Editorial

અંતરમાંથી શબ્દો વહેતાં હતાં,” જો અપર માં આવી હોય તો સગી માં મારે શું કરવી છે ? “

Published

on

” બા મને માફ કરો હું તમારી ગુનેગાર છું.મે તમને ઘણાં હેરાન પરેશાન કયૉ છે.પણ હું મારી માંના સમ ખાઈને કહું છું એમાં દીપેનનો કોઈ જ વાંક નથી. તે હોસ્પિટલમાં છે. ડૉક્ટરે ફક્ત 72 કલાક જ આપ્યા છે ત્યાં સુધી રૂપિયાની સગવડ નહીં થાય તો હું એને ખોઈ બેસીશ…ઉ..ઉ..ઉ..હુ…હુ..” એમ હૈયાફાટ રુદન કરતી દીપાલી રાંક થઈને સાસુ જગનકાકી આગળ કાકલૂદી રહી હતી. જગનકાકી આંસુડા ખાળતા ફક્ત આડું જોઈ બેસી જ રહ્યા હતા. ઓસરીમાં બેઠેલા કિતૅનકાકા હાથમાં રહેલું છાપું ડૂચો વાળીને ફેંકતા તાડૂકયા,” ખબરદાર જો એની વાત સાંભળી છે તો ! અમારે એનાથી કોઈ જ સંબંધ નથી. દીપાલી તને પણ કહું છું નીકળ અહીંથી, અમને હવે સુખેથી રહેવા દે ! મેં તમારા બન્નેની વાત માની એ શહેરમાં મારી સઘળી મૂડી ખર્ચી મકાન લઈ આપ્યું અને કંપનીમાં એને નોકરીએ પણ રખાવ્યો. વિચાર્યું હતું કે બધા સાથે હળીમળીને રહીશું પણ તેં તો અમારું જીવવું હરામ કરી નાખ્યું હતું. જા હવે અમારી પાસે તને મદદ કરવા જેવું કંઇ જ નથી !” બોલતાં બોલતાં કિતૅનકાકા ક્રોધ અને પીડાથી ખરેખર હાંફી રહ્યા હતા. ગુસ્સા પાછળ પોતાની પીડા જાણે દબાવતા હોય એમ તેઓ ચશ્મા ઉતારી જમણા હાથે આંખો ચોળીવા લાગ્યા.

કિતૅનકાકાને દીપેન એકનો એક દીકરો હતો. દીપેનની માં તેનાં જન્મ સમયે જ સ્વર્ગે સિધાવી ગઈ હતી એટલે કાકાએ જગન કાકીને ખાસ કરીને દીપેનનો ઉછેર કરવા લગ્ન કરી લાવ્યા હતા.લોકો કાકીને અપર માં અપર માં કરતા હતા, પણ જગનકાકીએ એટલી નિષ્ઠા અને ખરી મમતાથી દીપેનનો ઉછેર કરવા લાગ્યા કે કદાચ દીપેનની સગી માં પણ એટલો લાડ પ્રેમ એને ના આપી શકી હોત.લગ્નના પાંચ જ વર્ષમાં વહુ દિપાલીએ એવાં એવાં કજિયા આદર્યા કે દીપેનને માં-બાપ સાથે ક્યારેય ના વિસરાય એવો અણબનાવ થઈ ગયો. હમણાં અઠવાડિયા પહેલાં જ તે અચાનક બીમાર પડ્યો હતો અને ડોક્ટરે નિદાન આપ્યું હતું કે “તેની બન્ને કિડની ખલાસ થઈ ગઈ છે.” એટલે દિપાલી મદદ માટે આજે પોતાના સાસુ સસરા પાસે આવી હતી,પણ કહેવાય છે ને કે ખાડો ખોદે તે પડે ! બસ દીપાલી સાથે પણ એવું જ થયું. પોતે જ આ હાલત માટે જવાબદાર હતી એટલે બીજા કોઈને પણ કહી શકે એમ નહોતી.

Advertisement

જગનકાકીનું હૈયું ફફડતુ ફફડતુ માંડ બીજા બે અઠવાડિયાં વિતાવી શક્યું હતું. આજે કિતૅનકાકા પણ વીસ દિવસે જમીનના કામ અર્થે ગામતરેથી આવ્યા હતા.ખબર નહીં પણ કાકી ખુશ થવાને બદલે કાકાને જોઈ સંકોચ અનુભવતા હતા. ભગવાનનો ચમત્કાર થયો હોય એમ એ જ અઠવાડીએ દિપાલી ફરી ગાડીમાં દીપેનને લઈને કુળદેવીના મંદિરે દશૅન કરવા લઈ આવી. આ વખતે તે રાજી ખુશી અને હાસ્યની છોળો ઉડાડતી આવી હતી.કોઈની મદદ લીધા વગર દીપેન સાજો થઈ ગયો હતો એટલે પોતે એક અલગ જ તુમાખીમા હતી.

મંદિરે જતી વખતે કિતૅનકાકા અને જગનકાકી ઘરની ઓસરીમાં જ બેઠાં હતા. તેઓ બંન્ને જણ પોતાના વહાલસોયાને સાવ સાજો જોઈ ટાટી કૂંપળી અનુભવતાં હતા. સામે દિપાલી તો હજુ સુધી એમ જ ઘમંડને છેડે બાંધીને જ ફરતી હતી.ફળીયાના એક દાદીએ સમાચાર પૂછ્યા તો તેણે આડોડાઈ બતાવતાં કહ્યું,” એ તો સાજાં નરવા થઈ ગયા.કોઈની મદદ ઉપર થોડો સિક્કો મારેલો હતો ? હું આકાશપાતાળ એક કરીને એમને સાજાં કરીને જ રહી. અમારીયે કંઈક તો ઈજ્જત છે.બધા થોડા પથ્થરદીલ હોય ?” સામેવાળા દાદી પણ સમજી ગયા ચીંદરી બળી પણ વળ ના ગ્યો. વહુના કડવા વેણ કાકીને ના જીરવાતા તેઓ ઊઠીને ઉભરાતી આંખો લૂછતાં લૂછતાં ઘરમાં ચાલ્યા ગયા. પાછળ પાછળ કાકા પણ ગયા અને કાકીને શબ્દો થકી આશ્વાસન આપવા લાગ્યા. દીપેન આ બધું મૌન બની જોઈ રહ્યો હતો. તેને પણ દિપાલીની કાગવાણી ખૂબ જ કકૅશ લાગતી હતી પણ અત્યારે તે કશું કહી શકે એવી હાલતમાં નહોતો. તે જાણે પોતાની માં ને જોવા માંગતો હતો એવા આશય સાથે “હું વાડામાં જઈ આવું છું તું જા.” એમ કહી દીપાલીને આગળ મોકલી પોતે ઘર પાછળ ગયો. ત્યાં પાછલી દીવાલમાં એક નાની ડોકાબારી હતી જે અધખુલ્લી હતી એમાં ડોકાયો. આછા અજવાશમાં કાકા કાકીને કહી રહ્યા હતાં,” અરે દીપેનની માં ! પણ તું આટલી રડે છે કેમ ? જો હવે આપણો દીપેન સાજો થઈ ગયો છે.તેને નખમાંય રોગ નથી.”

Advertisement

” હા હું જાણું છું, પણ…” કાકી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા.આગળનું વાક્ય ડૂસકાં સાથે જાણે ગળી ગયાં. બહાર બારીમાંથી દીપેન આ બધું જોઈ સાંભળી રહ્યો હતો. કાકાએ જગનકાકીને ખભે પકડી પોતાની બાજુ ફેરવતાં ફરી પુછ્યુ,” બોલ શું વાત છે ? એ દિપાલીનુ તો સહેજ ખોટું ના લગાડતી એ તો છે જ એવી ! એના માબાપ પણ એની ગવાહી નથી પુરતાં ! તારે તો ખુશ થવું જોઈએ કે આપણો દીકરો સારો થઈ ગયો.” એટલું સાંભળતાં તો કાકી રીતસરનાં પોક મૂકીને રડવા લાગ્યા.કાકાને શંકા ગઈ.તેમણે કાકીને કડક નજરે જોઈ કહ્યું,” મને લાગે છે આ વખતે પણ તે તારી મમતા વેડફી નાખી છે. સાચું બોલ શું વાત છે…?”કાકીથી ના રહેવાતા તેમણે સાડીનો પાલવ ખસેડી જમણી બાજના પડખે પેટના ભાગે જ્યાં પાંચ ટાંકા આવ્યા હતા તે બતાવી રહ્યા હતા.કાકા પણ ખૂબ ગમગીન થઇ કાકીને ગાઢ આલિંગનમાં જકડી લઈ રડવા લાગ્યા.પાછળની બાજુએ અધખુલ્લી બારીમાં જોઈ રહેલો દીપેન સાવ બેબાકળો બની શૂન્યમનસ્ક થઇ ઉભો હતો.જાણે અંતરમાંથી શબ્દો વહેતાં હતાં,” જો અપર માં આવી હોય તો સગી માં મારે શું કરવી છે ? ” ઘરથી થોડેક આગળ નીકળેલી દિપાલી કાગડીની જેમ બરાડી રહી હતી,” હવે કેટલી વાર છે…? ચાલો મોડું થાય છે…..” એને ક્યાં ખબર હતી કે મોડું તો કયારનુયે થઈ ગયું હતું…

– વિજય વડનાથાણી..

Advertisement

Trending

Exit mobile version