Chhota Udepur
અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાશે

પ્રતિનિધિ, કાજર બારીયા
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી છોટાઉદેપુરના સંયુકત ઉપક્રમે છોટાઉદેપુર જિલ્લામાં અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે વકતૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા યુવા વિકાસ અધિકારી, છોટાઉદેપુર તરફથી મળતી વિગતો અનુસાર અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત અરવિંદ ઘોષના જીવન કવન પર આધારિત વકતૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધા બે વયજૂથમાં યોજવામાં આવશે. “અ” વિભાગમાં ૧૫ વર્ષથી ઉપર અને ૧૯ વર્ષ સુધીના સ્પર્ધકો ભાગ લઇ શકશે. જયારે “બ” વિભાગમાં ૧૯ વર્ષથી ઉપરના અને ૩૫ વર્ષ સુધીના સ્પર્ધકો ભાગ લઇ શકશે. આ સ્પર્ધા પ્રથમ જિલ્લા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા પ્રથમ નંબરના વિજેતા રાજયકક્ષાએ ભાગ લઇ શકશે.
પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા ૧૫ થી ૧૯ અને ૧૯ થી ૩૫ વર્ષ સુધીના યુવક યુવતિઓએ પોતાનું ફોર્મ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, એફ-૫, પ્રથમ માળ, જિલ્લા સેવાસદન, છોટાઉદેપુર ખાતેથી મેળવી ૧૬મી, જાન્યુઆરી ૨૦૨૩ સુધીમાં જમા કરાવવાનું રહેશે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી દિપીકાબેન રાણા તરફથી જણાવાયું છે.