Chhota Udepur
મમતા અભિયાન કેમ્પમાં ૧૬ ગામની ૧૨૦ જેટલી સગર્ભા મહિલાઓના વિવિધ ટેસ્ટો કરાયા
પ્રતિનિધિ, કાજર બારીયા
પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મમતા અભિયાન કેમ્પમાં ૧૬ ગામની ૧૨૦ જેટલી સગર્ભા મહિલાઓના વિવિધ ટેસ્ટો કરી કાળજી લેવામાં આવી હતી.
પાવીજેતપુર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિકાસ રંજનના જણાવ્યા મુજબ ૧૭ એપ્રિલના રોજ પાવીજેતપુર સામૂહિક એરોગ્ય કેન્દ્ર ખાતે મમતા અભિયાન કેમ્પ, નિરામય ગુજરાત અંતર્ગત સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ મમતા અભિયાન કેમ્પમાં સુસ્કાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ૪૦, મોટી આમરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ૪૦ તેમજ ચુડેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ૪૦ મળી કુલ ૧૨૦ જેટલી સગર્ભા મહિલાઓને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તેમજ ખીલખીલાટ દ્વારા લાવી જરૂરી સારવાર આપી ટેસ્ટો કરી પોતાના ઘર સુધી પરત મૂકવામાં આવ્યા હતા.
આ સમયે પીએચસી તેમજ સી.એચ.સી. ના મેડિકલ ઓફિસરો દ્વારા સગર્ભા મહિલાઓને વાત્સલ્ય કાર્ડ બનાવીને, સગર્ભા માતાના લોહીની તપાસ કરીને, આરબીએસ યુરિન સિકલસેલ વજન, ઊંચાઈ તેમજ બીપી ની તપાસ, દાંતના ડોક્ટર દ્વારા દાંતની તપાસ, ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પ દરમિયાન ક્ષય રોગ ( ટીબી ) માટે ગળફાની તપાસ કરી સગર્ભા માતાઓને ઘરે મૂકવામાં આવ્યા હતા.
સામાન્ય રીતે પ્રસુતિ દરમિયાન માતા તેમજ બાળકોનું સગર્ભા મહિલાઓની કાળજી લેવામાં ન આવતા ક્યારેક મૃત્યુ થઈ જાય છે. આવી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સરકાર દ્વારા મમતા અભિયાન કેમ્પનું સુંદર આયોજન પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવ્યું હતું જેમાં ૧૬ ગામની ૧૨૦ જેટલી સગર્ભા મહિલાઓએ લાભ લીધો હતો.