Ahmedabad
વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસરમાં અનંત શ્રી વિભૂષિત જગતગુરુ સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજની શુભેચ્છા મુલાકાત…

સામ્પ્રત સમયે આપણો ભાગ્યશાળી ભારત રાષ્ટ્ર રામલલાના રંગે રંગાઈ રહ્યો છે અને ૨૦૨૪ જાન્યુઆરીની ૨૨ તારીખના મંગલ મૂહુર્તમાં આપણા રામલલા – મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી ભવ્ય અને નવ્ય મંદિર મહેલમાં બિરાજમાન થવાના છે. સદીઓથી સૌ આર્યભક્તો – સનાતન ધર્મીઓની પ્રાર્થના સ્વીકારાઈ છે.
અને ખાસ કરીને બધાયનો જે સમૂહ બળ – સંઘે શક્તિ કલયુગે… એ ન્યાયે એમાં મોટો ફાળો છે આપણા સનાતનીય ધર્મચાર્યો અને આપણા બાહોશ, બહાદુર, ધર્મવીર અને શૂરવીર એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો.
તો આ પ્રસંગને અનુલક્ષીને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસર – અમદાવાદ ખાતે આપણા મહાન સંત અનંત શ્રી વિભૂષિત તુલસી પીઠાધીશ્વર, જગતગુરુ રામાનંદાચાર્ય પરમ પૂજય સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજ પધારતા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહંત શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી તથા અન્ય પૂજનીય સંતો અને ટ્રસ્ટી મંડળ તેમજ હરિભક્તોએ તેઓશ્રીને પરમ ઉલ્લાસભેર પ્રેમથી આવકાર્યા હતા.
સ્વામી રામભદ્રાચાર્યજી મહારાજનો એ જ સંકલ્પ હતો કે વિશ્વમાં શાંતિ પ્રસરે, સૌ સુખચેનથી જીવન જીવે. એ માટે “વિશ્વ શાંતિ” અંકિત અનેક ફુગ્ગાઓને આકાશમાં મુક્ત કરાયા હતા. સહુ કોઈએ બહુ જ પ્રેમથી આદર ભાવથી અવિસ્મરણીય અવસરનો લહાઐ લીધો હતો.