Dahod
વિશ્વ સાયકલ દિવસ : ઝાલોદ નગર ના યુવાન શ્રીરામ અગ્રવાલ સાયકલીંગ થી પોતાના જીવનમાં પરિવર્તન લાવ્યું
પંકજ પંડિત
મન હોય તો માળવે જવાય એનું જીવંત ઉદાહરણ એટલે શ્રીરામ અગ્રવાલ.
આજે તારીખ 03-06-2023 એટલે વિશ્વ સાયકલ દિવસ , ઝાલોદ નગરના યુવાનને સાયકલીંગ થી પોતાના જીવનમાં આમૂલ પરિવર્તન લાવેલ છે.
ઝાલોદ નગરના યુવાન એવા શ્રીરામ નાથૂલાલ અગ્રવાલ જેવો સદાય જીવનમાં કાંઈક કરી બતાવવામાં તત્પર રહે છે. તેઓની ઉંમર 37 વર્ષ છે. તેઓ દાહોદ જિલ્લાના ઝાલોદ નગરના મૂળ રહેવાશી છે, હાલ તેઓ વડોદરામાં આવેલ ભાયલી વિસ્તારમાં રહે છે. તેઓ જાતે પહેલા પોતાના સ્વાસ્થ્ય વિષે ગંભીર ન હતા . પરંતુ એક સમય એવો આવ્યો કે તેઓ એ પોતાના જીવનમા પરિવર્તન લાવવું છે ત્યાર બાદ તેઓ પોતાને બદલવા તત્પર હતા તેથી તેઓ પોતે આત્મચિંતન કરવા લાગ્યા અને મારે જ મારી જાતને કહેવું પડ્યું કે “બસ થયું હવે, જીવવું તો સ્વસ્થ રીતે જ” બસ આજ આત્મસંકલ્પ અને મારી સોસાયટી- આધ્યાના મિત્રોની પ્રેરણાથી મારા 113 કિલો વજનમાંથી 22 કિલો વજન ઘટાડવાનું નક્કી કર્યું. આ મિશન 10 જૂન 2022 ના રોજ શરૂ થયું. કસરત અને થોડા ડાયટ સાથે આ સફર શરૂ થઈ. 12 સપ્ટેમ્બર 2022 ના રોજ મારી મુલાકાત વડોદરાના કુલદીપસિંહ જાદવ સાથે થઈ અને ત્યાંથી શરૂ થયું મારુ જોડાણ પેડલિંગ ફોર ફિટનેશ ગ્રુપ સાથે. સોનામાં સુગંધ ભળી એમ આ ગ્રુપના લીધે સાયકલિંગ મારા જીવનનો ભાગ બનવા લાગી. આમાં સાયકલિંગે ખૂબ મોટી ભૂમિકા ભજવી અને મારુ વજન આજ સુધી 31 કિલો ઘટ્યું.
મને સ્વપ્નમાં પણ ખબર નહોતી કે આ ગ્રુપ સાથેનું જોડાણ મને ક્યાંથી ક્યાં લઈ જશે ! શરૂઆતમાં બધા મિત્રોના સહયોગથી હું 15 થી 20 કિલોમીટર સાયકલિંગ કરતો. આ ગ્રુપની પ્રેરણાથી હમણાં હું દરરોજ 50 થી 60 કિલોમીટર સાયકલ ચલાવી રહ્યો છું. આજ સુધી કુલ 9500 કિલોમીટર સાયકલીગ કર્યું છે.
હવે આ સાયકલિંગ મારો શોખ અને જીવવાનો ભાગ બની ગયું છે. મે મારી સૌથી મોટી રાઈડ 611 કિલોમીટર(અમદાવાદથી નડાબેટ) કરી. આ ઉપરાંત અમારા ગ્રુપના ગોપાલ પઢિયાર સાથે વડોદરાથી ઉજ્જૈન – 400 km, વડોદરાથી સારંગપુર-300km, વડોદરાથી ચોટીલા-300km, વડોદરાથી અમદાવાદ-200km, વડોદરાથી ઉત્તરસંડા- 200km, અને 100 કિલોમીટરની રાઈડ તો લગભગ 31 થી વધુ વખત કરી છે.
લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય તેના પ્રચાર-પ્રસાર માટે અમે P4f ના નેતૃત્વમાં દ્વારકા, સોમનાથ, શિરડી, ઓમકારેશ્વર, તેમજ ભારતના વિવિધ ધાર્મિક સ્થળોએ સાઈકલિંગ કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો છે.
“મક્કમ મનોબળમાં સતત પ્રયત્નો ભળે અને ધીરજ સાથે આગળ વધવામાં આવે તો નક્કી કરેલ સ્વપ્નો પૂરા કરવામાં કોઈ રોકીના શકે” બસ આજ મારો જીવનમંત્ર છે.