Gujarat
ગ્રામજનોની જાણ બહાર ગ્રામસભા પતાવી “છલ” કરનાર પાલ્લા સરપંચ અને તલાટી વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ
પાલ્લા ગ્રામ પંચાયતે ગ્રામજનોને કાનોકાન ખબર ન પડે તે રીતે ગ્રામસભા પતાવી દેતા લોકોએ વાંધો ઉઠાવ્યો ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામે ગત જુલાઈ મહિને ગ્રામજનોની જાણ બહાર ગ્રામસભા યોજાઈ હોવાથી ગામના જાગૃત નાગરિકે ગ્રામસભા સામે વાંધો ઉઠાવી ગ્રામસભા ફરીથી કરવામાં આવે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરતી અરજી તાલુકા વિકાસ અધિકારીને આપી હતી ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામે રહેતા અર્જુનભાઈ રાઠવાએ ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારીને પાલ્લા ગ્રામ પંચાયત સામે વાંધો દર્શાવતી અરજી આપી હતી જેમાં ગત જુલાઈ મહિનામાં ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનોને યોગ્ય સમયે જાણ કરવામાં ન આવતા કેટલાક જાગૃત યુવાનો પોતાના મુદ્દા ગ્રામસભામાં રજૂ કરી શક્યા ન હતા તેમજ ગામના નાગરિકોને અંધારામાં રાખી ઓફિસના ચોપડામાં નોંધ કરી બારેબાર ગ્રામસભા પતાવી દેતા ગ્રામજનો ગ્રામસભામાં ભાગ લઈ શક્યા ન હતા અને તેમના સૂચનો પણ રજૂ કરી શક્યા ન હોય ગ્રામજનોએ ગ્રામસભા ફરીથી બોલાવામાં આવે તેવી માંગણીકરવામાં આવી છે
પાલ્લા ગ્રામ પંચાયતમાં જે પ્રમાણે ગ્રામસભા માત્ર ચોપડા ઉપર નોંધાઈ તેમજ ગામના કેટલાક વિકાસના કામો માત્ર ચોપડે નોંધાયેલા છે અને જે કામો થયા છે તેમાં ગેરરીતિ થઈ હોવાની લોકબુમ ઉઠવા પામી હતી. આ મુદ્દાઓને લઈ ગામના જાગૃત યુવાનો ગ્રામ સભામાં અધિકારી સામે રજૂઆત કરી તેના પુરાવા અધિકારીને આપવાના હોવાની ચર્ચા ગામમાં ફેલાતા સરપંચ તથા તલાટી કમ મંત્રી દ્વારા કોઈ વિવાદ ન થાય. અધિકારી અને ગામ લોકો સામે ગ્રામ પંચાયતની પોલ ન ખુલે તેમાટે ગ્રામજનોને ગ્રામસભાથી વંચિત રાખ્યા હતા. ગ્રામસભા એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે જેમાં સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક અને જનહિતમાં હોવી જોઈએ જેમાં દરેક નાગરિકને પોતાના વિચારો તથા સમસ્યાઓ રજૂ કરવાનો મોકો મળવો જોઈએ પંચાયતી ધારા મુજબ ગ્રામસભાની જાણ અગાઉથી ઢંઢેરા રૂપી ગ્રામજનોને કરવાની હોયછે તેમજ ગામનો એજન્ડા ગામમાં ફેરવવો જોઈએ પરંતુ ગ્રામજનોને અંધારામાં રાખી ગ્રામસભાના નામે જવાબદાર પંચાયત તંત્રએ કુલડીમાં ગોળ ભાંગી ગ્રામસભા લોકોની જાણ બહાર પતાવી દેતા ગામના જાગૃત નાગરિકે આ બાબતોનો વિરોધ દર્શાવી ગ્રામસભા બીજીવાર ગ્રામજનોની હાજરીમાં થાય તેમજ અગાઉની ગ્રામસભા ચોપડા ઉપર પતાવનાર જવાબદાર અધિકારી તથા સરપંચ સામે યોગ્ય કાર્યવાહી કરવા લેખીત રજૂઆત તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી