Surat
સુરત માં પ્લેન લેન્ડિંગ કરતી વખતે ફરી ટેકઓફ કરી એન્જિનનો પાવર વધારી દેતા લોકો ના જીવ અધ્ધર

(સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત)
સોમવારે બપોરે 12:46 કલાકે હૈદરાબાદથી સુરત આવેલી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટનાં પાયલોટે વિમાન સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કરવાની જાહેરાત કરી પછી ફરી ફ્લાઈટને ટેક ઓફ કરવાનો નિર્ણય લીધો હતો.પેસેન્જર્સ એરપોર્ટની ખૂબ નજીક આવી ગયેલાં વિમાનને ફરી ઊંચાઈ પકડતાં જોઈ મૂંઝાયા હતાં. બીજી તરફ ફ્લાઈટને ફરી ઊંચે લેતી વખતે એન્જીનનો પાવર વધારાતા વિમાનની ઘરરાટી અત્યંત તેજ થતાં જ વેસુ વિસ્તારમાં રહેતા લોકો પણ ફફડી ઉઠ્યા હતાં. સોમવારે એક તરફ રાહુલ ગાંધી સુરત કોર્ટમાં અપીલ માટે આવી રહ્યાં હતાં. તેમની ફ્લાઈટ બપોરે અઢી વાગ્યે દિલ્હીથી આવી રહી હતી. તે પહેલાં સુરત એરપોર્ટ ઉપર બનેલી એક ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતાં. બન્યું એવું હતું કે, સુરત એરપોર્ટ ઉપર હૈદરાબાદથી સુરત આવેલી ફ્લાઇટ (6E 6981)ને રનવે ઉપર લેન્ડિંગ કરવા માટેની જાહેરાત કરી દેવાઈ હતી. ફ્લાઈટ વેસુ તરફ રનવે પહેલાં 250 મીટરની જ ઊંચાઈ ઉપર હતી ત્યારે ખૂબ નીચે આવી ગયેલી ફ્લાઈટને પવનની દિશા બદલાતા પાઈલટે નિર્ણય બદલ્યો હતો. ખૂબ નીચે આવી ગયેલા એરક્રાફ્ટને અચાનક ઊંચાઈ વધારવા પાઈલટે ફૂલ પાવર આપી ફરી ઊંચે લેતાં વિમાનનાં ભારે અવાજથી એરપોર્ટ નજીક વેસુ તરફ આવેલા ઘરોમાં રહેતા લોકો ગભરાયા હતા.
વિમાનની ઘરરાટીનો અવાજ એટલો તીવ્ર હતો કે, સામાન્ય દિવસોમાં અવાજ કરતાં અનેક ગણો વધારે હોવાથી કંઈક અજુગતુ થયું હોવાની શંકાએ લોકોને ગભરાવી મૂક્યા હતા. જોકે, વિમાનનાં પાયલટે એરક્રાફ્ટને 250 મીટર સુધી નીચે લાવી લેન્ડિંગ ટાળી જોત-જોતામાં ફ્લાઈટને ફરી 800 મીટરથી 2000 મીટરની ઊંચાઈ લઈ જઈને એરપોર્ટ ફરતે ચક્કર લગાવી ડુમસ તરફથા રન-વે ઉપર સેફ લેન્ડિંગ કરાવ્યું હતું.