએ વાપરી ને પરીક્ષણ કર્યું છે.નવી દિલ્હીમાં ખૂબ મોટા પ્રમાણમાં ac લગાવવામાં આવ્યા છે એવી એક કોર્પોરેટ ઈમારતમાં તેના ઉપયોગ થી અંદરુની તાપમાનમાં ઘટાડો જણાયો હતો.રાજૌરી માં સેના ના જવાનોના બંકર માં, સ્મશાનમાં શબ દહન માટેની ભઠ્ઠી માં તેનો ઉપયોગ લાભપ્રદ જણાયો છે. તેમણે આ ઉત્પાદન વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૨૪ માં રજુ કર્યું ત્યારે પ્રોત્સાહક પ્રતિભાવો મળ્યા હતા.બાંધકામ ઉદ્યોગ માટે સત્વ ફાયર પ્લાસ્ટ આશીર્વાદ પુરવાર થશે એવી સંશોધક ને આશા છે.