Ahmedabad
વિશ્વશાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસર – અમદાવાદના ૩૩ મા વાર્ષિક પ્રતિષ્ઠોત્સવની ઉજવણી
(અવધ એક્સપ્રેસ દ્વારા)
વિશ્વશાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર – ઘોડાસર, અમદાવાદ એટલે ગુરુશિષ્યના પ્રેમનું પ્રતીક. નિશદિન શાંતિ અર્પતું સ્થાન એટલે શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર – વિશ્વ શાંતિ કેન્દ્ર. સ્મૃતિ મંદિર એક દર્શનીય, રમણીય યાત્રાનું ધામ છે. શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ આચાર્ય વિશ્વવાત્સલ્યમહોદધિ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ઈ.સ. ૧૯૯૧ ના ભાદરવા વદ ચૌદશના દિવસે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજી સ્વયં મૂર્તિ જીવનપ્રાણ અબજી બાપાશ્રી તથા સાર્વભૌમ નાદવંશીય પરંપરાને સ્મૃતિ મંદિરમાં બિરાજમાન કરી આત્યંતિક મોક્ષનું સજીવન તીર્થ કર્યું.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર – ઘોડાસર, અમદાવાદના ૩૩ મા વાર્ષિક પ્રતિષ્ઠોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. સર્વ પ્રથમ ધ્યાનસ્થ ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાનું જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે જનમંગલસ્તોત્રોચ્ચાર પૂર્વક પૂજન, અર્ચન, પુષ્પહાર અર્પણ કરી અન્નકૂટ ધરાવી પાટોત્સવની આરતી ઉતારી હતી. ત્યાર બાદ વિશ્વશાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસર – અમદાવાદના નિર્માતા શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના પંચમ વારસદાર વેદરત્ન પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજનું પૂજન અર્ચન કરી અન્નકૂટ ધરાવીને આરતી ઉતારી હતી. મંદિરમાં બિરાજમાન સર્વાવતારી શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનું ષોડશોપચારથી પૂજન, અર્ચન કરવામાં આવ્યું. સંતો ભક્તો દ્વારા તૈયાર થયેલ વિવિધ પ્રકારના પકવાનો, વ્યંજનો, ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોસ્ય આદિનો અન્નકૂટ મહાપ્રભુને ધરાવી જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે તથા સંતો ભક્તોએ આરતી ઉતારી હતી.
આ પાવનકારી અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, સ્મૃતિ મંદિરનું નામ આવતાં ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પરમ સ્મૃતિ થાય. વિશ્વભરમાં સ્મૃતિ મંદિર શાંતિનું કેન્દ્ર છે, જેના પ્રાંગણમાં પગ મૂકતાંની સાથે જ અંતરમાં શાંતિનો શેરડો પડે છે. સ્મૃતિ મંદિરનું નામ આવતાં સ્વામીબાપા તેમજ વેદરત્ન આચાર્ય સ્વામીશ્રી મહારાજના અંતિમ સંસ્કારની પુણ્ય સ્મૃતિ થઈ આવે. સ્મૃતિ મંદિર એવું ગુરુભક્તિનું એક અલૌકિક નજરાણું છે, જેને કોઈ ઉપમા ન આપી શકાય. જ્યારથી સ્વામીબાપાનો અંતિમ સંસ્કાર વિધિ ત્યાં કરવામાં આવ્યો અને મંદિરનું કામકાજ ચાલતું હતું તે પૂર્વે અને પ્રતિષ્ઠા થઈ ત્યારબાદ પણ ત્યાં અખંડ દીપની જ્યોત પ્રગટે છે. જે કોઈ ભક્તોની અંતરકામના હોય તે શ્રદ્ધાળુઓ સ્મૃતિ મંદિરના દર્શનનો નિયમ રાખે છે. અખંડ જ્યોતમાં ઘી પૂરે છે, તેમના સંકલ્પો આજ દિન સુધી સ્વામીબાપાએ પુરા કર્યા છે. આજે પુરા કરી રહ્યા છે અને એમની અસીમ કૃપા છે કે ભવિષ્યમાં પણ પુરાં કરશે. આવું અદ્વિતીય સ્મૃતિ મંદિર ગુરુભક્તિનું નૌતમ નજરાણું, સર્વેને શાંતિ આપનારું છે. આવા અણમોલ અવસરનો લ્હાવો દેશ વિદેશના હજારો હરિભક્તોએ હર્ષોલ્લાસભેર લીધો હતો.