Panchmahal
પંચમહાલ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા “વિશ્વ સિકલ સેલ દિવસ”ની ઉજવણી કરાઈ
૧૯ જુન ૨૦૨૪,”વિશ્વ સિકલ સેલ દિવસ” ની ઉજવણી અંતર્ગત પંચમહાલ જિલ્લાના તમામ ૦૭ તાલુકાઓના ૦૨ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ,૧૨ સામૂહિક આરોગ્ય કેન્દ્ર,૫૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ૦૬ શહેરી આરોગ્ય કેન્દ્રના વિસ્તારોમાં સિકલ સેલ એનિમિયા રોગ વિશેની સાચી માહિતી-જનજાગૃતિ અંતર્ગત પ્રચાર પ્રસારના હેતુ સહ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાઓમાં હેલ્થ કેમ્પ તથા તેના નિદાન માટે લોહીના નમુનાની તપાસ,પત્રિકા વિતરણ ,શૈક્ષણિક સંસ્થાઓમાં સિકલ સેલ અનિમિયા રોગ અંતર્ગત પ્રચાર પ્રસાર, વિસ્તારમાં રેલીનું આયોજન તથા જાહેર સ્થળો પર વાહન સાથે માઇક પ્રચારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સિકલ સેલ એનિમિયા રોગ વિશે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મહેશ ચૌધરી દ્વારા વિસ્તૃત માહિતી આપતા જણાવવામાં આવ્યું કે, વર્ષ ૧૯૧૦માં વિશ્વમાં સિકલ સેલનો પ્રથમ કેસ અમેરિકાના શિકાગો શહેરમાં ડો.જેમ્સ બી.હેરિક દ્વારા પ્રસ્થાપિત કરાવેલ હતો.૧૯૨૨માં ડો.વી.આર.મેનન દ્વારા આ રોગને સિકલ સેલ એનિમિયા નામ આપવામાં આવ્યું હતું. ભારતમાં સિકલ સેલનો પ્રથમ વ્યક્તિ તામિલનાડુ રાજ્યના નીલગીરી હીલ વિસ્તારના આદિવાસી સમુદાયમાં મળી આવ્યો હતો.
લેટિન ભાષામાં સિકલનો અર્થ દાતરડું, અને સેલ એટલે કણ. માનવ શરીરમાં લોહીની વિકૃતિ જેમાં સામાન્ય રીતે રકાબી જેવા ગોળ આકારના દેખાતા લાલ કણ એ દાતરડા આકારના થઈ જાય છે.ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ વિગેરે જિલ્લાઓમાં વસતા આદિવાસીઓમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે, જે અતિ ગંભીર બાબત છે. આપણા શરીરમાં રક્તકણ ૧૨૦ દિવસ કામ કરે છે, જ્યારે સિકલ સેલ ધરાવતા વ્યક્તિઓમાં આ રક્તકણ ૩૦ દિવસ કામ કરે છે જેના કારણે પીડિત લોકોમાં લોહીની ઉણપ જોવા મળે છે. સિકલ સેલ એનિમિયા એ એક વારસાગત સમસ્યા છે, તેને સંપૂર્ણપણે મટાડી શકાતો નથી પરંતુ તેનો વ્યાપ ચોક્કસ અટકાવી શકાય છે તથા આ રોગથી પીડાતા વ્યક્તિઓની શારીરિક તથા માનસિક સમસ્યા ચોક્કસપણે ઓછી કરી શકાય છે. આ સમસ્યા નિવારવા સામાજિક જનજાગૃતિ તેમ જ વહેલું નિદાન તથા સારવાર માટેની સેવાઓ વિકસાવવી શકાય છે.
શરીફ ફીકું પડી જવું, વારંવાર કમળો થવો, બરોળ મોટી થઈ જવી, પેટમાં દુખાવો થવો, હાથ અને પગના સાંધામાં સોજો આવવો, વારંવાર તાવ આવવો તથા પગમાં ચાંદા પડવા એ સિકલ સેલ એનીમિયા રોગના લક્ષણો છે. સિકલ સેલ ના બે પ્રકાર છે.(૧)સિકલ સેલ ટ્રેટ (૫૦%વાહક) જે મોટે ભાગે માતા અથવા પિતા માંથ આ ખામી સંતાનને વારસાગત મળી શકે છે, આવા વ્યક્તિઓને મોટેભાગે સિકલ સેલથી શારીરિક તકલીફ થતી નથી, પરંતુ તેઓએ લગ્ન કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.(૨) સિકલ સેલ ડીસીસ/એનિમિયા(૧૦૦% વાહક) જે માતા અને પિતા બંનેમાંથી ખામીયુક્ત રંગસૂત્ર મળવાથી સિકલસેલ એનિમિયા રોગ બાળકને વારસાગત મળે છે.જેની સારવાર અને કાળજીની હંમેશા જરૂર પડે છે જેથી નિષ્ણાંત તબીબ પાસે જ તેની સારવાર લેવી હિતાવહ છે,આવા વ્યક્તિઓએ લગ્ન કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે તથા પોતાના બ્લડ ગ્રુપની જાણકારી હોવી પણ જરૂરી છે જેથી તેઓએ પોતાના બ્લડ ગ્રુપ વાળા (સરખા) ચાર થી પાંચ ઓળખીતા વ્યક્તિઓના સંપર્ક માં રહી તેઓના મો.ન. /કોન્ટેક્ટ નં અવશ્ય રાખવા જોઈએ.સિકલ સેલના દર્દીઓએ નિયમિત પૌષ્ટિક આહાર લેવો, વિદ્યાર્થીઓએ નિયમિત વાંચન કરવું જેથી પરીક્ષા સમયે વધારે શ્રમ ન પડે, પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી તથા વધુ પડતો શ્રમ પડે તેવા કાર્ય તથા રમતોથી દૂર રહેવું, ઠંડી અને વરસાદ નું પ્રમાણ વધારે હોય તેવા સમયે ખાસ કાળજી લેવી તેમજ મન અને તન (શરીર) હંમેશા તંદુરસ્ત રહે તેવી પ્રવૃત્તિઓ કરવી.
સિકલ સેલ એનિમિયા રોગ ધરાવતા વ્યક્તિઓએ રોજના ૧૦ થી ૧૫ ગ્લાસ પાણી પીવું એટલે કે પ્રવાહી વધુ માત્રામાં લેવું જોઈએ, Tab Folic Acid ની ગોળીઓ નિયમિત લેવી, સમતોલ પૌષ્ટિક આહાર લેવો, મેલેરિયા ન થાય તેની વિશેષ કાળજી લેવી, જરૂર પડે ત્યારે જ દુખાવા માટે દર્દ સામક ગોળીનો ઉપયોગ કરવો, કોઈપણ પ્રકારનું વ્યસન કરવું નહીં , નિષ્ણાંત ડો. પાસે નિયમિત તપાસ કરાવવી તેમજ દર ત્રણ મહિને હિમોગ્લોબીન ની પણ તપાસ કરાવવી,વધુ પડતી ઉંચાઈ વાળી જગ્યાએ જવું નહીં તેમજ વધુ પડતા વરસાદ, ઠંડી કે તાપમાં બહાર ફરવું નહીં.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મહેશ ચૌધરી દ્વારા દરેક લોકોને અપીલ કરતાં જણાવવામાં આવ્યું કે, તંદુરસ્ત સમાજના નિર્માણ માટે દરેક વ્યક્તિએ આરોગ્ય વિશે સજાગ રહેવું જોઈએ અને પોતે અને પોતાના કુટુંબના સભ્યોની સિકલ સેલ એનીમિયા રોગ અંતર્ગત લોહીની તપાસ કરાવવી જરૂરી છે, તેમજ જન્મ પછી નવજાત શિશુની વહેલી તકે તપાસ કરાવવી,શાળા – કોલેજમાં પ્રવેશ પહેલા, સગાઈ લગ્ન કે ગર્ભ ધારણ કરતા પહેલા સિકલસેલ અંગેની તપાસ કરાવી ખૂબ જ જરૂરી છે.