Gujarat

વડોદરા શહેરની વિવિધ ૨૧૪ સરકારી જમીનોના આલ્બમ બનાવી દસ્તાવેજીકરણ કરાયું

Published

on

રાજ્યમાં પ્રથમ વખત વડોદરા કલેક્ટર તંત્ર હસ્તકની તમામ સરકારી જમીનોનો સર્વે કરી આલ્બમ બનાવવાની કામગીરી
વડોદરા શહેર અને તેની આસપાસ આવેલી સરકારી જમીનમાં થતાં દબાણો અટકાવવા માટે કલેક્ટર તંત્ર દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે અને અત્યાર સુધીમાં ૨૧૪ જેટલા સર્વે નંબરમાં આવેલી સરકારી ખરાબાની જમીનનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. મહત્વની વાત તો એ છે કે, રાજ્યમાં પ્રથમ વખત આ તમામ સરકારી જમીનોની સ્થળ સ્થિતિ અંગેના નકશા સાથે આલ્બમ બનાવવામાં આવ્યા છે.
સરકારી જમીનોનું પદ્ધતિસરનું દસ્તાવેજીકરણ કરવા માટે કલેક્ટર શ્રી અતુલ ગોર દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેને પગલે નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ દ્વારા વડોદરા શહેર અને જિલ્લાના પ્રાંત અધિકારીઓ તથા મામલતદારોને સરકારી જમીનોના સર્વે કરવા માટે જણાવવામાં આવ્યું હતું. મામતલદારો અને મહેસુલી કર્મચારીઓ દ્વારા સરકારી ખરાબાની જમીન અંગે સર્વે આદરવામાં આવ્યો હતો.

આ સર્વેની અદ્યતન સ્થિતિ મુજબ વડોદરા શહેરની ચારેય મામલતદાર કચેરી દ્વારા ૨૧૪ જેટલા સર્વે નંબરના આલ્બમ બનાવવામાં આવ્યા છે. જેમાં કુલ ૩૯૧ હેક્ટર જમીનનો સમાવેશ થાય છે. મામલતદાર ઉત્તરમાં ૨૬ સર્વે નંબરમાં ૯૫ હેક્ટર, દક્ષિણમાં ૩૨ સર્વે નંબરની ૮૧ હેક્ટર, પૂર્વમાં ૪૨ સર્વે નંબરની ૬૮ હેક્ટર તથા પશ્ચિમ મામલતદાર દ્વારા ૧૧૪ સર્વે નંબરની ૧૪૭ હેક્ટર જમીનનો સમાવેશ થાય છે. સૌથી વધુ પશ્ચિમ મામલતદાર મનોજ દેસાઇ અને તેમની ટીમ દ્વારા ૧૧૪ જેટલા જુદા જુદા સર્વે નંબરનો સર્વે કરવામાં આવ્યો છે.

Advertisement

તમામ સર્વે નંબરનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દસ્તાવેજી કરવામાં આવ્યું છે. તેમાં સ્થળ સ્થિતિ, નકશા સાથેના આલ્બમ તૈયાર કરવામાં આવ્યા છે. આ આલ્બમના આધારે રાજ્ય સરકારની કિંમતી જમીનની માહિતી સરળતાથી ઉપલબ્ધ થઇ જશે, તથા ભવિષ્યમાં સંદર્ભ માટે કામ આવશે. ઉપરાંત, આ સરકારી જમીન ઉપર ફેન્સિંગ કરવાની કામગીરી પણ આયોજન હેઠળ છે.
સર્વે ઉપર સરકારી જમીનો ઉપર થયેલા દબાણો પણ તબક્કા વાર દૂર કરવામાં આવી રહ્યા છે. વડોદરાના સીટી સર્વેગ્રામ્ય વિસ્તારમાં આવેલી સરકારી જમીનમાંથી કુલ રૂ. ૧૬૫ કરોડ કરતા પણ વધારે કિંમતની જમીન ખાલી કરાવવામાં આવી છે. જેમાં પરશુરામ ભઠ્ઠા (સીટી સર્વે નં.૨) વિસ્તારમાંથી રૂ. ૭૩.૩૫ કરોડની ૧૭,૪૬૬ ચો. મી., દંતેશ્વર (સીટી સર્વે નં.૪) વિસ્તારમાંથી રૂ. ૮૦.૪૮ કરોડની ૧૬,૦૯૬ ચો. મી., વડોદરા કસ્બા (સીટી સર્વે નં. ૩) વિસ્તારમાંથી રૂ. ૫.૦૭ કરોડની ૧૦૧૫ ચો. મી., પાદરા તાલુકાના વડુ વિસ્તારમાંથી રૂ. ૪.૭૫ કરોડની ૨૩,૭૮૩ ચો. મી. અને સાવલી તાલુકાના ગુલાબપુરા વિસ્તારમાંથી રૂ. ૧.૩ કરોડની ૬૪,૬૪૯ ચો. મી. ખુલ્લી કરાવવામાં આવી છે.

Advertisement

Trending

Exit mobile version