Connect with us

Editorial

વડોદરા થી લંડનનો સાયકલ પ્રવાસ: રશિયામાં નિશાકુમારી નો પ્રવેશ:૧૧૩૨૫ કિમી સાયકલ ચલાવી…

Published

on

 (વડોદરાતા.૨૫)

 ભારત – વડોદરાથી લંડનના અતિ લાંબા પ્રવાસના ભાગરૂપે નિશાની સાયકલ સવારી હવે રશિયામાં પ્રવેશી છે.૧૫ હજાર કિલોમીટર લાંબા,દુષ્કર અને સાહસિક સાયકલ પ્રવાસનો આ સાતમો પડાવ એટલે કે સાતમો દેશ છે. નિશાના સાયકલ પ્રવાસના  ૧૫૨ દિવસ પૂરા થયા છે અને તેણે ૧૧૩૨૫ કિમીની સાયકલ યાત્રા અત્યાર સુધીમાં કરી છે.બે દિવસ પહેલા તેણે રશિયામાં પ્રવેશ કર્યો હતો.હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.પરંતુ સદનસીબે એમનો સાયકલ પ્રવાસ માર્ગ યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાં થી પસાર થતો નથી.

Advertisement

અહીં નીશાએ  નીત નવા પડકારોનો સામનો કરવાનો છે કારણ કે આ દેશ અતિ ઠંડુ વાતાવરણ ધરાવે છે.એટલે હાડકા ગળી જાય અને લોહી થીજી જાય એવા હવામાનમાં સાયકલ ચલાવવાની છે.

અત્યાર સુધી લગભગ ૧૧ હજાર કિલોમીટર થી વધુ સાયકલ પ્રવાસ આ એવરેસ્ટ વિજેતા સાહસિક ગુજરાતી કન્યાએ પૂરો કર્યો છે.તે દરમિયાન ચીનમાં દુશ્મનાવટ ભરેલું વર્તન સહ્યું છે.જો કે અત્યાર સુધીના પ્રવાસના અન્ય દેશોમાં લોકોએ બહુધા ઉષ્માભર્યો આવકાર આપીને ઉત્સાહ વધાર્યો હતો.

Advertisement

યાદ રહે કે કોઈ યુવતી  દ્વારા વડોદરા થી લંડન સુધી જમીન માર્ગે સાયકલ દ્વારા પ્રવાસ કરવાનો ગુજરાત અને દેશનો પ્રથમ પ્રયાસ છે.આ રૂટ પર આટલી લાંબી સાયકલ યાત્રા કોઈ સ્ત્રીએ તો છોડો પુરુષે પણ કરી નથી.એશિયા પછી હવે તે યુરોપમાં પ્રવેશી છે. રશિયા આમ તો અર્ધું એશિયા અને અર્ધું યુરોપમાં છે પરંતુ ૧૧ ટાઇમ ઝોન ધરાવતા આ દેશનો સમાવેશ યુરોપ ખંડમાં કરવામાં આવ્યો છે.

આ અગાઉ જે રશિયાનો ભાગ હતું એવા કઝાકિસ્તાન માં થી પસાર થવાનું બન્યું.આ ખનિજ તેલ સમૃદ્ધ કુંવા અને રિફાઈનરીઓ નો વિસ્તાર છે.આ લગભગ ૪૦૦ કિમી ના વિસ્તારમાં ઉતારા અને રાતવાસો યોગ્ય જગ્યાનો અભાવ હોવાથી નાના કાફેમાં,આખી રાત પાટલી પર બેસી રહીને આરામ કરવાનો અનુભવ મળ્યો. અહીં નાસ્તા પણ માંસાહારી મળતા હોવાથી કોફી સિવાય અન્ય કોઈ ખાનપાન ઉપલબ્ધ ન હતા.જો કે લોકોએ દરેક જગ્યાએ પ્રોત્સાહિત કર્યા અને આટલા લાંબા સાયકલ પ્રવાસના સાહસ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું.જ્યાં જ્યાં ભારતીય લોકો મળ્યા ત્યાં ત્યાં ભારતીય ભોજન જમાડીને આવકાર્યા.

Advertisement

આ પ્રદેશના અત્રાયુ માં આકસ્મિક એક ફોટોગ્રાફર છોકરી મળી જેના લીધે ઓઇલ રિફાઇનરી માં કાર્યરત ભારતીય યુવાનોને મળવાનું થયું અને એ લોકોએ એક હોટેલમાં ભારતીય ભોજન કરાવ્યું ત્યારે દુનિયાના કોઈપણ ખૂણે ભારતીયોના ભાઈચારાની સુખદ અનુભૂતિ થઈ.

એવરેસ્ટ વિજેતા નિશાની આ સાયકલ યાત્રામાં માર્ગદર્શક તરીકે શ્રી નિલેશ બારોટ એસ્કોર્ટ વાહન સાથે જોડાયા છે. તેમણે જણાવ્યું કે રશિયા અત્યંત ઠંડો દેશ હોવાથી અમારા વાહનનું બધું એન્જિન ઓઇલ બદલીને ત્યાંની ઠંડીમાં થીજી ના જાય એવું એન્જિન ઓઇલ પુરાવવું પડ્યું છે. અહીં ડીઝલ પણ -૩૭ સુધીના તાપમાન માં થીજે નહિ એ પ્રકારનું ઉપયોગમાં લેવાય છે. રશિયાની વોલ્ગા નદી આપણી નર્મદા જેવી લાગી એવું તેમનું કહેવું છે. રશિયાના લોકો ખૂબ સારા છે અને ઉષ્મા સાથે આવકારીને સહયોગ આપે છે એવું એમનું કહેવું છે.

Advertisement

વાહનના ઓઇલ અને ડીઝલની સાથે ગરમ કપડાં,હાથ મોજા અને પગ મોજા,બધું જ અહીંની ટાઢને અનુરૂપ બદલવું પડ્યું છે.નિશાને એવરેસ્ટ વિજય સમયે આંગળીઓમાં હિમ ડંખ થયાં હતાં જેના લીધે આટલા ઠંડા વાતાવરણ માં દુખાવો થાય છે.જો કે અહીં એક વિશેષ પ્રકારનું હેન્ડલ કવર મળે છે જેનાથી રાહત થઈ છે.

પ્રવાસ દરમિયાન વિવિધ દેશો ખાતેના ભારતીય રાજદૂતાવાસ નો પ્રોત્સાહક સહયોગ મળ્યો છે. એના પ્રવાસનો આશય હવામાન બદલાય તે પહેલાં આદત બદલો – change before climate change નો પર્યાવરણ રક્ષક સંદેશ આપવાનો છે.તેને અનુલક્ષી અગાઉ ઘણી જગ્યાએ લોક સહયોગથી વૃક્ષારોપણ કર્યું છે.કેટલીક જગ્યાઓ એ સ્થાનિક સાયકલ સાહસિકો ટૂંકા અંતર સુધી એની સાથે સાયકલ યાત્રા કરીને ઉત્સાહ વધારે છે. રશિયા માં તે અસ્ત્રાખાન થી પ્રવેશી છે અને વોલવોગ્રેડ વગેરે સ્થળો થઈને એ મોસ્કો જવાની છે.આ પ્રદેશમાં જો કોઈ ભારતીયો રહેતા હોય તો આ સાયકલ યાત્રીને નિવાસ સહિત સુવિધા સહયોગ આપે એવી અપીલ કરી છે.

Advertisement

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!