Ahmedabad

સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં વૈશાખ વદ અમાવસ્યાએ સર્જ્યો ચંદનના કલાત્મક વાઘાથી શૃંગાર, આમ્રોત્સવ તથા ૭૭ મા સ્થાપના દિનની પરમોલ્લાસભેર ઉજવણી…

Published

on

  • હિન્દુ ધર્મમાં દરેક તહેવારોનું એક આગવું મહત્વ હોય છે. બીજી બાજુ હિન્દુ ધર્મમાં દર મહિને અમાવસ્યા આવે છે અને દરેક અમાવસ્યાનું એક આગવું મહત્વ હોય છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી વચનામૃત ગ્રંથના છેલ્લા પ્રકરણના ૨૩ માં વચનામૃતમાં જણાવ્યું છે કે, ઋતુ અનુસાર ભગવાનની સેવા ચાકરી કરવી જોઈએ. તેથી ઉનાળો આવે ત્યારે ભગવાનને ગરમીમાંથી રાહત મળે અને ઠંડક પ્રાપ્ત થાય તે માટે ભગવાનને ઝીણા વસ્ત્રો ધરાવવા જોઈએ. વૈશાખ માસની અસહ્ય ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય માટે ભગવાનને ચંદનના વાઘાના શણગારથી સજાવવામાં આવે છે.
ચંદન શીતળતાનું પ્રતીક છે. પૌરાણિક કાળથી જ ભારતમાં ચંદનનું આગવું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ રહ્યું છે. ચંદનની સુગંધ અને પવિત્રતાને લઈને હજારો વર્ષોથી ઉપયોગમાં લેવાતું રહ્યું છે. વૈશાખ સુદ ત્રીજ તિથિ અક્ષય હોય છે. તે દિવસથી ચંદનયાત્રા શરૂ થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાય આ દિવસે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજને સંતો ભક્તો પોતાની વિરહાગ્નિ નિવેદન કરી અનેક પ્રકારની શીતળ સામગ્રી, ચંદન, અરગમ, કેસર, બરાસ, ગુલાબ, સુગંધી અત્તર, ફૂલેલ વગેરે વસ્તુઓનો લેપ ભગવાનના અંગો ઉપર કરી કલાત્મક વાઘા ધરાવે છે. અને સૌ સંતો ભક્તો દર્શન કરી આધ્યાત્મિક શીતળતા અને શાંતિ અનુભવે છે.

  • શ્રીજીમહારાજ સમકાલિન શીઘ્ર કવિ સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીજી કહે છે કે,
  • ચંદન ખોર કીયે આવત હરિ….
  • સાથે જ સખા મંડળ અતિ શોભિત, કરમેં રૂમાલ લીયે…

મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજને ચંદનના કલાત્મક વાઘા ધરાવવામાં આવ્યા હતા. ઉનાળાની ગરમીને કારણે વર્ષોથી ગરમીમાં ખાસ કરીને અખાત્રીજના દિવસે વૈશાખ સુદ-વદની એકાદશી, પૂર્ણિમા તેમજ અમાસના પાવન દિને પૂજારી સંતો દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં શ્રી હરિજીને વર્ષોથી ચંદનના વાઘા ધરાવવામાં આવે છે.

આજે વૈશાખ વદ અમાવસ્યા છે. ભૂમંડળસ્થિત તીર્થોત્તમધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિર તથા દેશ-વિદેશમાં દર મહિનાની અમાસના દિવસે શ્રી સદ્ગુરુ દિનની ઉજવણી કરવામાં આવે છે. આજથી ૭૭ વર્ષ પૂર્વે શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ કચ્છના ઘનશ્યામનગર મુકામે તારીખ ૩૦ – ૦૫ -૧૯૪૬ ને ગુરુવારના રોજ “શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ”ની સ્થાપના કરી હતી. જેને આજે જ ૭૭ વર્ષ પૂર્ણ થયાં છે. ૭૭ વર્ષ પહેલાં આજના જ દિવસે કચ્છના ગામેગામના હરિભક્તો ભેગા થયા હતા. સ્વામીબાપાએ શ્રી સદ્ગુરુ દિનની સત્સંગ સભા અને દિવ્ય સમૂહ રાસનું આયોજન કર્યું હતું. રાબેતા મુજબ ધૂન્ય, કીર્તન તથા ધ્યાન પછી કથાવાર્તા અને પ્રાસંગિક પ્રવચનો થયાં. તેમાં તાજેતરમાં દહીંસરાના મંદિરેથી જાકારો મળ્યો તે પ્રસંગે અનેક ભક્તોએ અંતરની વ્યથા ઠાલવી. ભક્તોની વ્યથાનો સૂર સાંભળીને જીવનપ્રાણ શ્રી મુકતજીવન સ્વામીબાપાએ જણાવ્યું કે, આપણે નવસર્જનનો માર્ગ અપનાવવો પણ કોઈની નિંદા, ટીકા-ટિપ્પણીમાં સમય બરબાદ કરવો નહીં. સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને પ્રબોધેલા અને જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીએ ચીંધેલા સિદ્ધાંતો અને ભક્તિનો માર્ગ જ આપણે ગ્રહણ કરવો.

શ્રી સ્વામિનારાયણ ભગવાને ગઢડા મધ્ય પ્રકરણ ૫૪ મા‌ વચનામૃતમાં કથાવાર્તા – સત્સંગે કરીને હું વશ થાઉં છું તેમ જણાવ્યું છે. સત્સંગ કરીને ભગવાનનો મહિમા, નિષ્ઠા, ઉપાસના વગેરે તથા સ્નેહ, સંપ, સંગઠનમાં વૃદ્ધિ થાય તે આપણે કરવું. આ લક્ષ્ય સિદ્ધ કરવા ગામોગામ મંડળોની રચના કરવી અને ભજન ભક્તિ કથાવાર્તાના અખંડ અખાડા ચલાવવા. જ્યાં મંડળ હશે ત્યાં સંગઠન થશે અને સ્નેહ, સંપ વધશે, સહનશીલતા તથા સદ્ભાવમાં વૃદ્ધિ થશે.

Advertisement

ભૂમંડળસ્થિત તીર્થોત્તમધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં બિરાજમાન અધિષ્ઠાતા ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજને પરંપરાગત વસ્ત્ર પરિધાનને બદલે ઋતુ અનુસાર શીતળતા ઠંડક માટે વૈશાખ વદ અમાવસ્યાના પરમ પાવન દિને કલાત્મક ડીઝાઇન યુક્ત ચંદનના વાઘા – શણગાર પૂજનીય સંતોએ ધારણ કરાવ્યા હતા. વળી, આમ્રોત્સવ પણ કરવામાં આવ્યો હતો. “શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ”ના ૭૭ મા સ્થાપના દિને શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ચંદનના મનોરમ્ય વાઘા – શણગાર ધારણ કરીને દર્શન દાન અર્પતા મહાપ્રભુજી શ્રી હરિકૃષ્ણ મહારાજ સમક્ષ પૂજન – અર્ચન કરી અને પ્રાર્થના કરી હતી. વળી, પરમ પૂજય આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે અવિસ્મરણીય ચંદનના કલાત્મક શણગારમાં અભયદાન અર્પતા શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજની આરતી ઉતારી હતી. શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરથી લાઈવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ પરમઉલ્લાસભેર કર્યા હતાં.

Advertisement

Trending

Exit mobile version