Sports
શું અફઘાનિસ્તાન સામે ટી20 રમશે રોહિત-વિરાટ? આજે કરાશે ટીમ ઈન્ડિયાનું સિલેકશન
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી 1-1થી ડ્રો કર્યા બાદ ટીમ ઈન્ડિયાનું મનોબળ હવે ઉંચુ છે. હવે ભારતીય ટીમનું આગામી ટાર્ગેટ અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 શ્રેણી અને ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી છે. ભારત અને અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની T20 શ્રેણી 11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી સુધી રમાશે. આ પછી, ભારતીય ટીમે 25 જાન્યુઆરીથી ઇંગ્લેન્ડ સામે તેના જ દેશમાં પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ 25 જાન્યુઆરીથી 11 માર્ચ સુધી ચાલશે.
શું રોહિત-વિરાટ અફઘાનિસ્તાન સામે ટી20 રમશે?
અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણી અને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરવા માટે પસંદગી સમિતિ આજે બેઠક કરશે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ BCCIને જાણ કરી છે કે તેઓ T20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં ભારત માટે રમવા માંગે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પોતાને T20 ટીમમાં પસંદગી માટે ઉપલબ્ધ જાહેર કર્યા છે. આવી સ્થિતિમાં, આ બંને મહાન ખેલાડી 2022 ટી-20 વર્લ્ડ કપ પછી ફરી એકવાર ભારતીય ટીમ માટે 20 ઓવરની ક્રિકેટ રમતા જોવા મળશે.
આ બંને શ્રેણી માટે આજે ટીમ ઈન્ડિયાની પસંદગી કરવામાં આવશે
હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં રમી શકશે નહીં. હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે પસંદગી માટે ઉપલબ્ધ નથી. તેથી પસંદગી સમિતિ પાસે રોહિત શર્માને ટી-20 કેપ્ટન બનાવવા સિવાય કોઈ વિકલ્પ બચશે નહીં. પસંદગી સમિતિ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહને અફઘાનિસ્તાન સામેની ટી-20 શ્રેણી માટે આરામ આપી શકે છે.
મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવશે
ગુરુવારે કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતની જંગી જીતમાં મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહે મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતે બે મેચની શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમશે. ભારતીય ટીમ મેનેજમેન્ટ ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાનારી ટેસ્ટ શ્રેણી માટે તેમના બે ઇન-ફોર્મ પેસરો સંપૂર્ણ રીતે ફિટ થવા ઇચ્છે છે. ત્રણ પસંદગીકારો એસએસ દાસ, સલિલ અંકોલા અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર કેપટાઉનમાં છે.