Chhota Udepur
વાવડી અને તંબોલિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને તેમની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે કેન્દ્ર-રાજ્ય સરકારની અનેકવિધ ફ્લેગશીપ યોજનાઓ અમલી બની છે. ત્યારે આ યોજનાનો લાભ છોટાઉદેપુર જિલ્લાના પ્રત્યેક ગ્રામજનોને મળી રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ ભ્રમણ કરીને વંચિત લાભાર્થીઓને સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભ પહોંચાડી રહી છે.
વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહેલી આ સંકલ્પ યાત્રા પાવી-જેતપુર તાલુકાના વાવડી અને તંબોલિયા ગામે પહોંચતા ગુજરાત રાજયકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડની પ્રેરક ઉપસ્થિત નોંધાવી હતી. મંત્રીની પ્રેરણાદાયી ઉપસ્થિતમાં ગ્રામજનોએ આધુનિક રથનું ફુલો અને અક્ષતથી ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોએ સરકારની લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી, આદિવાસી સમુદાય અને ગ્રામીણ વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યો અને ઉપલબ્ધીઓ વર્ણવતી શોર્ટ ફિલ્મ નિહાળીને ભારત દેશને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક શપથ લીધા હતા.
આ પ્રસંગે મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે, આ સંકલ્પ યાત્રા ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવા માટે આદિવાસી સમુદાય અને ગ્રામીણ વિકાસને સુનિશ્ચિત કરવું જરૂરી છે. માટે દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવીને ઘર-ઘર અને જનજન સુધી સરકારની લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભ પહોંચાડીને ગરીબ અને મધ્યમવર્ગના સર્વાંગી વિકાસની દિશામાં સરાહનીય પહેલ કરી છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રત્યેક યોજનાઓની માહિતી છેવાડાના માનવીના ઘરઆંગણ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા બદલ મંત્રીએ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી. મંત્રીએ ઉમેર્યું કે, આજે લોકોના પાકા મકાનના સપનાને સાકાર કરતી પ્રધાનમંત્રી આવાસ યોજના, પરિવારમાં કોઈ બીમાર પડે ત્યારે સગાસંબંધીઓ પાસે હાથ લંબાવવો ન પડે માટે આરોગ્યની ચિંતા કરી આયુષ્માન કાર્ડ યોજનાની ભેટ તેમજ ખેડૂતોને દવા, બિયારણ માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સહિત વિવિધ યોજનાઓથી લોકોન જીવનશૈલીમાં આમુલ પરિવર્તન આવ્યું છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપસ્થિત નાગરિકોને સરકારની અનેકવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લઈને વિકસિત ભારતના નિર્માણમાં પોતાની બહુમૂલ્ય ભૂમિકા અદા કરવા આહવાન કર્યું હતું.તેમણે ગં.સ્વ મહિલાઓને મળતી વિધવા પેન્શ ન યોજનાની માહિતી આપી મહિલાઓને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
સરકારની અનેકવિધ યોજનાઓ થકી છેવાડાના માનવી પણ લાભાન્વિત થઈને પોતાના પરિવારના જીવનશૈલીમાં બદલાવ લાવ્યા છે. આ પ્રસંગે યોજનાના લાભાર્થીએ મેરી કહાની, મેરી જુબાની થીમ હેઠળ યોજનાના લાભાર્થીઓએ યોજનાકીય લાભ સાથે સ્થાનિકોને પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે નાગરિકોએ નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો. ઉપરાંત આંગણવાડી કેન્દ્ર દ્વારા ઉભા કરાયેલા સ્ટોલ થકી અંગણવાડીની બહેનોએ વાનગી નિદર્શન થકી મિલેટ્સમાંથી તૈયાર કરેલી વિવિધ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાની પદ્ધતિ વિશે ગ્રામજનોને માહિતગાર કર્યા હતા.
આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા-તાલુકાના અગ્રણીઓ, પદાધિકારીઓ તથા આંગણવાડી કાર્યકર બહેનો, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.