Chhota Udepur
પરીક્ષાને ધ્યાને લઈ પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં ઝેરોક્ષ સેન્ટરો ખુલ્લા રાખી શકાશે નહીં

પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા.૧૪/૦૩/૨૦૨૩ થી ૨૯/૦૩/૨૦૨૩ સુધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજીત એસ.એસ.સી./ એચ.એસ.સી સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા છોટાઉદેપુર જિલ્લામાં નિયત થયેલા કેન્દ્રો ખાતે યોજાનાર છે. જેથી પરીક્ષા કેન્દ્રો ખાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તથા કોઇ પણ પ્રકારની ગેરરીતીઓ સિવાય શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ સ્તુતિ ચરણએ કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જાહેરનામું બહાર પાડી ફરમાવ્યા છે.
જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે તા. ૧૪/૦૩/૨૦૨૩ થી ૨૯/૦૩/૨૦૨૩ સુધી છોટાઉદેપુર જિલ્લામાં નિયત થયેલા તમામ પરીક્ષા કેન્દ્રો(સ્થળો)ની આજુબાજુ ૧૦૦ મીટરના વિસ્તારમાં આવેલી તમામ ઝેરોક્ષ મશીનની દુકાનોના સંચાલકોને ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા માટે તાકીદ કરાઇ છે. આ ઉપરાંત પરીક્ષા ખંડમાં સેલ્યુલર, મોબાઈલ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, કેલ્ક્યુલેટર જેવા તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવા પર અને પરીક્ષાના દિવસે જિલ્લામાં આવેલ તમામ પરીક્ષા કેન્દ્રોની આજુ-બાજુમાં ૪ કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો કોઈ ભંગ કરશે અથવા ભંગ કરવામાં મદદગારી કરશે તો ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.