Chhota Udepur
છોટાઉદેપુરમાં બોગસ સિંચાઈ કચેરીમાં કરોડોની ઉચાપત મામલે કાગળિયા તૈયાર કરનાર વડોદરાના ભેજાબાજની અટકાયત

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુરમાંથી સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઇ હતી. કચેરી થકી કરોડો રૂપિયાનો ચુનો સરકારને ચોપડવામાં આવ્યો છે. જે મામલે ચોકસાઈપૂર્વક કાગળીયાઓ તૈયાર કરનારા માસ્ટર માઈન્ડને વડોદરાથી ઝડપી લેવામાં આવ્યો છે. તેની સઘન પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થઈ શકે છે.
તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે બે વર્ષમાં કુલ ૯૩ કામોના ૨૨ ચેકોથી અલગ અલગ તારીખોમાં કુલ રૂ. ૪.૧૫ કરોડની સરકારી ગ્રાન્ટ મેળવી મોટું કૌભાંડ કર્યું હતું. આ અંગે આઇએએસ અધિકારીની સૂચનાથી પ્રાયોજના વહીવટદાર કચેરીના જૂનિયર ક્લાર્ક જાવિદ ઇબ્રાહિમ માકણોજીયાએ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સૌપ્રથમ બોગસ સરકારી કચેરીના કૌભાંડમાં સંદિપ રમેશભાઇ રાજપૂત (રહે.ન્યાશા સ્કાયદલ, છાણી તળાવની સામે, વડોદરા) અને અબુબકર જાકીરઅલી સૈયદ (રહે.મુદ્દા કોમ્પ્લેક્સ, ઇલોરાપાર્ક)ની ધરપકડ કરી હતી.
ત્યાર બાદ મામલાની ઊંડાણ પૂર્વક તપાસ કરવા માટે એસ આઇ ટી ની રચના કરાઈ હતી. જેમાં આજે વડોદરાથી કાગળિયા તૈયાર કરનારની અટકાયત કરવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યા અનુસાર, તપાસ દરમ્યાન આરોપી અંકિતભાઇ જગદીશભાઇ સુથાર (રહે. વડોદરા માંજલપુર) (મુળ રહે,બીલીયા તા.સીધ્ધપુર જી.પાટણ) ની બપોરે ૨ વાગ્યે અટકાયત કરવામાં આવી છે. તે અબ્બુબકર જાકીરઅલી સૈયદની ઓફીસમાં ખોટા દસ્તાવેજો ટાઇપ કરી આરોપી સંદિપભાઇ નાઓની સહી કરાવી લેતો હતો. અને દરખાસ્ત લઈ છોટાઉદપુર પ્રાયોજના કચેરી ખાતે પહોંચાડતો હતો ઉપરાંત તેણે સંદીપ રાજપૂતનું આઇકાર્ડ બનાવેલ હતું