Ahmedabad
આકરણી ન કરવા વોર્ડ ઇન્સ્પેક્ટરે 10 હજારની લાંચ માગી, ACBએ લાંચીયા સંજય પટેલને રંગેહાથ ઝડપી લીધો
અમદાવાદના આંબાવાડી ભુદરપુરા રોડ પર આવેલા અશ્વમેઘ એલિગન્સ પાર્ટ-1માં ઓફિસ ભાડે રાખનારા નાગરિક પાસે એએમસીના વોર્ડ ઈન્સ્પેક્ટર સંજય પટેલે લાંચ માગી હોવાની ફરિયાદ આવી હતી. ભાડે રાખેલી ઓફિસનો વર્ષ 2024-25નો પ્રોપર્ટી ટેક્સ ફરિયાદીએ ભરવાનો બાકી હતો. પ્રોપર્ટી ટેક્સની ભાડુઆત તરીકેની આકારણી નહીં કરવા આક્ષેપિત સંજય પટેલે પ્રથમ 10 હજારની લાંચ માગી હતી. રકઝકના અંતે 9 હજાર રૂપિયા લાંચ લેવા માટે સંજય પટેલ તૈયાર થયા હતા.
એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં સંજય પટેલ રૂપિયા 9 હજારની લાંચ સ્વીકારતા ઝડપાઈ જતા લાંચની રકમ કબજે લઈ તેમની ધરપકડ કરવામાં આવી છે. લાંચ કેસમાં ઝડપાયેલા સંજય પટેલ વર્ષ 2012માં જુનિયર ક્લાર્ક કમ વોર્ડ ઈન્સ્પેક્ટર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી લાગ્યા હતા. 8 વર્ષ સુધી તેમણે ગીતા મંદિર પાસે આવેલી જન્મ-મરણ અને લગ્ન નોંધણીની કચેરીમાં ફરજ બજાવી હતી. વર્ષ 2021થી સંજય પટેલ પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ફરજ બજાવે છે અને હાલ રૂપિયા 54 હજાર માસિક પગાર મેળવે છે. સંજય પટેલ સામે લાંચ કેસની ફરિયાદ આપનારા જાગૃત્ત નાગરિક અગાઉ પણ એએમસીના એક ભ્રષ્ટાચારી બાબુ સામે અરજી કરી લડત આપી ચૂક્યા છે.