Editorial

માં તું આટલું બધું દુઃખ સહન શું કરવા કરે છે ? – શૂચિ

Published

on

રાતના એક વાગવા આવ્યો હતો. અંધકારના ઓળા પણ જાણે શૂચિના દુઃખે ઝૂરાતા હતા ! ગમગીનીને ઠોકર મારતી હોય એમ શૂચિની બાર વરસની દીકરી મીનુ બોલી ઉઠી,” માં તું આટલું બધું દુઃખ સહન શું કરવા કરે છે ? ચાલને ! કાલ સવારે જ મામાના ઘરે હંમેશને માટે ચાલ્યા જઈએ ? બાપુએ તને ત્રીજી વખત માર માર્યો. મારાથી હવે સહન નથી થતું !” પોતે મીનુને સમજાવવા ઘણી મહેનત કરી પણ મીનું હતી તે એકની બે ના થઈ. એવામાં વળી પાછો તેનો પતિ માં-દિકરીની વાત સાંભળી જતાં ફરી પાછો દારુમા લવારા કરતો શૂચિ ઉપર હેવાનની માફક ટૂટી પડ્યો. આ વખતે તો એના હાથમાં ક્યાંકથી ધોકા જેવું લાકડું હાથમાં આવી જતા શૂચિને ત્રણ ચાર વાળી દીધાં. બિચારી શૂચિ મારથી બચવા માટે હાથ આડો કર્યો તો ધોકો હાથ પર વાગતાં જમણો હાથ ફ્રેકચર થઇ ગયો. હવે તો શૂચિની ધીરજે જવાબ દઈ દીધો. આમેય પોતાની દિકરી અહીંયા રહેવા માંગતી નથી. તેણે મનોમન નક્કી કરી લીધું કે હવે અહીંયા ઝાઝું રહેવામાં જીવનું જોખમ છે.

આખી રાત દુઃખના દાવાનળમાં શેકાતી તેણી શીશકારા તાણી તાણી રાત વીતાવી. સાવારમાં મોંસુઝણુ થાય એના પહેલાં પોતાના દુઃખોની ગાંસડી બાંધતી હોય એમ કપડાંની ગાંસડી બાંધી, અંધકારના ગોટા હડસેલી મીનુંને લઈ પીયર જવા ચાલી નીકળી. સતત બે ત્રણ કલાકની જહેમત બાદ તે પોતાના પીયરે આવી પહોંચી. ગામમાં વળતાં જ તેને ચહેરા પરની ચાડી ખાતી માયૂસીને પાદરાના વડલે જ ખંખેરી અને બનાવતી ખૂશીનો મુખવટો ધારણ કરી લીધો. જોનારને તો લાગે જ નહીં કે તે આ રીતે આવી હશે. ઘરે પહોંચતા જ જોયું તો તેનો ભાઈ પોતાની પત્ની, અને બાબા સાથે બેસી આનંદથી ચા નાસ્તો કરતો હતો. પોતે આનાકાની કરતો હતો છતાં તેની પત્ની એને પરાણે નાસ્તો કરાવતી હતી. શૂચિ આ બધું અધખુલ્લા બારણા આગળ ખડા પગે જોઈ રહી હતી. પાસે આંગળી ઝાલી ઉભેલી મીનું પણ આ દ્રશ્ય જોઈ રહી હતી. શૂચિ મનોમન વિચારતી હતી કે કેવો સુખી સંસાર છે મારા ભાઈનો ! કેટલા એકબીજાને ચાહે છે ! અને એક મારો સંસાર છે જ્યાં આવા સુખ કે આનંદનું દૂર દૂર સુધી ક્યાંય નામોનિશાન નથી.

Advertisement

મનમાં કંઈક ગાંઠ વાળતી હોય તેમ તે ત્યાંથી પાછી વળી ગઈ. મીનુંના આશ્ચર્ય વચ્ચે શૂચિ કોઈ જુએ નહીં એમ બિલ્લી પગે ગામની બહાર નીકળી ગઈ. મીનુને કંઈ સમજાતું નહોતું. છેવટે તેણે પુછી જ લીધું, ” કેમ માં તું પાછી વળી ગઈ. છેક મામાના ઘરે પહોંચ્યા હતા છતાં પણ ઘરમાં પણ ના ગઈ ? અરે ! મામા ને પણ ના મળી ? ચાલને પાછાં જઈએ અને મામાને બધી હકીકત કહી દઈએ ? ચાલને માં…..?? મીનુંનો એક એક શબ્દ તીક્ષ્ણ હથિયાર ની જેમ શૂચિનુ હૈયું છન્ની કરી રહ્યા હતા. પોતાની દીકરીના શબ્દોને આંસુડે ટાઢાબોળ કરતી શૂચિ ધ્રુજતા કંઠે બોલી, ” તું કહે છે એવું કેમ કરીને ડગલું ભરુ દિકરી ? હું મજધારે ફસાયેલી એવી નાવ છું,જે ડુબી પણ શકતી નથી કે કિનારે પણ જઈ શકતી નથી.” એમ બોલતાં તો શૂચિ ઢગલો થઇ પડી.

પોતાની માંની રેલાતી આંખો લૂછતાં મનુ પુછી બેઠી,

Advertisement

” કેમ માં ? તારી એવી તે શું મજબુરી છે ? જેના લીધે તું આટલા આપમાન અને માર સહે છે ? ”

” બેટા એ તને નઈ સમજાય, તને ક્યાં ખબર છે ? અહીંયા તો સ્ત્રી હોવું એજ જાણે ગુનો છે ! ” શૂચિ પોતાનું દુઃખ શબ્દો રૂપે ઠાલવતી હતી. એક ડૂસકું ભરી ફરી તે બોલી, “તું જાણે છે મીનુ ? મામા અને હું સાટામાં પરણેલા છીએ, તારા મામા અને મામી એકબીજા સાથે ખૂબ સુખી છે, હવે હું રીસાઈને મામાના ઘરે ચાલી જાઉં તો તારી મામીને પણ દુઃખ તો થાય જ ને ? અને તારા બાપુને તો તું જાણે જ છે, હું એવું કરું તો બીજા જ દિવસે દારૂ પી અને ત્યાં પણ આવી જાય અને તારી મામીને બળજબરીથી અહીં લઈ આવે, મારા દુઃખે મારા ભાઈનો સંસાર મારા જ હાથે પીંખાઈ જાય ! મહાભારતમાં અભિમન્યુને જેમ પોતાના જ ભાઈઓએ ચક્રવ્યૂહમાં ફસાવ્યો હતો એમ હું પણ પોતિકાઓ વચ્ચે ઘેરાઈ ગઈ છું, મારા ચાહવા છતાં પણ એને વીંધી શકાય એમ નથી.” માંની વાત સાંભળી મીનુ પણ ઉભરાતી આંખે માં ને બાઝી પડી. ઉભરાતી આંખો ના ખારાઉશ આંસુડાં મીનુંના ખભે અડક્યા, જાણે પૂછતાં હતાં કેટલી દિકરીઓ રોજ આવા ચક્રવ્યૂહમાં પીસાતી હશે કોને ખબર ?

Advertisement

લેખક :- વિજય વડનાથાણી.

Advertisement

Trending

Exit mobile version